સુરેન્દ્રનગરમાં મ્યુનિ.કોર્પોરેશનની નિષ્ક્રિયતાને લીધે રખડતા ઢોરની સમસ્યા યથાવત
- શહેરના મુખ્યમાર્ગો પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેસી રહે છે,
- રખડતા ઢોરને લીધે અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે,
- નગરપાલિકામાંથી મહા નગરપાલિકા બની છતાયે સમસ્યાઓ ઉકેલાતી નથી
સુરેન્દ્રનગરઃ શહેરની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. શહેરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠેલા હોય છે. ઠેરઠેર રખડતા ઢોરના અડિંગાની સમસ્યા જોવા મળી રહી છે. રખડતા ઢોરે લોકોને અડફેટે લેતા અકસ્માતના બનાવો પણ બની રહ્યા છે, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યું પછી શરૂ કરાયેલી ઢોર પકડવાની ઝુંબેશની કોઈ અસર દેખાતી નથી.
સુરેન્દ્રનગર શહેરના અનેક વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસની ફરિયાદો ઊઠતા કડક કાર્યવાહીની માંગ ઊઠી છે. શહેરના લગભગ તમામ મુખ્ય માર્ગ પર વારંવાર પશુઓનો જમાવડો થઇ જાય છે. ત્યારે શહેરના મુખ્ય માર્ગ ગણાતા ઉપાસના સર્કલથી ટાવર સુધીના મેઈન રોડ ઉપર જ અનેક જગ્યાએ રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે. રખડતા ઢોર ઝઘડતા લોકો અડફેટે આવી જવાથી ઇજાગ્રસ્ત બનતા હોય છે. રસ્તા પર અડિંગો જમાવીને બેસતા પશુઓ ક્યારેક ઝઘડે ત્યારે રાહદારીઓ અને વાહનચાલકોમાં અકસ્માતનો ભય ઊભો થાય છે. આથી રસ્તા પર ફરતા અને બેસતા પશુઓના કારણે કોઇ મોટી દુર્ઘટના થાય તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રાહદારીઓ, વાહનચાલકો સહિતના લોકોમાંગ ઊઠી છે.
સુરેન્દ્રનગર શહેર મનપા બન્યા બાદ તંત્રએ ઢોર પકડવાની મનપાની ઝુંબેશ શરૂ કરી હતી પણ તે ઝુંબેશ ઠંડી પડી ગઈ હોય તેમ રસ્તા પર તેની કોઈ અસર દેખાતી નથી તેવી નાગરિકોએ ફરિયાદ ઊઠાવી હતી. મુખ્ય માર્ગો પર આ પ્રકારની સમસ્યા હોવાથી મનપા દ્વારા કડક કાર્યવાહી થાય તો રખડતા ઢોરની સમસ્યાથી મુક્તિ મળવાની શહેરીજનોમાં આશા જાગી છે. તંત્ર દ્વારા રખડતા પશુઓને પકડવા ઝુંબેશ ફરી શરૂ કરવાની લોકમાંગ ઊઠી છે.