અરબી સમુદ્રમાં ડિપ્રેશન નબળુ પડતા માવઠાનું જોર ઘટ્યુ, આજે 20 તાલુકામાં સામાન્ય ઝાપટાં પડ્યા
- બે દિવસમાં સમુદ્રમાં ડિપ્રેશન સંપૂર્ણ હટી જશે,
 - દરિયાકાંઠા વિસ્તારમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે,
 - સપ્તાહ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
 
અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન નબળુ પડતા હવે કમોસમી વરસાદનું જોર ઘટી ગયું છે. આજે બપોર સુધીમાં 20 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. હજુ બે દિવસ છૂટા-છવાયા વિસ્તારોમાં ઝાપટાં પડવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન બે દિવસ બાદ સંપૂર્ણ સમી જશે. જો કે દરિયા કિનારા વિસ્તારોમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફુંકાવવાની શક્યતા છે. દરમિયાન એક સપ્તાહ બાદ રાજ્યના તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થતાં ઠંડીનું જોર વધશે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ રાજ્યમાં છુટા-છવાયા સ્થળોએ વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. અરબ મસુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની સિસ્ટમ હવે ધીમી પડી ગઈ હોવાથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. વરસાદની તીવ્રતામાં ઘટાડો થતા આકાશમા ગોરંભાયેલા વાદળો પણ વિખરાવા લાગ્યા છે. દરિયાકાંઠા વિસ્તારોમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની સિસ્ટમ નબળી પડી છે. અને બે દિવસમાં ડિપ્રેશન સમી જશે. એટલે તા. 5 નવેમ્બરથી રાજ્યમાં વરસાદની સંભાવના નહિવત્ જોવા મળશે. આજે રાજ્યમાં બપોર સુધીમાં 17 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. જેમાં કરજણા, વાગરા, મેઘરજ, વિજયનગર, વડાલી, દેવગઢ બારિયા, ઊંઝા,સહિત 17 તાલુકામાં સામાન્ય વરસાદ પડ્યો હતો, જ્યારે કચ્છના અંજારમાં દોઢ ઈંચ વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના કહેવા મુજબ, આગામી બે દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે, પરંતુ એક અઠવાડિયા સુધી વાતાવરણમાં મોટો ફેરફાર નહીં થાય અને તાપમાનમાં પણ કોઈ બદલાવ નહીં આવે. દ્વારકા, પોરબંદર, ભાવનગર, કચ્છ અને જૂનાગઢમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરના આસપાસના વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. એક અઠવાડિયા સુધી વાતાવરણમાં કોઈપણ વધારે બદલાવ જોવા નહીં મળે.