ગાંધીનગરમાં મેઈન ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી મેટ્રો રેલ તંત્રએ અટકાવી
- ગાંધીનગરના સેકટર 19ના છ’ રોડ પર ભૂગર્ભ ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે
- આ જ સ્થળે મેટ્રોની કામગીરી પણ ચાલી રહી છે
- બન્ને તંત્ર વચ્ચે સંકલનનો અભાવ
ગાંધીનગરઃ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ તેમજ ભૂગર્ભ ગટર યોજના સહિત અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે. જેમાં શહેરના સેક્ટર-19 પાસે મેઇન ડ્રેનેજ લાઇન નાંખવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે આ સ્થળે મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી પણ ચાલી રહી છે. તેથી ભૂગર્ભ ડ્રેનેજ માટે કરેલું ખોદકામ અવરોધરૂપ બનતા મેટ્રે રેલ પ્રોજેક્ટના અધિકારીઓએ ડ્રેનેજની કામગીરી અટકાવી દેવાની સુચના આપી છે. બન્ને વિભાગોના સંકલનના અભાવે આવી સ્થિતિનું નિર્માણ થયું છે.
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ડ્રેનેજ લાઇન નાંખવાની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે અને ઉચ્ચકક્ષાએથી ઝડપથી કામગીરી પૂર્ણ કરવા માટે કરાયેલી તાકીદના પગલે ગણતરીના સમયમાં કામ પૂર્ણ કરવામાં આવનાર છે ત્યારે છ- રોડ ઉપર સેક્ટર-19 પાસે મેઇન ડ્રેનેજ લાઇન નાંખવાની કામગીરી મેટ્રો રેલ તંત્રએ અધવચ્ચે અટકાવી દીધી છે. મેટ્રો રેલ પ્રોજેક્ટની પણ કામગીરી ચાલી રહી હોવાથી તેમાં ડ્રેનેજ લાઇનનું કામ અવરોધરૂપ બને તેમ હોવાથી આ કામગીરી અટકાવી દેવામાં આવી છે. આ બંને પ્રોજેક્ટ મહત્વના છે અને બંને ટાઇમ લિમિટમાં પુરા કરવાના છે. પરંતુ બે તંત્ર વચ્ચેના સંકલનના અભાવે ડ્રેનેજ લાઇનની કામગીરી અધવચ્ચે અટકાવી દેવાતા હવે ખોદાયેલા ખાડા લાંબા સમય સુધી યથાવત રહે તેવી સ્થિતિ ઉદભવી છે.
સૂત્રોના કહેના મુજબ મેટ્રો પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર તેમજ સાઈટ સુપર વાઈઝર દ્વારા ડ્રેનેજ માટેનું કામ કરવા દેવામાં આવતું નથી આ સ્થિતિ વચ્ચે ડ્રેનેજ લાઈનના કામ માટે લાવવામાં આવેલી તમામ મશીનરી છેલ્લા અઠવાડીયાથી સાઈટ પર બિનઉપયોગી પડી છે. એટલું જ નહીં ખાડા ખોદી નંખાયા બાદ પાઇપલાઇન નાંખી તેનું પુરાણ કરવાનું કામ બાકી છે. જ્યાં સુધી મેટ્રો તંત્ર દ્વારા આ કામ શરૂ કરવા નહીં દેવાય ત્યાં સુધા ખાડા પણ યથાવત રહેશે. જે નાગરિકો માટે જોખમી બની શકે તેમ છે. બીજીતરફ કામગીરીમાં અવરોધ આવતા હવે ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ થવામાં પણ વિલંબ થશે. આ કામગીરી માર્ચ 2025માં પુરી કરવાની થતી હતી પરંતુ હવે તે શક્ય લાગતું નથી.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, મેટ્રોની કામગીરી દરમિયાન શહેરની મુખ્ય વરસાદી પાણીના નિકાલની લાઈન- સ્ટોર્મ વોટર લાઇન પણ તોડી નાંખવામાં આવી છે. પાટનગર યોજના વિભાગ દ્વારા આ મામલે મેટ્રો રેલ તંત્રને જાણ કરવામાં આવી છે અને તેના રીપેરીંગ માટે પણ કહેવામાં આવ્યું છે. જો મેટ્રો તંત્ર દ્વારા સમયસર એટલે કે ચોમાસ પહેલા સ્ટોર્મ વોટરલાઇનના રીપેરીંગનું કામ નહીં કરાય તો ચોમાસામાં વરસાદી પાણીના નિકાલના અભાવે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ શકે છે.