નર્મદા ઉત્તરવાહિની પ્રરિક્રમામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા રસ્તો બંધ કરવો પડ્યો
- શનિ-રવિ,સોમવારની રજા હોવાથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા
- રામપુરા કીડી મકોડી ઘાટ જવા માટે રાત્રિથી જ રસ્તાઓ બંધ કરી દેવાયો
- રેંગણ ઘાટ પર ભીડ ઓછી કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની 13 મિની બસ સેવામાં મૂકાઈ
રાજપીપીળાઃ નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમાનું વિશેષ મહાત્મ્ય છે. એક મહિના માટે ગઈ તા. 29મી માર્ચથી શરૂ થયેલી પરિક્રમામાં રોજબરોજ ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવી રહ્યા છે. દરમિયાન શનિ, રવિ અને સોમવારથી જાહેર રજા હોવાથી પરિક્રમા કરવા માટે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા છે. મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડતા વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બની છે. અને તેથી પરિક્રમાના રસ્તાઓ બંધ કરી દેવાયા છે. જેથી હજારો પરિક્રમાવાસીઓ પરિક્રમા કર્યા વગર પરત ફરી રહ્યાં છે.
નર્મદા ઉતરવાહિની પરિક્રમામાં કીડીયારું ઉભરાયું છે. શનિવાર, રવિવાર અને કાલે સામવારની જાહેર રજા હોવાથી પરિક્રમા કરવા માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. રામપુરા કીડી મકોડી ઘાટ જવા માટે રાત્રિથી જ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. હજારો પરિક્રમાવાસીઓ પરિક્રમા કર્યા વગર પરત ફર્યા છે. આ વર્ષે તંત્ર દ્વારા આગોતરી વ્યવસ્થાઓ સારી કરવામાં આવી છે. પરંતુ લાખોની સંખ્યામાં યાત્રિકો ઉમટી પડતા વ્યવસ્થાઓ ઓછી પડી હતી. તંત્ર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બસ સેવાની માંગ કરી છે. રેંગણ ઘાટ ખાતેથી પરિક્રમાવાસીઓને નદીની સામે પાર લઈ જવા માટે નાવડીઓ ઓછી પડી છે. તો બીજી તરફ, લોકો દ્વારા રસ્તા પર વાહનો પાર્ક કરી દેવામાં આવ્યા છે. ઉત્તરવાહીની પરિક્રમામાં જિલ્લા વહીવટીતંત્ર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર ખડેપગે છે. રેંગણ ઘાટ પર ભીડ વધી જતાં ભીડ ઓછી કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની 13 મિની બસ સેવામાં મૂકાઈ છે. હાલ રેંગણ ઘાટથી શ્રધ્ધાળઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીની બસ દ્વારા ભાદરવા ગામ સુધી લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તરવાહીની પરિક્રમા રામપુરા, કીડીમકોડી ઘાટ, રણછોડરાયના મંદિરથી પ્રારંભ થઈને માંગરોળ, ગુવાર, શહેરાવ, તિલકવાડા ઘાટ, રેંગણ-વાસણ ગામ થઇને નર્મદા નદી બોટ મારફત પાર કરી પરત રામપુરા ઘાટ પર સ્નાન કરીને પરિક્રમા અંદાજે 14 કિ.મી. પૂરી થાય છે. ચૈત્ર માસમાં 29મી માર્ચથી 27મી એપ્રિલ સુધી એક મહિનો આ પરિક્રમા ચાલશે. જેમાં હજારો લાખોની સંખ્યામાં ભાવિકો શ્રદ્ધાળુઓ આ પગપાળા પરિક્રમા કરે છે અને પરિક્રમાના રૂટમાં આવતા પ્રાચીન મંદિરો, આશ્રમોના દર્શન પ્રસાદનો લાભ લે છે. પરિક્રમા વહેલી સવારથી શરૂ થાય છે અને રાત્રી દરમિયાન પણ પદયાત્રા ભાવિકો અનુકૂળ સમય પરિક્રમા કરી શકે છે. પરિક્રમાના સમગ્ર રૂટ ઉપર લાઈટ, પાણી, બેસવાની વ્યવસ્થા, ડોમ, ચાર ઘાટ પર બેરિકેટીંગ, સીસીટીવી કેમેરા, છાયડો, આરોગ્ય, પીવાના પાણીની સુવિધા, પોલીસ બંદોબસ્ત સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સેવા કેન્દ્રો, સ્ટોલ, ટોયલેટ સુવિધા સ્નાન માટે બાથરૂમ, ફુવારા વગેરે વ્યવસ્થા પણ ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઉભી કરવામાં આવી છે આકર્ષક કમાનવાળા ગેટ, સાઇન બોર્ડની સુવિધા ટૂંકમાં પદયાત્રીને ક્યાંક મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવાઇ છે.