ગુજરાતમાં જંત્રીના દરમાં વધારો થવાથી મકાનો ખરીદવા મોંઘા પડશે
- રિયલ એસ્ટેટમાં મંદી આવવાના એંધાણ,
- લોકોને મકાન ખરીદવું 35થી 40 ટકા મોંઘુ પડશે,
- રિડેવલપમેન્ટના કામો પણ અટકી જશે
ગાંધીનગરઃ ગુજરાતમાં જંત્રીના દર અંગે નવો મુસદ્દો જાહેર કરીને સરકારે લોકો પાસેથી વાંધા-સુચનો મંગાવ્યા છે. ગુજરાત સરકાર 1લી એપ્રિલથી જંત્રના નવા દર લાગુ કરવા મક્કમ છે. જંત્રીના નવા દર લાગુ થતાં જ લોકોને મકાનો ખરીદવા મોંઘા પડશે. સાથે જ રિયલ એસ્ટેટમાં પણ વ્યાપક મંદી આવશે એવી પણ દહેશત બિલ્ડરો વ્યક્ત કરી રહ્યા છે. તેમજ રિ-ડેવલપના કામો પણ ઠપ થઈ જશે, આ ઉપરાંત ખેતીની જમીનો પણ મોંઘી થશે. ટેક્સની આકારણી પણ જંત્રીને આધારે કરાતી હોવાથી લોકોના ટેક્સમાં પણ વધારો થશે. નવી જંત્રીના દર વધારાથી સરકારનું તરભાણું તો ભરાશે પણ મોંઘવારી વધશે.
ગુજરાત સરકારે નવા મુસદ્દારૂપ જંત્રી દરો જાહેર કરતાની સાથે જ રિયલ એસ્ટેટ બજારમાં ભારે હડકંપ મચી ગયો છે. જેટલા પ્રમાણમાં જંત્રી દરો વધારી દેવામાં આવ્યા છે તેટલા પ્રમાણમાં લોકો પર તેનું ભારણ આવશે. કારણ કે પાઘડીનો વળ છેડે હોય તેમ અંતે તો જંત્રીનું ભારણ પ્રજા પર જ આવશે. બિલ્ડરોના કહેવા મુજબ નવા જંત્રીના દરને લીધે ગુજરાતના વિકાસ મોડલ પર ગંભીર અસરો સર્જાય તો નવાઈ નહીં. જંત્રીના તોતિંગ વધારાની અસરોના ભાગરૂપે વિકાસ રુંધાશે, રિયલ એસ્ટેટ તળિયે જશે, લોકોને ઘરો 35 થી 40 ટકા સુધી મોંઘા પડશે, પ્રોપર્ટી ટેકસમાં પણ .વધારો ચૂકવવો પડશે, આ બધાની અસર સીધી મકાનો ખરીદનારા પર પડશે.
અમદાવાદના એક રિયલ એસ્ટેટનું કામ કરતી એજન્સીના કહેવા મુજબ જંત્રીના નવા દરથી મકાનોના ભાવ ઉચકાશે. એટલે કે, કેટલાક વિસ્તારોમાં તો મકાનો 35 થી 40 ટકા મોંઘા થશે, કેટલાક વિસ્તારમાં 4000 જંત્રી દર હતો હવે તેના બદલે 42300 થઈ ગયો. એટલે દસ ગણો દર વધારો સુચવાયો છે. જૂના દર મુજબ એફએસઆઈ કોસ્ટ 4000 પર 40 ટકા પ્રમાણે રૂા.1600 ચૂકવવી પડતી હતી તે હવે સીધી રૂા.16500 ચૂકવવી પડશે. આમાં દસ ગણો વધારો થયો. ઉપરાંત બાંધકામ કોસ્ટ 2000 ની થતી જે હવે 3600 ની થશે. બિલ્ડર તેમાં પોતાનો 15 થી 20 ટકા નફો ઉમેરે એટલે મકાનની કિંમત 35 થી 40 ટકા જેટલી વધી જશે.
નવા જંત્રીના દરને લીધે રિડેવલપમેન્ટ પર અસર પડશે. નવી શરતની જમીનોનું પ્રીમિયમ વધી જતા ખેડૂતોને રોવાનો વારો આવશે બિન ખેતી માટે પ્રીમિયમના દર 25 ટકા છે. આ પ્રમાણે વારે 400 પ્રિમીયમ ચૂકવવુ પડતુ હતુ જે વધીને હવે સીધુ 3500 થઈ ગયુ. પ્રીમિયમનો દર ખેડૂતોએ જ ભરવાનો થાય જે હવે આઠ ગણા જેટલા વધી ગયા. જેથી ખેડૂતો પર પણ પ્રીમિયમનુ વધારાનું ભારણ આવશે. અમદાવાદ સહિત મહાનગરોમાં જંત્રી આધારિત પ્રોપર્ટી ટેક્સની ફોર્મ્યુલા અમલમાં છે. તેમાં પણ વેલ્યુઝોનની કેટેગરી પ્રમાણે ટેક્સ વસૂલવામાં આવે છે. નવી જંત્રી મુજબ અમદાવાદના લગભગ દરેક વિસ્તારો હાઈવેલ્યુ ઝોનમાં આવરી લેવામાં આવ્યા છે.