માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીની કાર્યવાહી ધીમી ગતિએ ચાલતી હોવાની રાવ
- ગ્રાન્ટેડ, સરકારી માધ્યમિક શાળાઓમાં 15000થી વધુ જગ્યાઓ ખાલી,
- બોર્ડની પરીક્ષાને હવે 88 દિવસ બાકી રહ્યા છે,
- શિક્ષકોને અન્ય વિભાગોની સેવા સોંપવા સામે પણ વિરોધ
રાજ્યમાં ગ્રાન્ટેડ હાઈસ્કૂલોમાં શિક્ષકોની ભરતી ગોકળગતિએ ચાલી રહી છે. સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની 15 હજારથી વધુ જગ્યાઓ ખાલી છે. ઉપરાંત આચાર્યની 1,000થી વધુ તેમજ ક્લાર્કની 1,500થી વધુ જગ્યાઓ ખાલી છે. બીજી બાજુ આગામી તા.27 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે. બોર્ડ દ્વારા પરીક્ષાના કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. બીજા શૈક્ષણિક સત્રમાં ગુજરાત બોર્ડની પરીક્ષાને હવે જ્યારે 88 દિવસ બાકી છે ત્યારે શિક્ષકોને શૈક્ષણિક સિવાયની અન્ય કામગીરી ન સોંપવા શિક્ષણ મંત્રી કક્ષાએથી લાગતા વળગતા વિભાગોને સૂચના આપવા માટે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ દ્વારા શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતીની જાહેરાતને મહિનાઓ વિતી ગયા છતાંયે હજુ શિક્ષણ સહાયકોની ભરતીના કોઈ ઠેકાણા નથી. શિક્ષકોની ખાલી જગ્યાની માહિતી મંગાવ્યા પછી. 31 ઓક્ટોબર, 2024ના રોજ નિવૃત્ત થયેલા શિક્ષકોની ખાલી જગ્યાઓની માહિતી હજુ સુધી શિક્ષણ વિભાગ દ્વારા માંગવામાં આવી નથી. ઉપરાંત ઘણીબધી શાળાઓને કોઈને કોઈ કારણસર જ્ઞાન સહાયકો પણ મળ્યા નથી. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નવા વર્ગ વધારાથી ખાલી પડેલી, નિવૃત્તિથી ખાલી પડેલી તેમજ જૂના શિક્ષકો શાળાઓ બદલીને જવાના છે તે ખાલી જગ્યાઓ અંગે હજુ સુધીમાં કોઈ આયોજન કે માહિતી માંગવામાં આવી નથી. ત્યારે જ્ઞાન સહાયકની ભરતીની પ્રકિયા ઝડપી કરવી જોઈએ તેમજ ગત તા.31 ઓક્ટોબર ના રોજ ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓનો નવી ભરતીમાં સમાવેશ કરવાં શિક્ષણ જગતમાં માંગ ઊભી થઈ છે.
સૂત્રોના કહેવા મુજબ રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને શિક્ષણ કાર્ય સિવાયની અન્ય વિભાગોની કામગીરી જેવી કે જાતિના પ્રમાણપત્રો, યુ ડાયસ, યુ ડાયસ પ્લસ, જુદા જુદા આઈડી સહિતની અનેકવિધ વધારાની કામગીરી સોંપવામાં આવે છે. જેના પરિણામે વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યના ભોગે આ કામગીરી કરવાની શિક્ષકોને ફરજ પડે છે. આથી શિક્ષકોને બહારની કામગીરી ન સોંપવા રજુઆત કરવામાં આવી છે.