અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયના તાળાં તૂટ્યાં
- જાણભેદુ તસ્કરો મહત્વના દસ્તાવેજો ઉઠાવી ગયા,
- ચોરીના બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો,
- ઈસુદાન ગઢવીની ઓફિસમાં પણ તસ્કરોએ ફાંફાફોળા કર્યા
અમદાવાદઃ શહેરના આશ્રમ રોડ પર બાટાના શો રૂમ નજીક આવેલા આમ આદની પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરો કાર્યાલયના તાળા તોડીને મહત્વના દસ્તાવેજો ઉઠાવી ગયા હોવાનું કાર્યાલય મંત્રી કહી રહ્યા છે. ચોરીના બનાવની જાણ થતાં પોલીસ કાફલો દાડી ગયો હતો, દરમિયાન આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આ મુદ્દે રાજ્ય સરકાર પાસે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ગઢવીએ આક્ષેપ કર્યો છે કે અમારી ઓફિસમાં ત્રણ તાળા તૂટેલાં છે અને તેમની ચેમ્બરમાં ઘૂસીને દસ્તાવેજોની ચોરી થઈ હોવાની શક્યતા છે.
દિવાળીના તહેવારોમાં ઘરફોડ ચોરીના બનાવોમાં વધારો થયો હોય છે. પણ તસ્કરોએ રાજકીય પક્ષના કાર્યાલયમાં ચોરી કરતા ચર્ચાનો વિષય બન્યો છે. અને કહેવાય છે કે, તસ્કરો મહત્વના દસ્તાવેજો ઉઠાવી ગયા છે. ક્યા ડોક્યુમેન્ટની ચોરી થઈ તેની તપાસ કરવામાં આવી રહી છે. જોકે આમ આદમી પાર્ટીને આશંકા છે કે કાર્યાલયમાં મહત્ત્વના દસ્તાવેજો અને ડેટાની ચોરી થઇ છે. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. કાર્યાલયમાંથી કઇ કઇ વસ્તુઓની ચોરી થઇ છે તે અંગે વિગતવાર ફરિયાદ દાખલ કરવામાં આવશે.
આમ આદમી પાર્ટીના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં સામાન્ય માણસ તો છોડો રાજનૈતિક પાર્ટીના કાર્યાલય પણ સુરક્ષિત નથી. દિવાળી વેકેશન હોય મોટાભાગના કર્મચારીઓ રજા પર છે. ત્યારે કાર્યાલયની દેખભાળ કરતો કર્મચારી બપોરે કાર્યાલયને તાળુ મારીને પોતાના સંબંધીને ત્યાં ગયો હતો. સાંજે 7 વાગ્યે કાર્યાલય પર પરત ફરતા પાર્ટી કાર્યાલયના મુખ્ય દરવાજાનું તાળુ તુટેલી હાલતમાં હતું. ત્યારબાદ આ કર્મચારી દ્વારા પાર્ટીના અન્ય પદાઘિકારીઓને જાણ કરાતા તેઓ કાર્યલય પર પહોંચ્યા હતા અને 100 નંબર કોલ કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી. એક વિપક્ષી પાર્ટીના કાર્યાલયમાં ચોર પૈસાની લાલચે તો આવ્યા નહીં જ હોય. અમને શંકા છે કે, પાર્ટીના મહત્વના દસ્તાવેજો અને ડેટા ચોરીના આશયથી ચોરી કરવામાં આવી છે.