સાઉદી અરબ બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભારતીયોના અંતિમ સંસ્કાર મક્કા–મદીના નજીક થશે
બેંગ્લોરઃ સાઉદી અરબમાં સર્જાયેલી ભયાનક બસ અકસ્માતમાં મોત પામેલા ભારતીય યાત્રિકોના અંતિમ સંસ્કારની તૈયારી શરૂ થઈ ગઈ છે. સાઉદી અરબ સરકાર જ તમામ મૃતકોના અંતિમ સંસ્કારનું આયોજન કરશે અને તે મક્કા–મદીના નજીક ઇસ્લામિક પરંપરા મુજબ ગુરુવારે કરવામાં આવશે. તેલંગાણા સરકારની વિનંતી પર સાઉદીએ પરિવારના સભ્યોની હાજરીમાં અંતિમ સંસ્કાર થવાની મંજૂરી આપી છે. ભારતમાંથી પરિવારજનોને બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી તેલંગાણાથી 35 લોકો પહેલેથી જ સાઉદી પહોંચી ચૂક્યા છે. તેલંગાણા સરકારે દરેક મૃતકના પરિવારના 2 સભ્યોને સરકારી ખર્ચે સાઉદી મોકલવાનો નિર્ણય લીધો છે. આ પ્રક્રિયાની જવાબદારી હજ કમિટીને સોંપવામાં આવી છે.
રાજ્યના અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી મોહમ્મદ અઝહરુદ્દીન ખુદ સાઉદી પહોંચી સમગ્ર પ્રક્રિયાની દેખરેખ રાખી રહ્યા છે. ઘટનાની ભયાનકતા એવી હતી કે ઘણા શવો ઓળખપાત્ર સ્થિતિમાં નહોતા. કેટલીક લાશોની ઓળખ થઈ ચૂકી છે અને ડેથ સર્ટિફિકેટ પણ તૈયાર થઈ ગયા છે. કેટલીક લાશોની ઓળખ થઈ શકી નથી, આ માટે સાઉદી સરકાર DNA ટેસ્ટ કરાવશે, ત્યારબાદ જ સત્તાવાર ડેથ સર્ટિફિકેટ જારી થશે અને અંતિમ સંસ્કાર કરવામાં આવશે.