કાચવાળી દોરી ઉપર ગુજરાત હાઇકોર્ટ દ્વારા પ્રતિબંધ લદાયો
અમદાવાદઃ ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, લોકોને ઈજા ના પહોંચે તે માટે રાજ્યમાં માત્ર ચાઇનીઝ દોરી પર જ નહીં પણ કાચના પાઉડર ચડાવીને વેચવામાં આવે છે તેના પર પણ પ્રતિબંધ છે.
હાઈકોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે, કાચના પાઉડરથી રંગેલી દોરી, તેના ઉત્પાદન, વેચાણ, વપરાશ, ખરીદવા ઉપર પ્રતિબંધ છે. ત્યારે હાઈકોર્ટે આ મામલે સરકારને કાર્યવાહી કરવાના પણ નિર્દેશ આપ્યા છે. જેને લઇને હવે પોલીસ ગ્લાસ કોટિંગ કરેલી દોરીનું ઉત્પાદન, વેચાણ, વપરાશ તેમજ ખરીદવા સામે કાર્યવાહી કરી શકે છે.
ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગના શોખીનો પતંગ, દોરી અને અન્ય જરૂરી વસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત છે. આ સમયે, ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. હાઈકોર્ટે ચાઈનીઝ દોરીના કેસની સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં માત્ર ચાઈનીઝ દોરી જ નહીં, પરંતુ કાચના પાઉડરથી રંગેલી દોરી પર પણ પ્રતિબંધ છે.
સામાન્ય રીતે, કોટનની દોરીને કાચના પાઉડરથી તૈયાર કરેલી લુગદીથી રંગવામાં આવે છે અને તેને વધુ ધારદાર બનાવવામાં આવે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે સરકારી તંત્રને કડક શબ્દોમાં આદેશ આપ્યો છે કે આ પ્રકારની દોરી પર પણ કડક કાર્યવાહી કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટના આ નિર્દેશ બાદ પોલીસ દ્વારા કાચ પાઉડરથી રંગાયેલી દોરીના ઉત્પાદન, ખરીદ-વેચાણ અને ઉપયોગ સામે પણ કડક પગલાં લેવામાં આવી શકે છે.
સરકાર તરફથી દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે ઉતરાયણ ૨૦૨૫ના તહેવારને ધ્યાનમાં રાખીને ચાઈનીઝ, નાયલોન કે પ્લાસ્ટિક કોટેડ દોરીઓના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું ગૃહ વિભાગ દ્વારા ૨૪ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ જારી કરવામાં આવ્યું હતું. આ જાહેરનામાના અનુસંધાનમાં રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ પોલીસ દ્વારા જરૂરી પરિપત્ર જારી કરીને તેની અમલવારી પણ શરૂ કરી દેવામાં આવી છે.
હાઈકોર્ટના આદેશનું પાલન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવતા રાજ્ય સરકારે કોર્ટમાં ખાતરી આપી છે કે તેઓ 13 જાન્યુઆરી સુધીમાં આ આદેશનું કડક પાલન કરાવવા માટે નક્કર અને અસરકારક પગલાં લેશે. આ કેસની વધુ સુનાવણી 13 જાન્યુઆરીએ હાથ ધરાશે.