ગુજરાતની જનતાને ગરમીમાં મળશે આંશિક રાહત, તાપમાનમાં ઘટાડાની શક્ય
અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમીના પ્રકોપ બાદ આજે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે રાજ્યના સરેરાશ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. આ તરફ ગુરુવારે સૌથી વધુ ગરમી અમદાવાદમાં અનુભવાઈ રહી છે. અમદાવાદમાં સતત પાંચમાં દિવસે 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ 43 ડિગ્રી તાપમાં લોકો ગરમીથી શેકાયા હતા..આ ઉપરાંત 6 શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીથી વધુ રહ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા તાપમાનના આંકડા મુજબ, રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થયો છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે ગબડ્યું . જ્યારે રાજ્યમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રીથી 43.3 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 43.3 ડિગ્રી નોંધાયું હતું.
હાલમાં ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થયો છે, જ્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરી છે. જોકે, બીજી તરફ, હવામાન વિભાગે સૌરાષ્ટ્રના રાજકોટ અને કચ્છ જિલ્લામાં ગરમીનું મોજું આવવાની આગાહી કરી હતી. આ ઉપરાંત સૌરાષ્ટ્રના મોરબી અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ગરમીનું મોજું આવવાની આગાહી કરવામાં આવી છે.c