ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પર હવે ‘અપોલો ટાયર્સ’નું નામ અને લોગો જોવા મળશે
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઇન્ડિયાના નવા મુખ્ય પ્રાયોજક તરીકે અપોલો ટાયર્સ સાથે કરાર કર્યો છે. ડ્રીમ-11ના બહાર થયા બાદ અપોલો ટાયર્સે આ સ્થાન મેળવ્યું છે. BCCIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે એપોલો ટાયર સાથે કરાર થયો છે અને ટૂંક સમયમાં તેનું સત્તાવાર જાહેરનામું કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, અપોલો ટાયર્સે BCCI સાથે 2027 સુધીનો કરાર કર્યો છે. આ કરાર હેઠળ કંપની બોર્ડને પ્રતિ મેચ 4.5 કરોડ રૂપિયા ચૂકવશે, જે પહેલાંના સ્પોન્સર ડ્રીમ-11 દ્વારા ચૂકવાતા 4 કરોડથી વધારે છે. આ બોલી પ્રક્રિયામાં અપોલો ટાયર્સ સિવાય કેનવા અને જે.કે. ટાયર્સ પણ સામેલ રહ્યા હતા. બિડલા ઓપ્ટસ પેઇન્ટ્સે પણ રસ દર્શાવ્યો હતો પરંતુ બોલી પ્રક્રિયામાં જોડાયા નહોતા.
બોર્ડે 2 સપ્ટેમ્બરે નવા મુખ્ય પ્રાયોજક માટે અરજીઓ મંગાવી હતી અને મંગળવારે બોલી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. નિયમો મુજબ, ગેમિંગ, સટ્ટેબાજી, ક્રિપ્ટો અને તમાકુ કંપનીઓને બોલી પ્રક્રિયામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી નહોતી. હાલમાં ભારતીય પુરુષ ટીમ યુએઈમાં ચાલી રહેલા એશિયા કપમાં કોઈ જર્સી પ્રાયોજક વગર રમી રહી છે. મહિલાઓની ટીમ પણ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વન-ડે સીરિઝમાં પ્રાયોજક વગર ઉતરી હતી. હવે જોવાનું રહેશે કે 30 સપ્ટેમ્બરથી શરૂ થનારા મહિલા વન-ડે વર્લ્ડ કપમાં નવી જર્સી પર અપોલો ટાયર્સનું નામ જોવા મળે છે કે નહીં.
ડ્રીમ-11 પર તાજેતરમાં પ્રતિબંધ લાગતા BCCIએ તેના સાથેનો 358 કરોડનો કરાર સમય પહેલાં સમાપ્ત કરી દીધો હતો. 2023માં બાયજુ’સની જગ્યાએ ડ્રીમ-11 જર્સી સ્પોન્સર બન્યું હતું, પરંતુ નવા ‘ઓનલાઇન ગેમિંગ બિલ 2025’ના કારણે કંપનીએ કરારમાંથી બહાર નીકળવાનું પસંદ કર્યું હતું. આ નવો કરાર ભારતીય ક્રિકેટના તાજેતરના વર્ષોમાં સૌથી મોટા અને સૌથી ફાયદાકારક સ્પોન્સરશિપ કરારોમાંનો એક માનવામાં આવી રહ્યો છે. આવનારા વ્યસ્ત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કૅલેન્ડરને ધ્યાનમાં રાખીને અપોલો ટાયર્સને આ ભાગીદારીથી વૈશ્વિક સ્તરે મોટી ઓળખ મળશે.