ભાવનગરમાં અધૂરા ફ્લાઈઓવર બ્રિજનું લોકાર્પણ કરાયું
- ધારાસભ્ય જીતુ વાઘાણીના હસ્તે અધૂરા બ્રિજનું લોકાર્પણ કરાયું,
- વાહનચાલકો 1.8 કિમીનું અંતર 3 મીનીટમાં કાપી શકશે,
- 5 વર્ષે પણ બ્રિજનું કામ પૂરૂ થયુ નથી
ભાવનગરઃ શહેરમાં પ્રવેશના મુખ્ય માર્ગ પર દેસાઈનગરથી આરટીઓ સુધી ઓવરબ્રિજનું કામ છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યું છે. આ કામ ક્યારે પુરૂ થશે એ નક્કી નથી. ત્યારે બ્રિંજના ટુ-વેમાંથી વન વે તૈયાર થતાં શહેરના ધારાસભ્ય જીતુ વાધાણીના હસ્તે અધુરા ફ્લાઈઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, બ્રિજને એક ભાગ શરૂ કરાતા વાહનચાલકોને થોડી રાહત થશે.
ભાવનગરમાં 5 વર્ષ પહેલા એટલે કે, વર્ષ 2019માં પ્રથમ ફ્લાયઓવરનું ખાતમુહૂર્ત થયું હતું. જેને તૈયાર કરવાની સમયમર્યાદા દોઢ વર્ષ હતી. જોકે, પાંચ વર્ષ બાદ આખરે અધૂરા ફ્લાયઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. માત્ર એક તરફનો ફલાયઓવર શરૂ કરવામાં આવ્યો છે. શહેરના મેયર ભરત બારડ, ધારાસભ્ય જીતુ વાઘાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુ રાબડીયા તેમજ કલેકટર આર. કે. મહેતા અને કમિશનર સુજીતકુમારની ઉપસ્થિતિમાં ફ્લાયઓવરને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. હવે દેસાઈનગરથી શહેરમાં પ્રવેશતા લોકો ફ્લાયઓવરનો ઉપયોગ કરી શકશે.
ધારાસભ્ય જીતુ વાઘાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેસાઈનગરથી RTO સુધી ભાવનગરના પ્રથમ ફ્લાયઓવરની એક સાઈડ ખુલી મૂકી છે. વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્ય સરકારે સીધી રૂ. 115 કરોડની ગ્રાન્ટ ભાવનગરને ફાળવી હતી. બ્રિજનો એક ભાગ હજી બાકી છે, પરંતુ અમે અધિકારીઓને સૂચના આપી છે. ચોક્કસ ટેકનિકલ બાબતોના કારણે થોડું મોડું થયું છે, પરંતુ કારણો શોધીને ઝડપથી કામ પૂર્ણ થશે.
જીતુ વાઘાણીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યુ છે. કે, અમારા પ્રયાસ છે કે ગુજરાત સ્થાપના દિવસ 1 મે પહેલા બંને સાઈડ ખુલી જાય અને લોકોને ટ્રાફિકની સમસ્યામાં હળવાશ મળે. અહીં 2013 માં દરરોજ સરેરાશ 30,607 જેટલા વાહનો નીકળતા હતા. બાદમાં નવેમ્બર, 2023માં 61,223 થયા અને વર્ષ 2025 માં 70,419 અપેક્ષિત છે. ઘણી જગ્યાએ ટેકનીકલ ખામીને કારણે મોડું થયું છે, પણ બંને સાઈડ શરૂ થયા બાદ રાહત મળશે.