For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોત અંગે સરકારે આપ્યા તપાસના આદેશ

06:26 PM Nov 12, 2024 IST | revoi editor
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોત અંગે સરકારે આપ્યા તપાસના આદેશ
Advertisement
  • બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ બાદ 19 લોકોની એન્જિયોગ્રાફી, 7ની એન્જિયોપ્લાસ્ટી,
  • બેના મોત નિપજતા ઉશ્કેરાયેલા ગ્રામજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી,
  • પૂર્વ મંત્રી નીતિન પટેલ હોસ્પિટલ દોડી આવ્યા

અમદાવાદઃ શહેરમાં ખ્યાતિ હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે. હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામમાં આરોગ્ય કેમ્પ યોજ્યા બાદ  સારવારની જરૂપિયાત હોય એવા દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં લાવી પરિવાજનોની જાણ બહાર જ 19 લોકોની એન્જિયોગ્રાફી કરી હતી. જેમાંથી 7ની એન્જિયોપ્લાસ્ટી કરી હતી દરમિયાન બે દર્દીનાં મોત નિપજતા હોબાળો મચી ગયો હતો.  ઘટનાને પગલે ગ્રામજનોએ વહેલી સવારે હોસ્પિટલ પહોંચી તોડફોડ કરી હતી.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના મોતથી હંગામો થયો છે. એન્જિયોગ્રાફી અને સ્ટેન્ટ મુક્યા બાદ 2 દર્દીના મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.  હાલ અન્ય 5 દર્દીઓ પણ સારવાર હેઠળ છે. આ ઘટના બનતા જ હોસ્પિટલના સત્તાધીશો  ભૂગર્ભમાં ઉતરી ગયા છે. બીજી તરફ, ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મોત મામલે તપાસના આદેશ આપ્યા છે. PMJAYના સ્ટેટ એન્ટિ-ફ્રોડ યુનિટ દ્વારા દ્વારા તપાસનો આદેશ અપાયા છે કે, શું સમગ્ર કૌભાંડ PMJAY ના નાણાં મેળવવા માટે કરાયું હતું. ત્યારે આ વચ્ચે પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે દર્દીઓના સગાઓની મુલાકાતે પહોચ્યા હતા. તેમણે મૃતકોના પરિવારજનો સાથે વાત કરી હતી.

આ બનાવની ગંભીરતાને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ સમગ્ર બાબતે માહિતી મેળવવા માટે ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા. ગઈકાલ સાંજથી જ ખ્યાતિ હોસ્પિટલમાં કોઈપણ જવાબદાર ડોક્ટરો હાજર નથી. હોસ્પિટલના ડાયરેક્ટર અને ચેરમેન સહિતના લોકો ગાયબ છે. માત્ર એક ડોક્ટર હાલ હોસ્પિટલમાં ICUમાં હાજર છે.

Advertisement

ખ્યાતિ હોસ્પિટલ પહોંચેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ હતું કે, બે દિવસ પહેલાં મને માહિતી મળી હતી કે કડીના બોરીસણા ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતાં. જરૂરિયાત લોકો આ કેમ્પમાં ગયા હતાં. આ હોસ્પિટલ દ્વારા અમુક દર્દીઓને પસંદ કરીને તેઓના મા યોજનાનું કાર્ડ અને આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ તૈયાર રાખજો અને આવતી કાલે તમને અમારી હોસ્પિટલમાંથી બસ મોકલી તમને અમદાવાદ હોસ્પિટલ લઈ જઈશું, તેવું જણાવ્યું હતું.  દરમિયાન  19થી 20 દર્દીઓને અહીં હોસ્પિટલ લાવવામાં આવ્યા હતાં અને મોટા ભાગના દર્દીઓને સીધા હૃદય રોગના દર્દીઓ ગણીને એમની એન્જિયોગ્રાફિ કરવામાં આવી. કેટલાંકની એન્જિયોપ્લાસ્ટી પણ કરી દેવામાં આવી હતી. આ પ્રકારની સારવાર માટે હોસ્પિટલે પહેલા પરમિશન લેવાની હોય છે અને ઓનલાઈન મંજૂરી લેવામાં પણ સમય લાગતો હોય છે. પહેલી નજરે જોતા લાગે છે કે, જરૂરિયાત વગરના બિનજરૂરી ઓપરેશન કરવામાં આવ્યા છે. આ પ્રકારના કેસમાં નિષ્ણાંત ડોક્ટરોનો અભિપ્રાય લેવો જોઈએ.

એએમસીના  હેલ્થ ઓફિસર ભાવિન સોલંકીએ જણાવ્યું કે, સમગ્ર ઘટના પર એએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ગામના સભ્યોને પરિવારજનોની ફરિયાદ હેલ્થ વિભાગમાં સ્વીકારવામાં આવશે. પ્રોપર ડોક્યુમેન્ટેશન લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં હાજર ગામના લોકોની લેખિતમાં રજૂઆત લેવામાં આવશે. હોસ્પિટલના મેનેજમેન્ટને ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે. હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે કોઈ વાત થઈ નથી.

Advertisement
Tags :
Advertisement