માલિકે નોકરીમાંથી કાઢી મુકતા શખસે માલિકની બે પૂત્રીઓને માથામાં પાઈપ મારી લૂંટ કરી
- અમદાવાદમાં વટવા વિસ્તારમાં બન્યો બનાવ,
- નોકરને દારૂ પીવાની લત હોવાથી નોકરીમાંથી કાઢી મુક્યો હતો,
- બન્ને સગીર દીકરીઓ પર હુમલો કરીને ઘરમાંથી 1.76 લાખની ચોરી કરી
અમદાવાદઃ શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતા અને દીપમાલા કોમ્પલેક્સમાં ડેરી પાર્લર ચલાવતા એક વેપારીએ તેના નોકરને દારૂની લત હોવાને લીધે નોકરીમાંથી છૂટો કર્યો હતો. આરોપી નોકરે બીજી નોકરી શોધી લીધી હતી પણ રહેવા માટેની કોઈ સગવડ ન હોવાથી વેપારીના ઘરમાં રહેતો હતો. દરમિયાન વેપારીના ડેરી પાર્લર પર ગયા હતા અને ઘરમાં તેની બે સગીર વયની દીકરીઓ હતી, ત્યારે નોકરે બે સગીર દીકરીઓના માથા પર લાખંડની પાઈપ ફટકારીને ઘરમાંથી 1.76 લાખ અને એટીએમ કાર્ડની ચોરી કરીને પલાયન થઈ ગયો હતો. આ અંગેની ફરિયાદ નોંધાતા વટવા પાલીસે ગુનો નોંધીને આરોપીને પકડવાની તજવીજ શરૂ કરી છે.
આ બનાવની વિગતો એવી છે કે, વટવા પોલીસ મથકે નોકર આરોપી તુષાર ભોલેનાથ કોસ્ટી સામે ઘોડાસરમાં રહેતા વેપારી અભી કુમાર સિધ્ધપરાએ IPCની કલમ 311 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135(1) મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તુષાર કોષ્ટી ફરિયાદીના ઘરે રહેલી તેની બે માસુમ સગીર દીકરીઓના માથા ઉપર લોખંડની પાઇપના ફટકા મારીને ઘરમાંથી 1.76 લાખની ચોરી અને એટીએમ કાર્ડ લઈને ફરાર થઈ ગયો હતો. બન્ને દીકરીઓ હાલ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ઘોડાસર વિસ્તારમાં સમર્પણ એપાર્ટમેન્ટમાં રહેતા અભી કુમાર સિદ્ધપરા જેઓ અભિષેક એપાર્ટમેન્ટ સામે દીપમાલા કોમ્પ્લેક્સમાં જય અંબે ડેરી પાર્લર ચલાવે છે. તેમને દોઢ વર્ષ પહેલા આરોપી તુષાર ભોલેનાથ કોસ્ટીને નોકરી ઉપર રાખ્યો હતો. તે ફરિયાદીના ઘરે જ રહેતો હતો. પરંતુ તેને દારૂ પીવાની લત પડતા તેને નોકરીમાંથી કાઢી મુક્યો હતો. આરોપીએ બીજે નોકરી શોધી લીધી હતી. પરંતુ આરોપી ફરિયાદીના ઘરે સૂવા આવતો હતો. દરમિયાન રવિવારે સવારે ફરિયાદી પોતાની ડેરી પાર્લર ખાતે કામે ગયા હતા અને પોતાના ત્રણ સંતાનો પૈકી સૌથી મોટા 15 વર્ષીય દીકરાને કામ અર્થે ડેરીએ બોલાવ્યો હતો. જ્યારે બે સગીર દીકરીઓ 14 વર્ષની આસ્થા અને 12 વર્ષની સાક્ષી ઘરે હતા. આ દરમિયાન ડેરીએ ફરિયાદીના મોબાઈલ ઉપર મેસેજ આવ્યો હતો કે, તેમના બેંક એકાઉન્ટમાંથી ATM મારફતે 10 હજાર રૂપિયા ઉપડ્યા છે. જો કે, ફરિયાદીનું ATM કાર્ડ ઘરે હોવાથી તેમને શક જતા તેઓ ઘરે પહોંચ્યા હતા. ઘરે પહોંચતા ઘરની અંદરનું દ્રશ્ય જોઈને તેઓ હેબતાઈ ગયા હતા. તેમની બંને દીકરીઓ લોહી લુહાણ હાલતમાં પડી હતી. જ્યારે બાજુમાં જ લોહીથી રંગાયેલો ધાતુનો પાઇપ પડ્યો હતો. ઘરનો સામાન વેરવિખેર હતો અને તિજોરી ખુલ્લી હતી. બંને દીકરીઓની પૂછપરછ કરતા ફરિયાદીને જાણવા મળ્યું હતું કે, આરોપી તુષાર કોષ્ટી તેમના માથાના ભાગે પાઈપો મારીને તિજોરીમાંથી પૈસા અને ATM કાર્ડ લઈ ગયો હતો. ફરિયાદીએ તુરંત જ પોતાની બંને દીકરીઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. જ્યાં આસ્થાના માથામાં હેમરેજ અને ફ્રેક્ચર હોવાનું માલુમ પડ્યું હતું. જ્યારે નાની દીકરી સાક્ષીના કપાળમાં ફ્રેક્ચર માલુમ પડ્યું હતું.