જામનગરની રંગમતી ડેમમાંથી પાણી છોડાતા નદી ભર ઉનાળે બેકાંઠા બની
- રંગમતી ડેમના દરવાજા બદલવાના હોવાથી ડેમ ખાલી કરાયો
- દરેડથી લાખોટા તળાવ સુધી કેનાલમાં પાણીનો જથ્થો વાળવામાં આવ્યો
- નદીમાં ચેકડેમો પણ છલોછલ ભરાયા
જામનગરઃ શહેર નજીક આવેલા રંગમતી નદી પરના ડેમના દરવાજા બદલવાથી લઈને રિનોવેશનની કામગીરી હાથ ધરવાની હોવાથી હાલ રંગમતી ડેમ ખાલી કરવામાં આવી રહ્યો છે. જેના લીધે ભર ઉનાળે નદી બે કાંઠા બની છે. નદી પર આવેલા નાના ચેક ડેમો પણ છલોછલ ભરાય ગયા છે. તેમજ દરેડથી લખોટા તળાવ સુધી કેનાલમાં પાણીનો જથ્થો વાળવામાં આવ્યો છે. તેવા લીધે લખોટા તળાવની જળ સપાટીમાં પણ વધારો થશે.
જામગર નજીક આવેલા રંગમતી ડેમના દરવાજા વગેરે બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેથી હાલ ડેમમાં પાણીનો જથ્થો ભરેલો છે, તેને ખાલી કરવા માટેની પ્રક્રિયાઓ ઇરીગેશન વિભાગ દ્વારા રવિવારથી હાથ ધરવામાં આવી છે. રવિવારે સવારે 7.00 વાગ્યાથી ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. દરેડની કેનાલ અને દરેડ ખોડીયાર મંદિરનો ચેકડેમનો વિસ્તાર જે ખાલીખમ હતો, જેમાં સંપૂર્ણ પણે નવા પાણીની આવક થઈ છે.
આ ઉપરાંત રવિવારે મોડી રાત્રે દરેડથી જામનગરના લાખોટા તળાવ સુધી આવતી કેનાલમાં પાણીનો જથ્થો વાળવામાં આવ્યો હતો, અને મોડી રાત્રે જામનગરના લાખોટા તળાવમાં પણ નવા પાણીની આવક થઈ હતી, અને આજે પણ નવું પાણી તળાવમાં આવી રહ્યું છે. જો કે તળાવની કેનાલમાં ઉદ્યોગ નગર નજીકના વિસ્તારમાં કેમિકલ યુક્ત પાણી ભરેલું હતું, જે પૈકીનો કેટલોક પાણીનો જથ્થો મહાનગરપાલિકાના તંત્રએ નદીમાં વાળવાનો પ્રયત્ન કર્યો હતો, અને કેમિકલ યુક્ત થોડું પાણી નદી તરફ વાળી લેવાયું હતું, ત્યારબાદ બાકીના પાણીનો જથ્થો તળાવમાં ઠાલવવામાં આવ્યો છે, અને હાલ તળાવની સપાટી ધીમે ધીમે વધી રહી છે. મહાનગરપાલિકાનું તંત્ર તેના પર નજર રાખી રહ્યું છે.
ઇરીગેશન વિભાગ દ્વારા રંગમતી ડેમમાંથી પાણી છોડવાના મુદ્દે નિચાણવાળા વિસ્તારોને ચેતવણી આપવામાં આવી હતી, જોકે નવા પાણીની આવક થવાથી માત્ર ચેક ડેમમાં જ પાણી આવ્યું છે, અન્ય કોઈ વિસ્તારમાં પાણી આવ્યાની અથવા તો લોકોને મુશ્કેલી પડી હોય તેવા કોઈ અહેવાલો મળ્યા નથી. કુલ 57 એમસીએફટી જેટલો પાણીનો જથ્થો ડેમમાંથી ખાલી કરવામાં આવશે, ત્યારબાદ ડેમના દરવાજાને રીપેરીંગ વગેરેની કામગીરી હાથ ધરવામાં આવશે.