For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાજકોટના આજી ડેમ-1માં નર્મદાના નીર ઠલવાતા ડેમની સપાટી 27.20 ફુટે પહોંચી

04:38 PM Aug 13, 2025 IST | Vinayak Barot
રાજકોટના આજી ડેમ 1માં નર્મદાના નીર ઠલવાતા ડેમની સપાટી  27 20 ફુટે પહોંચી
Advertisement
  • સૌની યોજના હેઠળ ન્યારી ડેમ પણ નર્મદાના પાણીથી ભરી દેવાશે,
  • ડેમમાં મહિનો ચાલે એટલું જ પાણી હોવાથી નર્મદાનું પાણી માટે મ્યુનિએ માગ કરી હતી,
  • ન્યારી-1 ડેમની સપાટી 18.90 ફુટે પહોંચી

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાયો છે, રાજ્યમાં સૌથી ઓછો વરસાદ સૌરાષ્ટ્રમાં માત્ર 56 ટકા પડ્યો છે. ઓછા વરસાદને લીધે મોટાભાગના જળાશયો પુરતા ભરાયા નથી.  ત્યારે રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતા આજી અને ન્યારી ડેમમાં તો એક મહિનો ચાલે એટલો જ પાણી પુરવઠો ઉપલબ્ધ હોવાથી મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશોએ રાજ્ય સરકારમાં રજુઆત કરીને સૌના યોજના હેઠળ નર્મદાના નીરથી આજી અને ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવા રજુઆત કર્યા બાદ મંજુરી મળતા આજી-1 ડેમ નર્મદાના નીરથી છલોછલ કરવામાં આવી રહ્યો છે.શહેરનો આજી 1 ડેમમાં સપાટી 27.20 ફૂટે પહોંચતા હવે ઓવરફ્લો થવામાં માત્ર 2 ફૂટ બાકી રહેતા તંત્ર દ્વારા હવે ન્યારી-1 ડેમ ભરવાનું શરૂ કર્યું છે અને તેમાં આજની સ્થિતિએ ડેમની સપાટી 18.90 ફૂટ પહોંચી છે.

Advertisement

રાજકોટના ત્રણ જળાશય પૈકી મુખ્ય બે જળાશયમાં આજી-1 અને ન્યારી-1 ડેમનો સમાવેશ થાય છે. આજી અને ન્યારી ડેમમાં અપૂરતા વરસાદના કારણે એક મહિનો ચાલે તેટલું જ પાણી બચતા સરકાર પાસે નર્મદા નીરની માંગણી કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના મારફત રાજકોટને નર્મદા નીર આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ જૂના રાજકોટને પીવાનું પાણી પૂરું પાડતા આજી 1 ડેમમાં નર્મદા નીર ઠાલવવામાં આવ્યું હતું. જેથી ડેમની સપાટી 27 ફૂટ પહોંચી જવા પામી છે અને ડેમની કુલ ઊંડાઈ 29 ફૂટ છે એટલે કે ઓવરફ્લો થવામાં માત્ર 2 ફૂટ બાકી છે ત્યારે હવે નવા રાજકોટને પાણી પૂરું પાડતા ન્યારી-1 ડેમમાં નર્મદા નીર છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. નવા રાજકોટને પાણી પૂરું પાડતા ન્યારી 1 ડેમની કુલ ઊંડાઈ 25.10 ફૂટની છે ડેમમાં નર્મદા નીર છોડવાની શરૂઆત કરતા આજે ડેમની સપાટી 18.90 ફૂટ પહોંચી છે.

આજી ડેમ માફક ન્યારી ડેમને પણ છલકાવવા માટે સૌની યોજના મારફત નર્મદા નીરથી ભરવા માટે દરરોજ 6 એમ.સી.એફ.ટી. (મિલીયન ક્યુબિક ફૂટ) પાણી ઠાલવવામાં આવી રહ્યુ છે. દરમિયાન રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ મધ્યમથી ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે રાજકોટવાસીઓને પાણીની તંગી ન સર્જાય તે માટે આયોજન કરી વરસાદી પાણીની સાથે નર્મદા નીર મારફત ડેમ ભરી દેવા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભાદર ડેમમાં હજુ એક વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જયારે લાલપરી તળાવ પણ 14.60 ફૂટની સપાટી ઓલમોસ્ટ છલોછલની સ્થિતિ છે અને ન્યારી-2 ડેમ પણ 20.70 ફૂટની સપાટીએ છલોછલ સ્થિતિમાં છે. જો કે આ પાણી પીવા માટે ઉપયોગમાં લઇ શકાય તેમ નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement