સોનાનો ભાવ રૂપિયા 97 હજારને વટાવી ગયો, હવે સોનું ખરીદવું મોઘું પડશે
- સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 1040 રૂપિયાનો વધારો
- જીએસટી અને ઘડામણ ઉમેરીએ તો પ્રતિ તોલાનો ભાવ એક લાખને વટાવી ગયો
- લગ્ન સીઝન ટાણે જ સોનાના ભાવમાં વધારાથી ખરીદી ઘટી
અમદાવાદઃ ગુજરાતમાં હાલ લગ્નોની સીઝન ટાણે જ સોનાના ભાવમાં અસામાન્ય વધારો થતાં મધ્યમ વર્ગના પરિવારોને હવે સોનું ખરીદવું દોહ્યલુ બન્યુ છે. રાજકોટમાં સોની બજારમાં ગઈકાલે સોનાના ભાવ 95,900 રૂપિયાની સરખામણીએ આજે સોનાનો ભાવ 325 રૂપિયા વધીને 96,225 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. જો કે ચાંદીના ભાવમાં 320 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલે 95, 680 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી ચાંદીનો આજે 95, 360 રૂપિયા પ્રતિ કિલો થઈ છે. જ્યારે અમદાવાદની બજારમાં સોનાના ભાવમાં 1040 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. ગુરુવારે 96,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાતા સોનાનો આજે 97,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ભાવ નોંધાયો છે. અમદાવાદના બજારમાં ચાંદીનો ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ચાંદીનો ભાવ 1 લાખ રૂપિયા પ્રતિ કિલો યથાવત છે.
સૂત્રોના કહેવા મુજબ દેશમાં સોનાના ભાવ અનેક પરિબળો પર આધાર રાખે છે, જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની સ્થિતિ અને ચલણ વિનિમય દર મુખ્ય છે. વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં વધારો થતાં તેની અસર ભારતીય બજાર પર પણ પડે છે. ઉપરાંત, તહેવારોની મોસમમાં સોનાની માંગ વધતાં પણ ભાવમાં વધારો જોવા મળે છે. 24 કેરેટ સોનાના આભૂષણો પર 999 હોલમાર્ક જોવા મળે છે. જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ સોના પર 750 હોલમાર્ક હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે, જ્યારે 22 કેરેટ સોનું 91% શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતુઓ જેમ કે તાંબુ, ચાંદી અને જસત ભેળવીને આભૂષણો બનાવવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો બનાવવામાં આવતા નથી. બધા જ આભૂષણો પર કેરેટ મુજબ હોલ માર્કિંગ કરવામાં આવે છે. સોનાની શુદ્ધતા ચકાસવા માટે સરકારે 'BIS Care app' નામની એક એપ્લિકેશન બનાવી છે. આ એપ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય માહિતી પણ મેળવી શકે છે અને ફરિયાદ પણ નોંધાવી શકે છે. જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક ફરિયાદ કરી શકે છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, સોનાના જે ભાવ છે જેમાં જીએસટી અને ઘડામણ ગણીએ તો પ્રતિ એક તોલાનો દાગીનાનો ભાવ એક લાખથી વધી જાય છે. લગ્ન સીઝન ટાણે જ સોનાનો ભાવમાં વધારાથી મધ્યમ વર્ગના પરિવારો સોનું ખરીદી ન શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.