પાટણનું કાર્તિકી મંદિર, વર્ષમાં માત્ર એક જ દિવસ ખૂલે છે
- કારતક સુદ પૂનમના દિને મંદિર ખૂલતા દર્શનાર્થીઓની ભીડ જામી,
- 250 વર્ષ જુનું મંદિર એક જ દિવસ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખૂલે છે,
- મંદિરના પટાગણમાં મેળો ભરાયો
પાટણઃ ગુજરાતમાં પાટણ ઐતિહાસિક શહેર છે, અને શહેરમાં પૂરાતની અનેક મંદિરો આવેલા છે. જેમાં શહેરના છત્ર પતેશ્વર મહાદેવ મંદિરમાં બિરાજમાન કાર્તિકી સ્વામીનું એક માત્ર મંદિર આવેલું છે. આ મંદિર કારતક સુદ પૂનમના દિવસે ફક્ત એક જ દિવસ માટે દર્શનાથીઓ માટે ખોલવામાં આવે છે. જેના દ્વાર આજે કાર્તિકી પૂનમે ખોલવામાં આવતાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. અને મંદિર બહાર મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો.
પાટણ શહેરમાં છત્ર પતેશ્વર મહાદેવ મંદિરમાં બિરાજમાન કાર્તિકેય સ્વામી ભગવાનનું મંદિર વર્ષમાં એકવાર જ ખુલે છે. ત્યારે કાર્તિકેય પૂર્ણિમા નિમિતે આજે મંદિરના દ્વાર ખુલતા દર્શન કરવા ભક્તોનું ઘોટાપૂર ઉમટી પડ્યું હતુ. શહેરમાં આવેલા પ્રાચીન છત્રપતેશ્વર મહાદેવ મંદિરમાં શિવ પરિવાર એક સાથે બિરાજમાન છે. જેમાં ખાસ કરી શિવના પુત્ર કાર્તિકેય ભગવાનનું મંદિર દર્શનાર્થે વર્ષમાં એક વાર જ ખુલ્લું મુકવામાં આવે છે. દેવ દિવાળીના દિવસે ભક્તો ભગવાન કાર્તિકેયના દર્શન કરી ધાન્યતા અનુભવે છે અને કાર્તિકેય પૂર્ણિમા જેના દિવસે કાર્તિકેયે ભગવાનનું મંદિર દર્શન માટે ખુલ્લું મુકવામાં આવે છે.
પાટણ સ્થિત રાજ્યનું એકમાત્ર કાર્તિકે સ્વામીનું મંદિર કાર્તિકી પૂનમના રોજ સૂર્યોદયથી સર્યાસ્ત સુધી ખુલ્લુ મુકવામાં આવે છે. વહેલી સવારે ભગવાન કાર્તિકેયની મૂર્તિ પરથી સફેદ વસ્ત્રો હટાવી પૂજન કરવામાં આવે છે. ત્યારબાદ વિવિધ કાર્યક્રમ યોજાતા હોય છે. તેમના સાનિધ્યમાં ભાગ્યે જ જોવા મળે તેવા સ્કંધ યાગનું આયોજન તથા આંગી શણગાર અને પ્રસાદનો ભોગ ધરાવવામાં આવે છે. વર્ષમાં એક વખત દર્શન આપતા ભગવાન કાર્તિક સ્વામીના મંદિરે મેળો ભરાય છે.
કાર્તિક પૂર્ણિમાનો ઇતિહાસ કાર્તિકેય ભગવાન સાથે જોડાયેલ છે. કાર્તિક ભગવાનનું મંદિર ગુજરાતમાં જવલ્લે જ જોવા મળે છે . પાટણના આ મંદિરનો ઇતિહાસ લગભગ 250 વર્ષ જૂનો છે . જેમાં શિવ અને પાર્વતીએ ગણેશ અને કાર્તિકેયને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જણાવતાં કાર્તિકેય પોતાનું મોરપંખ વાહન લઈને માત્ર ૩ દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી પરત ફર્યા હતા. ગણેશજી ભારેખમ શરીર અને તેમનું વાહન ઉંદર હોવાથી તેઓ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા અસમર્થ હતા. જેથી તેમણે શિવ પાર્વતીની પ્રદક્ષિણા કરી હતી. તેમની પ્રદક્ષિણાની માતા પિતાએ વખાણ કરતાં કાર્તિકેયને ખોટું લાગ્યુ હતું. જેથી તેમણે આજીવન કુંવારા અને કોઈપણ સ્ત્રીના દર્શન નહિ આપવા સંકલ્પ કર્યો હતો. બાદમાં શિવજી એ કાર્તિકેયને સમજાવતાં કાર્તિકી પૂનમે તેઓ સ્ત્રીઓને દર્શન આપશે. જે લોકવાયકા અનુસાર દર કાર્તિકી પૂનમે આ મંદિરના દ્વાર ખોલવામાં આવે છે. આ મદિરમાં શંકર ભગવાનના સંપૂર્ણ પરિવારનું એક માત્ર મંદિર છે. સુર્યાસ્તના સમયે ભગવાનની મૂર્તિને સફેદ વસ્ત્રોથી ઢાંકી દેવામાં આવે છે. અને સ્ત્રીઆને દર્શન માટે પ્રતિબંધ લાદવામાં આવે છે.