અમદાવાદમાં મોડી રાતે ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ પર કરાયો હુમલો
- શહેરના ગુલબાઈ ચેકરા વિસ્તારમાં બન્યો બનાવ
- પોલીસ જવાનને લાફો માર્યો, ત્યારબાદ પથ્થરમારો કરાયો
- પોલીસના ધાડા ઉતર્યા, આરોપીને પકડીને પાઠ ભણાવાશે
અમદાવાદઃ શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગને લીઘે મોડી રાતે જોરશોરથી ડીજે વગાડવામાં આવતું હતું. તેથી પોલીસ ડીજેને બંધ કરાવવા જતાં સ્થાનિક લોકોને પોલીસ સાથે માથાકૂટ થઈ હતી. એક શખસે પોલીસને લાફો મારતા મામલો બિચક્યો હતો, અને પોલીસની ટીમ પર કેટલાક અજાણ્યા લોકોએ પથ્થરો ફેંક્યા હતા. આ ઘટનાને લઈને પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસની ટીમ પર કેટલાક અજાણ્યા લોકોએ પથ્થરો ફેંક્યા હતા. આ ઘટનાને લઈને પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારના લગ્ન પ્રસંગમાં મોડી રાત સુધી ડીજે વાગી રહ્યું હતું. ધોરણ 10 અને 12ની પરીક્ષા નજીક હોવાથી રાતે વાંચન કરતા વિદ્યાર્થીઓને ડીજેને લીધે ખલેલ પહોંચી રહી હતી. આ અંગેની માહિતી પોલીસને મળી હતી. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસકર્મીઓએ ડીજે વગાડવાની ના પાડી હતી.ત્યારે અજાણ્યા લોકોએ પોલીસના જવાનને લાફો માર્યો હતો. જે બાદ તમામ લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાએ ઉગ્ર રૂપ ધારણ કરતા આસપાસના પોલીસ સ્ટેશનનો સ્ટાફ બોલાવવો પડ્યો હતો. ઘટનામાં કોઇ પોલીસ ઈજાગ્રસ્ત નથી. ઘટનાને લઇ રાયટિંગની ફરિયાદ નોંધવામાં આવી છે, અને પથ્થરમારો કરનારા લોકોની ઓળખ કરીને તેની ધરપકડ કરવા માટે પોલીસે તજવીજ હાથ ધરી હતી.