ગુજરાતમાં વરસાદી સીઝનમાં મહાનગરો અને નાના શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા વકરી
- મહેસાણામાં આખલાએ એક વૃદ્ધનો લીધો ભોગ,
- નાના શહેરોમાં રખડતા ઢોર પકડવાની કાયમી કોઈ વ્યવસ્થા નથી,
- તળાજામાં પણ રખડતા આખલાને કારણે મુસાફરો ભરેલી રિક્ષાનો અકસ્માત
અમદાવાદઃ રાજ્યના અમદાવાદ, વડોદરા સુરત સહિત તમામ મહાનગરો અને નાના શહેરોમાં ચોમાસાની વરસાદી સીઝનને લીધે રખડતા ઢોરની સમસ્યા વકરી રહી છે. રોડ પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેસી રહેતા હોવાથી રાહદારીઓ અને વાહનચાલકો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. નાના શહેરોમાં નગરપાલિકા પાસે રખડતા ઢોર પકડવાની કાયમી કોઈ વ્યવસ્થા જ નથી. રસ્તા પર રખડતાં ખુલ્લા સાંઢ લોકોનો જીવ લઈ રહ્યા છે અને તંત્ર તેને પકડવાના ઠાલા વચનો આપી સંતોષ માની રહ્યું છે. ત્યારે તાજેતરમાં મહેસાણાના કનોડા ગામમાં રખડતા આખલાએ 75 વર્ષના વૃદ્ધ મફતલાલ પટેલનો જીવ લઈ લીધો હતો. જ્યારે ભાવનગરના તળાજામાં પણ રખડતા આખલાને કારણે મુસાફરો ભરેલી રિક્ષાનો અકસ્માત થતા 5 પ્રવાસીઓ ઘવાયા હતા.
રાજ્યના મહાનગરો અને નાન શહેરોમાં રસ્તાઓ પર રખડતાં ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. રાહદારીઓના જીવ જોખમમાં મૂકાઈ રહ્યા છે, અને તંત્ર હાથ પર હાથ ધરી બેઠું છે. ગુજરાત હાઈકોર્ટે રખડતાં ઢોર પકડવાનો આદેશ આપ્યો હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવાતા નથી. અમદાવાદ સહિત મહાનગરોમાં તો રખડતા ઢોરનો ત્રાસ દૂર થયો છે. પણ નાના શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. ઘણીબધી નગરપાલિકાઓ પાસે રખડતા ઢોર પકડવા માટે અલાયદુ કોઈ તંત્ર જ નથી. તાજેતરમાં મહેસાણાના કનોડા ગામમાં તો રખડતા આખલાએ 75 વર્ષના વૃદ્ધ મફતલાલ પટેલનો જીવ લઈ લીધો હતો. આખલાએ વૃદ્ધને અડફેટે લઈ ફંગોળી દેતાં તેમનું મોત નીપજ્યું. આ ઘટનાએ સ્થાનિકોમાં રોષ અને ભયનું વાતાવરણ ફેલાવ્યું હતું.
આ ઉપરાંત ભાવનગરના તળાજામાં પણ રખડતા આખલાને કારણે મુસાફરો ભરેલી રિક્ષાનો અકસ્માત થયો હતો. આ ઘટનામાં પાંચ લોકોને ઈજા થઈ, અને તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. રાજ્યમાં રખડતાં ઢોર પકડવાની કામગીરી અંગે સવાલો ઉઠી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો હોવા છતાં, તંત્રની ઉદાસીનતા સામે લોકોમાં રોષ વધી રહ્યો છે.