ગુજરાત સરકાર પ્રજા પાસેથી 17 પ્રકારના ટેક્સ વસુલે છે, 1.39 લાખ કરોડની આવક
- ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં ટેક્સની આવક 98 ટકા વધી,
- સ્ટેમ્પ રજિસ્ટ્રેશન ફીમાંથી 14 હજાર કરોડની કમાણી,
- નવી જંત્રીનો અમલ થતાં જ આવકમાં બમણો વધારો થશે
ગાંધીનગરઃ કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકાર પણ પ્રત્યક અને પરોક્ષ કરવેરા દ્વારા કરોડો રૂપિયાની આવક મેળવી છે. ગુજરાત સરકાર પ્રજા પાસેથી 17 પ્રકારના ટેક્સની વસુલાત કરે છે. સરકારને છેલ્લા એક વર્ષમાં વિવિધ કરવેરાની 1.39 લાખ કરોડ રૂપિયા આવક થઈ છે. દેશમાં કરવેરાની આવકમાં ગુજરાત પાંચમાક્રમે છે. સરકાર પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા દ્વારા આવક વધારવાના પ્રયાસો કરતી હોય છે. હાલ જંત્રીના દરમાં સુચિત વધારો જાહેર કરાયો છે. એનો અમલ થતાં જ ગુજરાત સરકારની તિજોરી છલકાય જાય એટલી આવક થશે. એવું કહેવાય છે, સરકાર એ પ્રજાના ટેક્સના નાણાની ટ્રસ્ટી છે. અને પ્રજાના ટેક્સના મળેલા નાણામાંથી વિકાસના કામો કરવામાં આવે છે.
તાજેતરમાં જ આરબીઆઇ દ્વારા જાહેર થયેલા રિપોર્ટ ‘હેન્ડબુક ઑફ સ્ટેટેસ્ટિક્સ ઓન ઇન્ડિયન સ્ટેટ્સ અને સ્ટેટ ફાઇનાન્સ 2023-24’ મુજબ ગુજરાત સરકાર લોકો પાસેથી 17થી વધુ પ્રકારના ટેક્સ વસૂલે છે. જેમાં વ્યવસાયવેરો, જમીન મહેસૂલ, સ્ટેમ્પ ફી, રજિસ્ટ્રેશન ફી, મિલકતવેરો, વેચાણવેરો, સરચાર્જ, સ્ટેટ એક્સાઇઝ, વાહનવેરો, પેસેન્જર ટેક્સ, વીજળીવેરો, મનોરંજનવેરો, જીએસટી વગેરે સામેલ છે. ચાર વર્ષમાં ગુજરાત સરકારની પોતે વસૂલવામાં આવતા ટેક્સની આવક બમણા જેટલી વધી છે. 2020-21માં સરકારની ટેક્સની આવક 70 હજાર કરોડ રૂપિયા હતી. જે વધીને હાલ ગુજરાત સરકારની ટેક્સની આવક 1.39 લાખ કરોડો પહોંચી છે.
સૂત્રના કહેવા મુજબ ગુજરાત સરકાર દ્વારા 2023-24માં વિકાસનાં કામો માટે 1.22 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. સામાજિક સેવા પાછળ 75 હજાર કરોડ ખર્ચ થયો છે. જેમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, શહેરીકરણ, પાણી, હાઉસિંગ, કુદરતી આફત વગેરે જેવી બાબતો સામેલ છે. આર્થિક સેવા માટે કુલ 47 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. જેમાં ખેતી અને સંબધિત ક્ષેત્ર, ગ્રામીણ વિકાસ, ઊર્જા, ઇન્ડસ્ટ્રીઝ, સાયન્સ ટેક્નોલોજી જેવાં ક્ષેત્ર સામેલ છે. ટેક્સની આવકમાં ગુજરાત સરકાર દેશમાં 1.39 લાખ કરોડની આવક સાથે પાંચમા ક્રમે છે. મહારાષ્ટ્ર 2.98 લાખ કરોડ સાથે મોખરે છે. ત્યારબાદ ક્રમશઃ ઉત્તરપ્રદેશ 2.62 લાખ કરોડ, તમિલનાડુ 1.81 લાખ કરોડ, કર્ણાટક 1.73 લાખ કરોડ ટેક્સ આવક ધરાવે છે. 8 રાજ્ય વાર્ષિક 1 લાખ કરોડથી વધુ ટેક્સની આવક ધરાવે છે. ઉપરોક્ત સિવાય તેલંગાણા, રાજસ્થાન, આંધ્રપ્રદેશ પણ તેમાં સામેલ છે