70 રૂપિયા કિલોના ભાવે વેચાતા લસણના ભાવ 500એ પહોંચ્યા,
- ગત વર્ષે કમોસમી વરસાદને લીધે લસણનો પાક નિષ્ફળ ગયો હતો,
- હજુ બે મહિના ભાવ ઉતરવાની શક્યતા નહીવત,
- ઠંડી વધવાને લીધે લસણના ભાવમાં અસામાન્ય વધારો,
અમદાવાદઃ શિયાળાની સીઝનમાં પણ શાકભાજીના ભાવમાં ખાસ ઘટાડો થયો નથી. ત્યારે લસણના ભાવમાં તોતિંગ વધારો થયો છે. બે વર્ષ પહેલા લસણનો ભાવ સામાન્ય રીતે 70-75 રૂપિયા પ્રતિ કિલો હતો. પરંતુ હવે તેમાં 6-7 ગણો વધારો થઈ ગયો છે. અત્યારે લસણનો ભાવ 500 રૂપિયા આસપાસ પહોંચી ગયો છે. સમયાંતરે પડી રહેલા કમોસમી વરસાદે પણ લસણના ભાવ પર અસર કરી છે. શિયાળો શરૂ થયો છે પરંતુ હજુ સુધી લીલા લસણની આવક શરૂ થઈ નથી. તેવામાં હજુ લોકોને લસણના ભાવમાં રાહત મળે એવી કોઈ શક્યતા નથી.
શિયાળામાં લસણના કૂદકે ને ભૂસકે વધતા જતા ભાવે મધ્યમ વર્ગનું બજેટ ખોરવી દીધું છે. બે વર્ષ અગાઉ 70 રૂપિયે કિલો વેચાતા લસણ માટે હાલ રૂપિયા 500 સુધી ખર્ચવા પડી રહ્યા છે. ભાવમાં વધારો થતાં હવે રસોડામાંથી લસણની ચટણી અને લસણને થોડા સમય માટે મેનુમાંથી બહાર જ રાખવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. વેપારીઓના કહેવા મુજબ મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી મોટા પ્રમાણમાં લસણનો પાક થાય છે. પરંતુ ગત વર્ષે કમોસમી વરસાદને પગલે આ બંને રાજ્યોમાં પણ લસણનું ઉત્પાદન ઓછું થયું હતુ. જેના પગલે લસણની આવક ઘટતા ભાવમાં વધારો થયો છે. જૂના લસણનો સ્ટોક પૂરો થવા આવ્યો છે જ્યારે નવું ઉત્પાદન ઓછું હોવાથી બજારમાં માલની આવક ઘટી છે. શિયાળાને પગલે લસણની માગ વધી છે અને બજારમાં તેનો પુરવઠો સતત ઘટી રહ્યો છે. જેના કારણે લસણની કિંમત સતત વધી રહી છે. અમદાવાદના હોલસેલમાં લસણની કિંમત રૂપિયા 300થી રૂપિયા 350 છે. જ્યારે છુટક બજારમાં લસણનો ભાવ પ્રતિકિલો 500 રૂપિયા છે.
સામાન્ય રીતે શિયાળો શરૂ થતાં શાકભાજીની આવક શરૂ થઈ જતી હોય છે. શિયાળામાં શાકભાજીના ભાવ ઓછા રહેતા હોય છે. પરંતુ આ વખતે હજુ શાકભાજીના ભાવ આસમાને છે. વટાણા, મેથી, ગાજર અને તુવેરનો ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો છે. ટામેટા અને ડુંગળી 80 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યાં છે. આ સિવાય ગુવાર, ભીંડા, મરચા સહિત અન્ય શાકભાજીના ભાવ પણ ખુબ વધુ છે.