જવાંમર્દ ઇઝરાયેલી કમાંડો યોનાથનની દિલધડક કહાની
આજકાલ ઇઝરાયેલ જગતભરમાં ચર્ચાની એરણે છે. જો કે ઇઝરાયેલ અને મિડલ ઇસ્ટના ઝગડાઓની વાતો તો સદીઓથી ચાલી આવે છે. ઇઝરાયેલ અને તેના રાષ્ટ્રપ્રમુખ બેનજામિન નેતન્યાહુના મિડલ ઇસ્ટમાં લેવાયેલા પગલાં વિશે જગત જમાદાર અમેરિકાથી માંડીને ટચૂકડા રાષ્ટ્ર ભૂતાનમાં પણ સૌ કોઈ આ જ વાતો કરે છે. પણ આજે બેનજામિન નેતન્યાહુની વાત નથી કરવી. આજે વાત કરવી છે બેન્જામિનના મોટાભાઈ યોનાથન નેતન્યાહુની. લગભગ ઓગણપચાસ વર્ષ પહેલા ઈઝરાયેલી ઝાંબાઝ સોલ્જર યોનાથને કરેલા કારનામાની આ દિલધડક કહાની યાદ આવતા આજે પણ રુવાડા ખડા થઈ જાય છે.
વાત છે વર્ષ ૧૯૭૬ની. એર ફ્રાંસની એક ફ્લાઈટ ખુશનુમા વાતાવરણમાં તલ-અવીવથી એથેન્સ તરફ જવા રવાના થઈ. લગભગ દોઢ કલાક પછી ફ્લાઇટ એથેન્સ લેંડ થઇ. એથેન્સથી ૫૮ બીજા મુસાફરો ફ્લાઇટમાં ચડે છે. આ ૫૮ મુસાફરોમાં ચાર આતંકવાદીઓ પણ ફ્લાઇટમાં સવાર થઇ જાય છે. આ ફ્લાઈટ પેરીસ જવા રવાના થવાની હતી પરંતુ આતંકવાદીઓએ આ ફ્લાઇટને હાઈજેક કરી લીધી. ફ્લાઇટને આતંકવાદીઓ યુગાન્ડા ડાઈવર્ટ કરી ગયા. ફ્લાઇટને યુગાન્ડાના એન્ટેબ હવાઈ મથકે લેન્ડ કરવામાં આવી. આ ફ્લાઈટમાં મહદંશે ઇઝરાયેલી પેસેન્જર્સ હતા. કુલ ૨૪૬ યાત્રીઓ અને ૧૨ ક્રુ મેમ્બર એમાં હતા. જે પૈકી આતંકવાદીઓએ ૧૦૫ યહૂદી ઇઝરાયેલીઓને બંધક બનાવી દીધા અને એન્ટેબ હવાઈ મથકના ટર્મિનલ પાસેના એક બિલ્ડીંગમાં કેદ કરી દીધા. આમ પણ લડાયક મિજાજ ધરાવતું ઇઝરાયેલ ‘એન આઈ ફોર આઈ’ના સિદ્ધાંતમાં માને છે. જુલાઈ તારીખ ૪, ૧૯૭૬ના રોજ યોનાથન નેતન્યાહુના નેતૃત્વમાં ઇઝરાયેલે ઓપરેશન એન્ટેબ લોન્ચ કર્યું.
આંતરરાષ્ટ્રીય તમામ નિયમોને કોરે મૂકીને ઇઝરાયેલી બંધકોને છોડાવવા માટે ઇઝરાયેલે યોનાથનની આગેવાની હેઠળ કમાન્ડોને એન્ટેબ મોકલ્યા. એ સમયના યુગાન્ડાના ખૂંખાર તાનાશાહ ઇદી અમીનના ગઢમાં ઘૂસીને યોનાથન અને એના ૧૦૦ જેટલા કમાંડો સાથીઓએ ૧૦૨ ઇઝરાયેલી બંધકોને આતંકવાદીઓની ચુનાલમાંથી હેમખેમ મુક્ત કર્યા. આ દિલધડક ઓપરેશન મોડી રાત્રે આરંભાયું હતું અને ગણતરીના કલાકોમાં પુરૂ થઇ ગયું હતું. ઇઝરાયેલી કમાન્ડો એન્ટેબ હવાઈમથકે પાંચ ફ્લાઈટ લઈને પહોંચ્યા હતા. આ ઓપરેશન એટલી સ્ફૂર્તિ અને ચિવટાઈથી હાથ ધરાયું કે એમાં ઇઝરાયેલી કોઈપણ કમાન્ડો કે બંધક ફ્લાઇટ પેસેન્જરની જાનહાનિ થઈ ન હતી. યુગાંડાની ધરતી ઉપર ખેલાયેલો આ જંગ લગભગ ૫૩ મિનીટ ચાલ્યો હતો. એમાં તમામ આતંકવાદીઓ અને યુગાનડાના ૪૮ સૈનિકો માર્યા ગયા હતા. ઇઝરાયેલી પક્ષે માત્ર એક કમાન્ડોની જાન ગઈ હતી અને એ હતો ઓપરેશન હેડ યોનાથન નેતન્યાહુ.

બેમિસાલ જવામર્દીથી લડનારા અને સેકડો દેશવાસીઓને આતંકવાદીઓની ચુંગાલમાંથી છોડાવનારા યોનાથનની ઇઝરાયેલમાં રીયલ લાઇફ હીરોમાં ગણના થાય છે. એમને જુલાઈ તારીખ ૬, ૧૯૭૬ના રોજ માઉન્ટ હર્ઝલ ખાતે જેરુસલેમના લશ્કરી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. યોનાથનની આખરી વિદાય વેળા હજારો ઇઝરાયેલી નાગરિકો અને ટોચના લશ્કરી અધિકારીઓ હાજર હતા. એ સમયે ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન શિમોન પેરેસેના શબ્દો હતા કે, 'આતંકવાદીઓની એક ગોળીએ ઇઝરાયેલના શ્રેષ્ઠ પુત્રો પૈકીના એક સૌથી હિંમતવાળા યોદ્ધા અને ઇઝરાયેલના આશાસ્પદ કમાન્ડો યોનાથન નેતન્યાહુનું યુવાન હૃદય વિધિ નાખ્યું છે.'
યોનાથન નેતન્યાહુ ઓપરેશન એન્ટેબ પહેલા પણ ઘણા બધા કિસ્સાઓમાં હિંમત અને બહાદુરીપૂર્વક ઝઝુમ્યો છે. યોનાથનના મૃત્યુ બાદ પ્રકાશિત થયેલા પુસ્તક ' સેલ્ફ પોર્ટ્રેટ ઓફ અ હીરો : ફ્રોમ લેટર્સ ઓફ યોનાથન નેતન્યાહુ ૧૯૬૩-૧૯૭૬'માં યોનાથને એમના જીવનકાળમાં કરેલા વિવિધ હિંમતપૂર્વકના કાર્યોને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે. યોનાથનનો જન્મ અમેરિકામાં થયો હતો. વર્ષ ૧૯૪૬માં ઇઝરાયેલની સ્થાપનાને યોનાથને ઉત્સાહપૂર્વક વધાવી હતી. ૧૯૬૩માં અમેરિકા જઈને ફીલોડેલ્ફીફયામાં સનાતકની પદવી લઈને લશ્કરમાં જોડાવાના હેતુ સાથે એ ઇઝરાયેલ પરત આવ્યો. એ સમય ગાળામાં પેલેસ્ટાઇનને મુક્ત કરવા માટે યાસર અરાફત તથા અન્ય ઈસ્લામિક દેશોના કારણે ઇઝરાયેલ સતત દબાણમાં રહેતું હતું. યોનાથનની જીગર અને બહાદુરી નોંધનીય છે. તેના મિત્રને એકવાર એણે લખ્યું હતું કે, 'ઉદ્દેશ વિનાના જીવનનો કોઈ અર્થ નથી. હું મૃત્યુથી ક્યારેય ડરતો નથી. કોઈ મહત્વપૂર્ણ ધ્યેય પ્રાપ્ત કરવાનો હોય તો એ માટે મારા જીવનને હું સ્વેચ્છાએ અર્પણ કરતા અચકાઈશ નહીં.'
મ્યુનિક ઓલમ્પિક વિલેજમાં થયેલી અગિયાર ઇઝરાયેલી એથલિટ્સની હત્યાના હત્યારારાઓને ખતમ કરવા માટે જે ઇઝરાયેલી કમાન્ડોની એક ટુકડી એપ્રિલ ૧૯, ૧૯૭૩માં મેદાને પડી હતી એ ટુકડીમાં પણ યોનાથન હતો. યોનાથનના બીજા કેટલાક વીરતાપૂર્વકના કારનામાઓની વિગતો મોશે દયાનની આત્મકથા ‘સ્ટોરી ઓફ માય લાઈફ’માં જોવા મળે છે. નાઉ બેક ટુ ઓપરેશન એન્ટેબ. યોનાથનનું પેપર પ્લાનિંગ અદભુત હતું. એણે એન્ટેબ ઓપરેશન શરૂ કરતાં અગાઉ સંરક્ષણ મંત્રી શિમોન પેરેસે અને તત્કાલિન વડાપ્રધાન સમક્ષ ઓપરેશનની વિગતો રજૂ કરી એ સમયને યાદ કરતા સંરક્ષણ મંત્રી શિમોન કહે છે કે, ‘યોનાથને રજુ કરેલી યોજના અત્યંત વિશ્વસનીય હતી અને એ મારા હૃદયમાં તરત ઉતરી ગઈ હતી.’ પરંતુ જમીની હકીકત અને ઇટાલિજન્સ ઇનપુટ અપૂરતા હતા. ઇઝરાયેલના રાજનેતાઓ અંધારામાં ગોળીબાર કરવા માટે અચકાતા હતા. આ સમયે યોનાથને એમને કહ્યું હતું કે, ‘એવા કોઈ ઓપરેશન નથી હોતા કે જેમાં તમામ વિગતોની જાણકારી હોય.’
યોનાથનનો આત્મવિશ્વાસ અને આયોજનની ચિવટાઇ જોઈને ઇઝરાયેલની ટોપ નેતાગીરીને વિશ્વાસ બેસી ગયો કે, ઓપરેશન એન્ટેબ સો ટકા શક્ય બની શકે છે. જુલાઈ ૩, ૧૯૭૬ના રોજ લંબાણપૂર્વકની મંત્રણાઓ બાદ ઓપરેશન એન્ટેબને ઇઝરાયેલી નેતાગીરીએ લીલી જંડી આપી દીધી. યોનાથન એની કમાન્ડો ટીમ સાથે પાંચ ઇઝરાયેલી વિમાનો લઈને યુગાન્ડા તરફ રવાના થયો. જેમાં ત્રણ વિમાનોમાં ઇઝરાયેલી કમાંડો હતા. એક વિમાન બિલકુલ ખાલી હતું જેમાં હોસ્ટેજીસને મુક્ત કરીને લાવવાના હતા. છેલ્લું વિમાન મેડિકલ ઇક્વિપમેન્ટથી સજ્જ હતું. આ દરમિયાન ફ્લાઇટમાં એક નાનકડા પલંગ ઉપર યોનાથન આરામથી સુઈ ગયો હતો. ફ્લાઈટના પાઈલોટે આ અંગે પાછળથી જણાવ્યું કે, જ્યારે મેં યોનાથનને સુતેલો જોયો ત્યારે મેં નેવિગેટર ત્ઝવિકાને પૂછ્યું કે, ‘યોનાથન ક્યારે સુઈ ગયો ?’ ત્યારે એણે જવાબ આપ્યો કે, ‘થોડા સમય પહેલા મને કહીને સૂતો છે કે, લેન્ડિંગ પહેલા મને ઉઠાડી દેજે.’
ફ્લાઇટનો પાયલોટ નોંધે છે કે, ગણતરીના કલાકો પછી ભયંકર યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ઉતારવાનું છે અને અત્યારે જાણે કશું જ બન્યું ન હોય કે બનવાનું ન હોય એમ એક નાના બાળકની જેમ જે શાંતિથી સૂઈ શકે એની સ્થિતપ્રજ્ઞાતા અકલ્પનીય અને અવર્ણનીય કહેવાય. યોનાથનની સ્થિતપ્રજ્ઞતા અને બાળક જેવી સહજતા અદભૂત હતી. બીજા દિવસે સવારે ચાર વાગે મોટ્ટા ગુરુ નામના અધિકારીએ સંરક્ષણ મંત્રી શિમોન પેરેસેને એની રૂમમાં આવીને જણાવ્યું કે, ‘ઓપરેશન એન્ટેબ સફળ રહ્યું છે પણ એમાં યોનાથનને હૃદયમાં ગોળી વાગી છે.’ આ સાંભળીને શિમોનની આંખોમાંથી જોધાર આંસુ વહેવા લાગ્યા. યોનાથન અને ઇઝરાયેલી કમાન્ડોની દિલધડક વાસ્તવિક કહાની ઉપરથી હોલીવુડની એક દાદુ ફિલ્મ ‘ઓપરેશન થન્ડરબોલ્ટ’ આવી હતી. આ ફિલ્મમાં ૧૯૭૬માં બનેલી આ દિલધડક ઘટનાના પ્રસંગોના તાણાવાળા અદભુત રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. યોનાથન અને ઇઝરાયેલીઓના લડાયક મિજાજને સમજવા માટે આ ફિલ્મ જોવા જેવી છે. જોકે આજની હોલીવુડ ફિલ્મોની સરખામણીમાં થન્ડરબોલ્ટ કદાચ ટેકનિકલી થોડી નબળી જરૂર લાગે પણ એમાં દર્શાવેલી હકીકતો રોમાંચિત કરી દે એવી છે.
રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના સંદર્ભમાં જ્યોર્જ ઓરવલના મતે દેશભક્તિ કોઈ વિશેષ ભૌગોલિક સ્થાન માટે જીવનના એક ખાસ પાસાને સમર્પિત કરી દેવામાં આવે એ છે. એને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. જો કે આ વાતને અન્ય લોકો પર થોપવાની આ લોકો ઈચ્છા નથી રાખતા. દેશભક્તિ પોતાના સ્વભાવથી જ લશ્કર અને સંસ્કૃતિ બંને રીતે સંરક્ષણાત્મક હોય છે. ઇઝરાયેલી યોદ્ધા યોનાથન નેતન્યાહુ જેવી જવામર્દી અને બહાદુરીની કહાની ભારતના પણ અનેક વીરોની છે. યોનાથનની કહાની ભારતના કેપ્ટન વિક્રમ બત્રા, મેજર કુલદીપસિંહ ચાંદપુરી, સુબેદાર સંજય કુમાર, સેકન્ડ લેફ્ટેનન્ટ અરુણ ખેતપાલ, મેજર સોમનાથ શર્મા જેવા અનેક ભારતીય વીર સપૂતોના પરાક્રમો યાદ અપાવી જાય છે. દેશપ્રેમ અને રાષ્ટ્રીય ભાવાનાના ઇન્જેક્શનનો ન હોય. આ તો એવી સહજીક માનસિકતા છે કે, જે દેશના નાગરિકોના લોહીમાં સતત વહેતી હોય.
ધબકાર :
ખુશનસીબ હોતે હૈ વો લોગ જો અપને દેશ પર કુરબાન હોતે હૈ, જાન દેકે ભી વો લોગ અમર હો જાતે હૈ...