આઝાદીની લડતને ઊર્જા આપનાર 'વંદે માતરમ'ના મંત્રએ દેશને આત્મનિર્ભરતાનો માર્ગ બતાવ્યોઃ નરેન્દ્ર મોદી
નવી દિલ્હી: લોકસભામાં આજે 'વંદે માતરમ' ગીત પર વિશેષ ચર્ચા શરૂ થઈ, જે તેના 150 વર્ષ પૂરા થવાના ઐતિહાસિક અવસર નિમિત્તે યોજાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચર્ચામાં ભાગ લેતા 'વંદે માતરમ'ને દેશની આઝાદીની લડાઈનો મુખ્ય પ્રેરણાસ્રોત ગણાવ્યો અને આ મંત્રને વિવાદોમાં ઘસડવા બદલ વિપક્ષો પર પ્રહાર કર્યા હતા.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, "જે મંત્રએ, જે જયઘોષે દેશના આઝાદીના આંદોલનને ઊર્જા આપી હતી, પ્રેરણા આપી હતી, ત્યાગ અને તપસ્યાનો માર્ગ બતાવ્યો હતો, તેવા 'વંદે માતરમ'નું સ્મરણ કરવું આપણું સૌભાગ્ય છે. ગર્વની વાત છે કે વંદે માતરમના 150 વર્ષ પૂરા થવા પર આપણે આ ઐતિહાસિક અવસરના સાક્ષી બની રહ્યા છીએ."
PM મોદીએ આ ચર્ચાના ઉદ્દેશ્ય પર ભાર મૂકતા કહ્યું, "દેશ આત્મનિર્ભર બને અને 2047માં વિકસિત ભારત બનીને રહે, આ સંકલ્પને દોહરાવવા માટે 'વંદે માતરમ' એક ખૂબ મોટો અવસર છે. આ ચર્ચા આપણી આવનારી પેઢી માટે પણ શિક્ષણનું કારણ બની શકે છે."
પ્રધાનમંત્રીએ 'વંદે માતરમ'ના 100 વર્ષ પૂર્ણ થવાના સમયગાળાને યાદ કર્યો. તેમણે કહ્યું, "જ્યારે વંદે માતરમના 100 વર્ષ પૂરા થયા, ત્યારે દેશ કટોકટી (ઇમરજન્સી)ની બેડીઓમાં જકડાયેલો હતો. ત્યારે ભારતના બંધારણનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું અને દેશભક્તિ માટે જીવતા-મરતા લોકોને જેલોમાં પૂરી દેવાયા હતા. તે એક કાળો સમયગાળો હતો."
PM મોદીએ જણાવ્યું કે આ ગીતની શરૂઆત બંકિમચંદ્ર ચેટર્જીએ 1875માં કરી હતી. "આ ગીત એવા સમયે લખાયું જ્યારે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ અંગ્રેજ સલ્તનત ગુસ્સે ભરાયેલી હતી અને તેમનું રાષ્ટ્રીય ગીત ‘ગોડ સેવ ધ ક્વીન’ ઘરે-ઘરે પહોંચાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું હતું." તેમણે ગીતનો ઊંડો અર્થ સમજાવતા કહ્યું કે, "વંદે માતરમ માત્ર રાજકીય આઝાદીની લડાઈનો મંત્ર નહોતો. તે આઝાદીની લડાઈ આ માતૃભૂમિને મુક્ત કરાવવાની જંગ હતી. 'વંદે માતરમ' સ્વતંત્રતા આંદોલનનો સ્વર બની ગયો."
PM મોદીએ શ્લોક ટાંકીને કહ્યું, "'ત્વમ હી દુર્ગા, દશ પ્રહર ધારિણી... વંદે માતરમ!' એટલે કે ભારત માતા જ્ઞાન અને સમૃદ્ધિની દેવી પણ છે અને દુશ્મનો સામે અસ્ત્ર-શસ્ત્ર ધારણ કરનારી ચંડી પણ છે." પ્રધાનમંત્રીએ તે સમયની વીરતાને યાદ કરી, જ્યારે અંગ્રેજોએ વંદે માતરમ બોલવા પર સજાના કાયદા લાગુ કર્યા હતા. તેમણે બારિશાલના વીરાંગના સરોજિની બોઝનું ઉદાહરણ આપ્યું, જેમણે પ્રતિબંધના વિરોધમાં પોતાની સોનાની બંગડીઓ ઉતારી નાખી હતી.
તેમણે કહ્યું કે, નાના બાળકોને જેલમાં બંધ કરાતા અને કોરડા મારવામાં આવતા, છતાં તેઓ 'વંદે માતરમ' માટે પ્રભાત ફેરી કાઢતા હતા. વીર સાવરકરે લંડનના ઇન્ડિયા હાઉસમાં આ ગીત ગાયું હતું. ભીખાજી કામાએ પેરિસમાં જે અખબાર શરૂ કર્યું, તેનું નામ પણ 'વંદે માતરમ' રાખ્યું હતું.
PM મોદીએ 'વંદે માતરમ'ને વિવાદોમાં ઘસડવાના મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, "વંદે માતરમ સાથે વિશ્વાસઘાત કેમ થયો? આ અન્યાય કેમ થયો? તે કઈ તાકાત હતી, જેની ઇચ્છા બાપુ (મહાત્મા ગાંધી)ની ભાવનાઓ પર પણ ભારે પડી ગઈ? જેણે 'વંદે માતરમ' જેવી પવિત્ર ભાવનાને પણ વિવાદોમાં ઘસડી દીધી? આપણે તે સંજોગો વિશે પણ આપણી નવી પેઢીઓને અવશ્ય જણાવવું જોઈએ."