કેનેડાની જનતાને મળશે નવી વડાપ્રધાન, 28મી એપ્રિલે યોજાશે ચૂંટણી
કેનેડામાં 45 મી સંસદીય ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઈ છે. જસ્ટીન ટ્રુડોનાં રાજીનામાં બાદ તેમની જ પાર્ટી લિબરલ પાર્ટી તરફથી માર્ક કારને વડાપ્રધાન બન્યા છે. જેમણે આગામી 28 એપ્રિલ 2025 નાં રોજ કેનેડામાં સામાન્ય ચૂંટણી યોજાશે તેવી જાહેરાત કરી દીધી છે.
કેનેડાની સંસદમાં હાઉસ ઓફ કોમન્સ એટલે કે લોકસભાની કુલ ૩૪૩ સીટ છે મતલબ કે જે તે પાર્ટીને સત્તા પર આવવા ૧૭૨ સીટની જરૂર પડશે. કેનેડામાં પોલીટીકલ પાર્ટીઓ ની વાત કરીએ તો લિબરલ પાર્ટી ઓફ કેનેડા છે જે હાલ સત્તા પર છે. બીજી પાર્ટી છે કન્ઝર્વેટીવ પાર્ટી ઓફ કેનેડા. જે મુખ્ય વિરોધ પક્ષ છે. ગત ટર્મમાં લિબરલ પાર્ટીને 152 સીટ પર જીત મળી હતો તો કન્ઝર્વેટીવ પાર્ટીને 120 સીટ પર જીત પ્રાપ્ત થઇ હતી. ત્રીજા ક્રમે બ્લેક ક્યુબેકોસ છે. જેને ગત ટર્મમાં 33 સીટ હતી. ચોથા ક્રમે ન્યુ ડેમોક્રેટિક પાર્ટી. જગમીત સિંહની આ પાર્ટી ને ગત ટર્મ માં 24 સીટ પ્રાપ્ત થઇ હતી. અત્યાર સુધી જગમીત સિંહની પાર્ટીના ટેકાથી જ લિબરલ પાર્ટી સત્તા પર હતી.
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નેએ 28 એપ્રિલે દેશમાં સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરી છે જેમાં તેમણે કહ્યું કે તેઓ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્યવહાર કરવા માટે મજબૂત જનાદેશ ઇચ્છે છે. કેનેડિયન પીએમએ કહ્યું હતું કે, અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ આપણા માટે સૌથી મોટા ખતરામાંથી એક છે. તેઓ આપણને તોડવા માગે છે જેથી અમેરિકા આપણું માલિક બને, અમે આવું નહીં થવા દઈએ.
કેનેડાના પીએમએ કહ્યું કે આજના યુવાનોને વધુ મહેનત કરવી પડે છે, પરંતુ તેમ છતાં તેમને ભાડું ચૂકવવામાં અને તેમના બાળકો માટે બચત કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
તેમણે કહ્યું, મને ખબર હતી કે આપણા દેશને અમેરિકનો સામે લડવા, ટ્રમ્પના ટેરિફનો સામનો કરવા અને કેનેડાના અર્થતંત્રને સુધારવા માટે પગલાં લેવાની જરૂર છે. કાર્નેએ કહ્યું કે તેઓ મહિલાઓના ગર્ભપાત અધિકારોનું સમર્થન કરે છે, જેમ કે તેમની લિબરલ પાર્ટી પણ કરે છે. ટ્રમ્પ વિરોધી ભાવનાથી લિબરલ પાર્ટીને ફાયદો આ મહિનાની શરૂઆતમાં જાહેર કરાયેલા ચૂંટણી સર્વેમાં લિબરલ પાર્ટી વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટી કરતાં વધુ લોકપ્રિય હતી. ઇપ્સોસ સર્વેમાં, લિબરલ્સને 38% અને કન્ઝર્વેટિવ્સને 36% સમર્થન મળ્યું.
આ સર્વેના છ અઠવાડિયા પહેલા, કન્ઝર્વેટિવ પાર્ટીને 46% લોકોનું સમર્થન હતું જ્યારે લિબરલ્સને 12% લોકો પસંદ કરતા હતા. છ અઠવાડિયામાં પાર્ટીની લોકપ્રિયતામાં 26%નો જંગી વધારો થયો. હવે જોવાનું રહ્યું કે ઊંચા મકાન ભાડા, મોંઘુ થતું કરિયાણું અને બેકારી જેવી સમસ્યા ઉપરાંત ઈમ્મીગ્રેશન સંબંધિત મુદ્દે કયો પક્ષ મતદારોને રીઝવે છે.