રાજયસભાએ ભારતીય વાયુયાન વિધેયકને બહાલી આપી
નવી દિલ્હીઃ રાજયસભાએ ભારતીય વાયુયાન વિધેયકને બહાલી આપી છે. લોકસભાએ ગત ચોમાસુ સત્રમાં આ વિધેયકને મંજૂરી આપી હતી. આ વિધેયકમાં કોઇપણ વિમાનની આયાત નિકાસ, વેચાણ કે ઉત્પાદનને લગતા નિયમો ઘડવાની સત્તા કેન્દ્ર સરકારને અપાઇ છે. આ ઉપરાંત આ વિધેયકમાં કોઇપણ વિમાન અકસ્માત બાબતે તપાસ કરવાના નિયમો ઘડવાની સત્તા કેન્દ્ર સરકારને આપવાની જોગવાઇ છે.
કેન્દ્રિય નાગરિક ઉડ્ડયનમંત્રી કે.રામમોહન નાયડુએ આ વિધેયકની પરની ચર્ચાનો જવાબ આપતાં ગૃહમાં જણાવ્યું હતું કે, ભારતને ઉડ્ડયન ક્ષેત્રનું કેન્દ્ર બનાવવાનું ધ્યેય આ વિધેયકમાં રખાયું છે. આ વિધેયકમાં રોજગારની તકો અને ઉડ્ડયન ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિને વધારવાની બાબતને પણ આવરી લેવાઇ છે. વિમાનના વધારે પડતા ભાડા અંગે બોલતાં શ્રી નાયડુએ કહ્યું કે, આ અંગે સરકારે વિમાન કંપનીઓને રજૂઆત કરી છે. જો કે, રાજય સરકારો દ્વારા વસૂલાતા કરવેરા અને ઇંધણની વધતી કિંમતોનીઅસર વિમાન ભાડા ઉપર થાય છે. આજે રાજયસભામાં સત્તાધારી અને વિપક્ષના સભ્યોએ આ વિધેયક તેમજ ઉડ્ડયન ક્ષેત્રની વિવિધ બાબતો અંગે પોતાનો મત રજૂ કર્યો હતો.