ગાઝામાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બે વર્ષ પૂર્ણ થયાં
નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા યુદ્ધને બે વર્ષ પૂરાં થવા આવ્યા છે, છતાં હમાસે હજુ સુધી ઈઝરાયલ સામે સમર્પણ કર્યું નથી. ઈઝરાયલની સેના અને વાયુસેના સતત ગાઝામાં ભારે બોમ્બમારો કરી રહી છે, જેના કારણે સમગ્ર ગાઝા લગભગ ખંડેરમાં ફેરવાઈ ગયું છે. સોમવારથી મંગળવારની રાત્રે પણ ઈઝરાયલે તીવ્ર બોમ્બબારી ચાલુ રાખી હતી આ બાદ ઈઝરાયલના રક્ષા મંત્રી ઈઝરાયલ કાઝેએ નિવેદન આપતાં કહ્યું કે “ગાઝા સળગી રહ્યું છે.”
ગાઝામાં વધતી તબાહી વચ્ચે અમેરિકા પણ ચિંતિત બન્યું છે, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “ઈઝરાયલ પહેલેથી જ કાર્યવાહી શરૂ કરી ચૂક્યું છે, હવે અમારી પાસે સમાધાન માટે બહુ ઓછો સમય બચ્યો છે, હવે મહિનાઓ નહીં, માત્ર થોડાં દિવસો કે કદાચ થોડાં અઠવાડિયા જ બાકી છે.”
ઈઝરાયલ હાલ ગાઝા શહેર પર સૌથી વધુ હુમલા કરી રહ્યું છે, હવાઈ હુમલાઓમાં સતત લોકોના મોત થઈ રહ્યા છે. ઈઝરાયલે ગાઝા શહેરના રહેવાસીઓને તાત્કાલિક શહેર છોડવાનો આદેશ આપ્યો છે. ઈઝરાયલનું માનવું છે કે ગાઝા શહેર હમાસનું છેલ્લું મજબૂત ગઢ છે અને હવે આ શહેરમાં નવો, વધુ તીવ્ર હુમલો કરવાની યોજના તૈયાર થઈ રહી છે.
ગાઝાની હાલત દિવસેને દિવસે વધુ ગંભીર બનતી જાય છે. એક બાજુ ઈઝરાયલ પોતાની સૈન્ય કાર્યવાહી થંભાવવાનો કોઈ ઈશારો આપતો નથી, બીજી બાજુ અમેરિકા સમય પૂરાઈ રહ્યો હોવાની ચેતવણી આપી રહ્યું છે. હવે દુનિયાની નજર ગાઝાની આ જંગલાત પર જ છે.