હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સનાતન વિચારધારાની ‘મેજીકલ ફોર ફીગર’

09:59 AM Feb 15, 2025 IST | revoi editor
Advertisement

(પુલક ત્રિવેદી)

Advertisement

ચાર વેદ, ચાર યુગ, ચાર સ્તંભ, ચાર વર્ણ, ચાર પુરૂષાર્થ, ચાર યોગ...

ઈબ્રાહિમિક અને નોનઈબ્રાહિમિક એમ બે વિભાગમાં જગતના ધર્મો વિભાજીત થયેલા છે. ઈબ્રાહિમિક વિચારધારામાં મુખ્યત્વે યહૂદીઓ, ક્રિશ્ચન અને ઇસ્લામ ધર્મની વિચારધારા છે જ્યારે નોનઈબ્રાહિમિક વિચારધારામાં હિન્દુઈઝમ, બુદ્ધિઝમ, જૈનીઝમ, સીખીઝમ વગેરે ધર્મોનો વિકાસ થયો છે. દુનિયાનો સૌથી મોટો પૌરાણિક ધર્મ હિંદુઈઝમ છે એમ કહી શકાય. હિન્દુ ધર્મને સનાતન ધર્મ પણ કહેવામાં આવે છે કારણ કે આ ધર્મનો કોઇ આરંભ કે અંત નથી. આ ધર્મ વિશ્વનો સૌથી લીબરલ ધર્મ છે. એમાં કટ્ટરવાદી વિચારોને કોઇ સ્થાન જોવા નથી મળતુ. આમ જોવા જઇએ તો હિન્દુઈઝમ એ કોઈ ધર્મ નથી પરંતુ એક નક્કર વિચાર છે. વિચાર સનાતન રહે છે. હિન્દુઈઝમમાં જે કોઈપણ બાબત પ્રકૃતિમાં છે એને સન્માન આપીને સ્વીકારવાની વાત આવે છે. એમાં સાયન્સ પણ છે અને સાયકોલોજી પણ છે. બ્રોડમાઈન્ડ ફિલોસોફી પણ છે અને યોગ પણ છે. સનાતનનો અર્થ પણ સમજવા જેવો છે. જેનો કોઈ અંત નથી એટલે કે જે અનંત છે અને જેનો કોઈ આરંભ નથી એ સનાતન છે. હંમેશાથી જે વિચાર હતો અને હંમેશા જે વિચાર રહેશે એ સનાતન કહેવાય. સનાતન ધર્મનો કોઈ ફાઉન્ડર નથી અનેક સંતો, મહંતો, જ્ઞાની પ્રબુદ્ધ વ્યક્તિઓએ જીવનના મહત્વના પદાર્થપાઠ આપ્યા અને સનાતન ધર્મની વિચારધારા વહેવા લાગી.

Advertisement

સનાતન ધર્મની કોઈ બાઉન્ડ્રી નથી. હવે પ્રશ્ન એ થાય કે હિન્દુ શબ્દ આવ્યો ક્યાંથી ? લગભગ પાંચ હજાર વર્ષ પહેલા આર્યો ઇન્ડોનેશિયા તરફથી આવ્યાની વાતને સમર્થન મળે છે. આ લોકો સિંધુ નદીના કિનારે રહેવા લાગ્યા. પારસીઓ અને અન્ય લોકો દ્વારા ‘સ’ ની જગ્યાએ ‘હ’ નો ઉચ્ચાર કરતાં. એટલે એના ઉપરથી સિંધુની જગ્યાએ હિન્દુ શબ્દ અસ્તિત્વમાં આવ્યો હોય એમ માનવામાં આવે છે. સંસ્કૃતમાં ધર્મને ‘ધર્મ ઇતિ ધાર્યતી’ તરીકે જોવામાં આવે છે એટલે કે, જે ધારણ કરી શકાય એ ધર્મ. જે કોઈપણ વ્યક્તિ જે સારા વિચારને અનુસરે છે એ જ એનો ધર્મ કહેવાય. દરેક વ્યક્તિનો ધર્મ એટલે કે, વિચારનું અનુસરણ અલગ અલગ હોઈ શકે. હિન્દુ ધર્મમાં પણ પિતાનો વિચાર માતાના વિચારથી અલગ અને પુત્રનો વિચાર માતા પિતાના વિચારથી અલગ હોઇ શકે છે. કાકા, કાકી, માસા, માસી વગેરેનો વિચાર અલગ હોઈ શકે છે. આ વાતને સ્વધર્મ કહી શકાય.

પુલક ત્રિવેદી

હિન્દુઈઝમમાં મેજિકલ ફોર ફીગર જોવા મળે છે. હિંદુ ધર્મમાં ચાર પ્રકારના કાળચક્રની સમજ આપવામાં આવી છે. જેમાં સૌથી પહેલા સતયુગ આવે છે. એના પછી ત્રેતાયુગ એ પછી દ્વાપર અને છેલ્લે કળિયુગ. આમ ચાર પ્રકારના સમયના કાળખડમાં હિંદુઈઝમ વિભાજીત થયું છે. સતયુગ ૧૭.૨૮ લાખ વર્ષનો હતો જેમાં મત્સ્ય, કુર્મ એટલે કે કાચબો, વરાહ અને નરસિંહ સ્વરૂપે વિષ્ણુજીના ચાર અવતારો થયા હતા. ત્યારબાદ ત્રેતાયુગ ૧૨.૯૬ લાખ વર્ષોનો માનવામાં આવે છે. જેમાં વિષ્ણુજીએ વામન, પરશુરામ અને રામ એમ ત્રણ અવતારો ધારણ કર્યા. ત્યારબાદ આવતા ૮.૬૪ લાખ વર્ષના દ્વાપર યુગમાં વિષ્ણુજીના બે અવતારો કૃષ્ણ અને ગૌતમ બુદ્ધ (બલરામ) તરીકે અવતર્યા હતા. અને હવે આજે ચાલી રહેલા કળયુગનો કાળખંડ ૪.૩૨ લાખ વર્ષોનો માનવામાં આવે છે. જેમાં વિષ્ણુ ભગવાન કલકી સ્વરૂપે દસમો અવતાર લેશે એમ કહેવાય છે. ભગવાન વિષ્ણુના અવતારના સંદર્ભમાં ગીતાજીનો શ્લોક યથાર્થ છે. ‘યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત, અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ, પરીત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતામ, ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે...’ જ્યારે જ્યારે અધર્મનો બોજ વધશે ત્યારે ત્યારે ઇશ્વર ધર્મની પુન:સ્થાપના અર્થે જન્મ ધારણ કરશે.

હિન્દુઈઝમ અનુસાર ચાર મહત્વના સ્તંભો છે. જેમાં પ્રથમ તપસ એટલે કે સંતોષ, બીજો સૂચિ એટલે કે સ્વચ્છતા જેમાં શરીર અને આત્માની સ્વચ્છતાનું મહત્વ છે, ત્રીજું દયા અને ચોથું સત્ય. એવું માનવામાં આવે છે કે, પ્રત્યેક યુગમાં હિન્દુઈઝમના આદર્શ વિચારનો એક સ્તંભ પડી જાય છે. એટલે કે સતયુગ પૂર્ણ થતા તપસનો સ્તંભ પડી ગયો. ત્યારબાદ ત્રેતાયુગમાં સુચીનો સ્તંભ પડી ગયો. એ પછી દ્વાપર યુગમાં દયાનો સ્તંભ પડી ગયો અને અત્યારે કળિયુગ સત્યના એક માત્ર સ્તંભ ઉપર ચાલી રહ્યો છે. બધા સ્તંભો ધરાશાયી થઇ ગયા બાદ ફરી પાછુ એ જ પ્રમાણે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગનુ કાળચક્ર આવશે. હિન્દુ ધર્મમાં જીવન જીવવા માટેના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર પ્રકારના પુરુષાર્થનો નિર્દેશ છે.

મોક્ષની પ્રાપ્તિ માટે ચાર પ્રકારના યોગ છે. કર્મયોગ, ભક્તિયોગ, રાજયોગ અને જ્ઞાનયોગ. હિન્દુ સંસ્કૃતિને સમજવા માટે શ્રુતિ અને સ્મૃતિ એમ બે રીતે સમજણ વિકસી છે. શ્રુતિ એટલે સીધી કાનથી સાંભળવામાં આવેલી વાત. જેમ કે, વેદ બ્રહ્માજીએ સ્વયં કીધા અને એ સાંભળવામાં આવ્યા. વિચારોને યાદ કરીને ધર્મશાસ્ત્ર, બંધારણ, પુરાણો, ઇતિહાસ, દર્શન વગેરે સ્વરૂપે યુગોથી સ્મૃતિ સ્વરૂપે ચાલ્યા આવ્યા છે.

હિન્દુ ધર્મમાં ચાર વેદમાં મહત્ત્વના વિચારો વ્યક્ત થયા છે. જેમાં સૌથી પહેલા ઋગ્વેદ આવે છે. જેમાં ૧૦ મંડલ અને ૧૦૨૮ ઋચાઓ છે. ઋગવેદમાં ઈશ્વરની આરાધના માટેની પૂજા પાઠની પ્રક્રિયાને વિસ્તારથી સમજાવવામાં આવી છે. સંગીતના સંદર્ભને સમજાવતા સામવેદમાં ૧૫૪૯ ઋચાઓ છે. જ્યારે ૪૦ મંડલ સાથે ત્યાગની ભાવના સમજાવતા યજુર્વેદના બે ભાગ છે. આ બે ભાગને શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ સ્વરૂપે ઓળખવામાં આવે છે. ૨૦ મંડલ અને ૭૩૧ ઋચાઓ સાથે અથર્વવેદમાં આરોગ્ય એટલે કે મેડિકલ સાયંસ અને જાદુ-ટોના સંદર્ભે જ્ઞાન આપવામાં આવ્યું છે.

હવે થોડા વિસ્તારથી હિંદુ વિચારધારાનુ સાહિત્ય જોઇએ.  વેદ પછી આવ્યા ઉપનિષદ.  ઉપનિષદ એટલે ‘ની સાથે બેસીને’. એટલે કે ગુરુ સાથે બેસીને શિક્ષા પ્રાપ્ત કરવી એવો અર્થ થાય. ૧૦૮ જેટલા ઉપનિષદો છે. ત્યારબાદ વિવિધ પ્રકારની સ્મૃતિ ગ્રંથો આવે જેમાં મનુસ્મૃતિ, નાર્દસમસ્મૃતિ, યાગ્વલકસ્મૃતિ,પારશારસ્મૃતિ વગેરેનો સમાવેશ થાય છે. એ પછી કુલ છ પ્રકારના વેદાંગ આવે છે જેમાં શિક્ષણ, વ્યાકરણ, નિરૂપતા, છંદ અને મીટર તથા જ્યોતિષનો સમાવેશ થાય છે. ત્યારબાદ ધનુર્વિદ્યા, ગંધર્વવિદ્યા, શિલ્પવિદ્યા, આયુર્વેદવિદ્યા વગેરે વિશે જાણકારી આપતા ઉપવેદ આવે છે. હિન્દુઈઝમના ઇતિહાસને પ્રસ્તુત કરતા બે મહાગ્રંથો રામાયણ અને મહાભારત છે. ઈસવીસન પૂર્વે 300 એટલે કે, ત્રેતાયુગમાં અસ્તિત્વમાં આવેલા રામાયણમાં કુલ ૨૪,૦૦૦ જેટલા શ્લોક છે જ્યારે ચોથી સદીમાં આવેલા મહાભારત ગ્રંથમાં એક લાખ જેટલા શ્લોક છે. મહાભારતમાં સ્વયં ભગવાને નિર્દેશેલી જીવનની નક્કર વાસ્તવિકતા ભાગવત ગીતાનો પણ સમાવેશ થાય છે. ગીતાજીના ૧૮ અધ્યાય અને ૭૦૦ શ્લોક છે.

સમાજ રચનાના સંદર્ભે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એમ ચાર સ્તર દર્શાવાયા છે. સમગ્ર જીવનના મહત્વપૂર્ણ ચાર તબક્કાઓ વર્ણવાયા છે જેમાં બ્રહ્મચર્ય, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસાશ્રમનો સમાવેશ થાય છે. વૈષ્ણવિઝમ, શીવિઝન, શક્તિઝમ અને સ્માર્ટીઝમ એમ ચાર મુખ્ય ફેક્ટરનો નિર્દેશ કરવામાં આવ્યો છે. સનાતન હિંદુ ધર્મ ત્રણ આરાધ્ય મૂર્તિ સમજાવે છે. જેમાં બ્રહ્મા એટલે કે ક્રિએટર જેમણે બ્રહ્માંડનું સર્જન કર્યું. વિષ્ણુ એટલે કે રક્ષક જેમણે સર્જનની રક્ષા કરી અને મહેશ એટલે કે શિવ ડિસ્ટ્રોયર. જેમણે વિષ્ણુજીના સર્જનમાં વિક્ષેપ કર્યો અને રાક્ષસીવૃત્તી દાખવી એનો વિનાશ કર્યો. હિંદુ ધર્મના વિચારોને અનુસરતા ૧૫ ટકા લોકો છે. ભારત ઉપરાંત નેપાળ, મોરેશિયશ, ગુયાના વગેરે રાષ્ટ્રમાં હિંદુ વિચારધારાને અનુસરતા લોકો છે. વિશ્વમાં હિંદુઓની વસતી ચોથા નંબર ઉપર આવે છે. સૌથી વધુ હિંદુઓ ભારતમાં વસે છે. જગતમાં સૌથી વધુ ૩૧ ટકા વસતી ખ્રિસ્તીઓની છે, ત્યારબાદ ૨૪ ટકા સાથે ઇસ્લામ એના પછી મવાળવાદી સેક્યુલર્સ અને એ પછી સનાતન ધર્મીઓ ચોથા ક્રમે આવે છે. વિશ્વમાં કુલ ૯૯ જેટલા દેશોમાં ઓછા વત્તા પ્રમાણમાં સનાતન હિન્દુ ધર્મીઓ વસી રહ્યા છે. હિંદુ ધર્મ અત્યંત વિશાળ અને પુરાણી વિચારધારાવાળો હોઇ સંભવત: ક્યાંક કોઇ ચૂક થઇ હોય તો આગોતરી ક્ષમા પ્રાર્થી રહ્યો છું. અહીં મુળત: હિંદુઇઝમમાં આવતા ચારના અંકના પ્રભાવનો નિર્દેશ કરવાનો આશય રહ્યો છે.

ધબકાર :

‘સમયનુ મહાન ચક્ર પરમાત્માની મરજીથી જ ચાલી રહ્યું છે, પરમાત્મા શાશ્વત છે અને અનંત કાળથી પર છે.’

- અથર્વવેદ

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiEternal ideologyGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya Samacharmagical for figureMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article