હર ઘરમાં ખુશીઓના દીવડા દૈદિપ્યમાન રહે એવી રાજ્યપાલએ દિવાળીની પાઠવી શુભકામના
- પરિવારના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનો જ ઉપયોગની હિમાયત,
- તમામ ગુજરાતીઓને નૂતનવર્ષના સાલ મુબારક પાઠવ્યા,
- અંધકારમાંથી અજવાળા તરફના પ્રયાણનું પર્વ એટલે દિવાળી
ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌ ગુજરાતી ભાઈ-બહેનોને દિવાળીની શુભકામનાઓ અને નૂતન વર્ષના 'સાલ મુબારક' પાઠવ્યા છે. દિપાવલી અને નૂતન વર્ષના શુભ અવસરે હાર્દિક શુભકામનાઓ પાઠવતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું છે કે, અંધકારમાંથી અજવાળા તરફના પ્રયાણનું આ પર્વ પરિવારમાં સ્નેહ અને શાંતિની વૃદ્ધિ તથા સમૃદ્ધિના માર્ગે લઈ જતા નવા સંકલ્પોનું પર્વ છે. સૌના સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સંસ્કારમાં વૃદ્ધિ થતી રહે તથા હર ઘરમાં હર હંમેશ ખુશીઓના દીવડા દૈદિપ્યમાન રહે એવી આ દીપોત્સવે શુભકામનાઓ.
આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પરિવાર અને સમાજની સુદ્રઢતાનો આધાર આપણા સ્વાસ્થ્ય પર નિર્ભર છે. સ્વસ્થ સમાજના નિર્માણ માટે આવશ્યક છે કે, આપણે આપણા આહારમાં પ્રાકૃતિક કૃષિ પેદાશોને પ્રાધાન્ય આપીએ. રસાયણમુક્ત, પૌષ્ટિક ખાદ્ય પદાર્થ આપણા શરીર માટે તો હિતકારી છે જ, પર્યાવરણ સુરક્ષા માટે પણ સહાયક છે. દિપાવલી અને નૂતન વર્ષે પરિવારના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનો જ ઉપયોગ કરવાનો સંકલ્પ લેવા તેમણે સહુ નાગરિકોને અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું કે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહનથી સ્વાસ્થ્ય તો સુધરશે જ, આપણા ખેડૂત પરિવારોના જીવન પણ સમૃદ્ધ થશે, ખુશહાલ થશે.
દિપોત્સવ અને નૂતન વર્ષે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મંગલ શુભકામનાઓ પાઠવતાં પરસ્પરના પ્રયત્નોથી સમાજમાં સ્નેહ, શાંતિ અને સહયોગના દીપ પ્રગટાવવા અને દેશને સમૃદ્ધિ અને વિકાસના માર્ગે લઈ જવાનો અનુરોધ કર્યો હતો. તેમણે સૌના જીવનમાં પ્રકાશ અને આનંદ અસ્ખલિત રહે અને પ્રત્યેક દિન પ્રગતિકર રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.