માનવ જીવન માટે સૌથી જરુરી અને મહત્વપૂર્ણ ઉત્તમ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કાર છે: રાજ્યપાલ
અમદાવાદઃ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન, રાજકોટ દ્વારા અમરેલીના જેસીંગપરામાં નિર્મિત 100 બેડની ધર્મજીવન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ રાજ્યપાલે કર્યો.આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા, રાજકોટ સાંસદ પરષોત્તમ રૂપાલા, નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય કૌશિકભાઇ વેકરિયા, ધારાસભ્ય જનક તળાવિયા સહિતના મહાનુભાવો અને સંતશ્રીઓએ હોસ્પિટલમાં આરોગ્યલક્ષી અદ્યતન સુવિધાઓનું નિરીક્ષણ કર્યું.
રાજ્યપાલે જણાવ્યું હતું કે, માનવ જીવન માટે સૌથી જરુરી અને મહત્વપૂર્ણ ઉત્તમ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કાર છે. સમાજ અને રાષ્ટ્ર કલ્યાણ માટે જરુરી એવા પરિમાણો રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાનના માધ્યમથી નાગરિકોને પ્રાપ્ત થઈ રહ્યા છે. ભાવિ પેઢીના નિર્માણ માટે શિક્ષા, સ્વાસ્થ્ય અને સંસ્કારની શ્રેષ્ઠ પરંપરા ચાલતી રહે તે રાષ્ટ્ર ઉન્નતિ સાધે છે. ગુજરાતની ભૂમિએ અનેક મહાપુરુષો આપ્યા છે, તેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતશ્રીઓ સમાજ અને નાગરિકોના કલ્યાણ માટે પોતાનું મોટું યોગદાન આપી રહ્યા છે. આ ઉપરાંત ગૌ માતાના જતન-સંવર્ધન, વૃક્ષારોપણ, વ્યસનમુક્તિ સહિતના સમાજ ઉત્કર્ષ અને રાષ્ટ્ર કલ્યાણના કાર્યો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે.
આ હોસ્પિટલ નિર્માણના પવિત્ર કાર્યમાં સહયોગ આપનાર દાતાઓને રાજયપાલે બિરદાવ્યા અને અભિનંદન આપ્યા હતા.રાજ્યપાલે માનવ જીવનના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચાર પુરુષાર્થનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ઉત્તમ સ્વાસ્થ્ય ધરાવનાર અને નિરોગી લોકો ધર્મ, કર્મ અને નાવીન્ય દ્વારા સમાજનું કલ્યાણ કરી શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ ઘણો ઝડપી થયો છે, આજે ગુજરાત આંતર માળખાકીય સુવિધાઓમાં અને કૃષિ, ઉદ્યોગ સહિતના ક્ષેત્રમાં સમગ્ર દેશમાં ટોચના સ્થાને બિરાજે છે.
મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે કેન્દ્રીય શ્રમ રોજગાર અને રમત ગમત મંત્રી મનસુખ માંડવીયાએ સમાજ જીવન અને વ્યવસ્થાપનના 'ભારતીય મોડલ' વિશે સવિસ્તર ઉદ્ધોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, 'ગુરુકુળો એ ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે. આ સંસ્થાનો દ્વારા સમાજની પ્રગતિ અને આરોગ્યલક્ષી સેવાના કાર્યો થઈ રહ્યા છે. ભારતમાં આરોગ્ય એ સેવાનો વિષય છે.
વધુમાં ઉમેર્યુ કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવા જ 'ભારતીય મોડલ' પર કાર્યરત છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક ખેતીની આહલેક જગાડી અને જનજાગૃત્તિનું કાર્ય કરી રહ્યા છે. આ પ્રસંગે તેમણે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકળ દ્વારા નિર્મિત ધર્મજીવન હૉસ્પિટલમાં દર્દીઓના સ્વાસ્થ્યની કાળજી લેવાની કામગીરી ઉત્તમ રીતે થશે તેવી શુભકામના પાઠવી હતી.