વડોદરા કમાટી બાગમાં મહિનાઓથી બંધ કરાયેલી જોય ટ્રેનને પુનઃ શરૂ કરાઈ
- રાજકોટના અગ્નિકાંડ બાદ જોય ટ્રેનને બંધ કરવામાં આવી હતી.
- જોય ટ્રેન પુનઃ શરૂ કરતા બાળકો સહિત વડિલો પણ ઉમટી પડ્યા,
- અધિકારીઓએ સ્થળ પર મુલાકાત લીધા બાદ લીલીઝંડી આપી
વડોદરાઃ શહેરના કમાટી બાગમાં વર્ષોથી બાળકો માટેની જોય ટ્રેન ચલાવવામાં આવતી હતી, પણ રાજકોટના અગ્નિકાંડ બાદ સલામતીના ભાગરૂપે કમાટી બાદમાં જોય ટ્રેન બંધ કરવામાં આવી હતી. શહેરીજનોમાં જોય ટ્રેન શરૂ કરવાની માગ ઊઠી હતી. બાળકોમાં પણ જોય ટ્રેન જાણીતી હતી, અને બહારગામના લોકો વડોદરાની મુલાકાતે આવે ત્યારે બાળકોને લઈને કમાટી બાગમાં જાય ટ્રેનની સફર કરાવવા માટે આવતા હતા. પણ છેલ્લા 5 મહિનાથી જોય ટ્રેન બંધ હતી. આખરે મ્યુનિના સત્તાધિશોએ પુનઃ એનઓસી આપતા જોય ટ્રેનનો પુનઃ આરંભ થયો છે. જોય ટ્રેન શરૂ થયા કમાટી બાગ બાળકોની કીલકીલાટથી ગુજી ઊઠ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના ટીઆરપી ઝોન અગ્નિકાંડ બાદ ગુજરાતભરમાં વડોદરા સહિત અલગ-અલગ શહેરમાં એમ્યૂઝમેન્ટ પાર્ક, એડવેન્ચર પાર્ક, ગેમ ઝોનને બંધ કરવામાં આવ્યા હતા. જેના 5 મહિના અને 12 દિવસ બાદ હવે નવા નિયમો અનુસાર ડોક્યુમેન્ટની પૂર્તતા કરાતાં કમાટીબાગની જોય ટ્રેન શરૂ કરવામાં આવી છે. ટ્રેન શરૂ થતાં જ સહેલાણીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
વડોદરા શહેરના કમાટીબાગમાં જોય ટ્રેનને પણ રાજકોટ અગ્નિકાંડ બાદ બંધ કરાઈ હતી. જોકે 5 મહિના અને 12 દિવસ બાદ નવા નિયમોનુસાર ડોક્યુમેન્ટની પૂર્તતા કરતા જ પોલીસ કમિશનરે લાઇસન્સ આપ્યું હતું. જોય ટ્રેનના સંચાલકોએ લાઇસન્સ સહિતના દસ્તાવેજ જમા કરાવતાં જ મ્યુનિ.કોર્પોરેશને રાઈડ શરૂ કરવા પરવાનગી આપી હતી. બપોરે પરવાનગી મળતાં જ જોય ટ્રેન રાઈડ શરૂ કરવામાં આવી હતી. મહિનાઓથી બંધ રહેલી જોય ટ્રેન શરૂ થતાં જ સહેલાણીઓમાં ખુશીની લહેર ફેલાઈ હતી.