ગાંધીનગરમાં મેટ્રોની કામગીરીને લીધે ચ-5થી ઘ-5 સર્કલ સુધીનો રોડ 3 મહિના માટે બંધ રહેશે
- અધિક જિલ્લા મેજિસ્ટેટએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
- મેટ્રો ફેઈઝ-2ની કામગીરીનો થયો પ્રારંભ
- શહેરનો ચ-5થી ઘ-5 યુધીનો માર્ગ 23મી એપ્રિલ સુધી બંધ રહેશે,
ગાંધીનગરઃ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત ફેઝ-2ની કામગીરીનો પ્રારંભ કરાયો છે. જેના લીધે શહેરના ચ-5થી ઘ-5ના સર્કલ સુધીનો રોડ ત્રણ મહિના યાને તા. 23મી એપ્રિલ સુધી બંધ રહેશે. આ અંગે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દિગંત બ્રહ્મભટ્ટે જાહેર કર્યું છે કે, મેટ્રો પ્રોજેક્ટ ફેઝ-2ની કામગીરી માટે ચ-5 સર્કલથી ઘ-5 સર્કલ સુધીનો માર્ગ આગામી ત્રણ મહિના સુધી બંધ રહેશે. મેટ્રો ફેઝ-2ની આ કામગીરી 27 જાન્યુઆરી સવારથી 23 એપ્રિલ 2025 રાત્રિના 24:00 વાગ્યા સુધી ચાલશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા P17/02થી P17/33 સુધી રેલિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. વાહન વ્યવહારને સરળ બનાવવા માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે.
મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઈઝ-2ની કામગીરી માટે ચ-5થી ઘ-5 સર્કલ સુધીનો રોડ વાહન વ્યવહાર માટે બંધ કરાતા વાહન ચાલકો માટે નવો રૂટ નિર્ધારિત કરાયો છે, જેમાં સેક્ટર-17/22 કટથી ચ-5 સર્કલ તરફ જવા માટે જમણી બાજુ વળીને સિંગલ લાઈનમાં જવાનું રહેશે. ચ-5 સર્કલથી ઘ-5 સર્કલ તરફ જવા માટે સામેના રોડ પર સિંગલ લાઈનમાં પ્રવાસ કરી શકાશે. વિશેષ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે ઘ-5 સર્કલથી સેક્ટર-17/22 વિસ્તારમાં શોપિંગ મોલ, હોસ્પિટલ અને બેંક જેવી સુવિધાઓ આવેલી છે. આ વિસ્તારમાં રાત્રિ દરમિયાન કામગીરી હાથ ધરવામાં આવશે અને એક તરફનો માર્ગ બંધ રહેશે. ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે માર્શલની નિમણૂક કરવામાં આવી છે અને આડેધડ પાર્કિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જાહેરનામાંમાં વાહનચાલકો માટે ડાયવર્ઝન રૂટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રોડ નંબર-5 ઉપર સેક્ટર 17/22 કટથી ચ-5 તરફ જતાં રોડ ઉપર મેટ્રો રેલવેનું કામ થતું હોવાથી એક તરફનો રોડ બંધ કરવામાં આવ્યો છે. જેથી, ઘ-5 સર્કલથી રોડ નંબર-5 (ચ-5) તરફ જવા માટે સેક્ટર 17/22 કટથી જમણી બાજુ વળી બનાવેલા સામેના રોડ ઉપર સિંગલ લાઇનમાં જઈ ચ-5 તરફ જઈ શકાશે. સેકટર-17/22 કટ થી ચ-5 સર્કલ સુધીનું કામ પૂર્ણ થયા પછી ચ-5 સર્કલ થી સેકટર-17/22ના કટ સુધીજતા રોડ ઉપર મેટ્રો રેલવેનું કામ શરૂ છે. જેથી સેક્ટર-17/22 થી ચ-૫ સર્કલ સુધી એક તરફનો રોડ બંધ કરવામાં આવ્યો હોવાથી સદર જગ્યાએ ચ-5 સર્કલ થી સામે બનાવેલ રોડ ઉપર સિંગલ લાઇનમાં જઈ સેકટર-17/22 કટથી ડાબી બાજુ વળી ઘ-5 સર્કલ તરફ જઈ શકાશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરમાં ચ-5 સર્કલ થી સેકટર-17/22 કટ સુધીનું મેટ્રોનું કામ પૂર્ણ થયા બાદ સેકટર-17/22 કટ થી ઘ-5 સર્કલ સુધી મેટ્રો રેલવેનું કામ કરવામાં આવશે. જેથી સેકટર-17/22 કટ થી ઘ-5 સર્કલ તરફ એક તરફનો રોડ બંધ કરવામાં આવતો હોવાથી ચ-5 સર્કલ તરફ થી આવતા વાહનો સેકટર-17/22 કટથી સામે બનાવેલ રોડ ઉપર સિંગલ લાઇનમાં જઈ ઘ-5 સર્કલ તરફ જઈ શકશે. સેકટર-17/22 કટ થી ઘ-5 સુધીનું કામ પૂર્ણ થયા બાદ ઘ-5 સર્કલ થી સેકટર-17/22 કટ સુધીનું મેટ્રો રેલવેનું કામ કરવામાં આવશે.