રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક શતાબ્દીની ગૌરવશાળી સફર એટલે રાષ્ટ્રસેવાનો મહાયજ્ઞઃ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ
- સંઘ એટલે માર્ગદર્શન, સંઘ એટલે સમાજનું સંગઠનઃ ડૉ. કૃષ્ણગોપાલજી
- RSS ની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા અમદાવાદ ખાતે ચાર દિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન
અમદાવાદ, 12 નવેમ્બર, 2025: દેશ જ્યારે સદીઓથી ગુલામીની ઝંઝીરોમાં કેદ હતો, દેશવાસીઓ લઘુતાની ભાવનાના શિકાર બની રહ્યા હતા, ત્યારે ડૉ. હેડગેવારજીએ 1925 માં દેશની આઝાદીની સાથોસાથ દેશવાસીઓ વૈચારિક ગુલામીથી પણ આઝાદ થાય તેવા ઉદ્દેશ્યથી RSS ની સ્થાપના કરી હતી તેમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અહીં જણાવ્યું હતું. તેઓ RSSની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ચાર દિવસીય વ્યાખ્યાનમાળાના ઉદ્દઘાટન પ્રસંગે મંગળવારે બોલી રહ્યા હતા.

ભારતીય વિચાર મંચ દ્વારા ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ રહેલી ચાર દિવસની આ વ્યાખ્યામાળાના પ્રથમ દિવસે 11 નવેમ્બરને મંગળવારે સહસરકાર્યવાહ ડૉ. કૃષ્ણગોપાલજીએ સંઘના સ્થાપક ડૉ. હેડગેવાર વિશે માહિતીપૂર્ણ અને ભાવવાહી વક્તવ્ય આપ્યું હતું. વ્યાખ્યાનમાળાના ઉદ્દઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ઉપરાંત ભારતીય વિચાર મંચના પદાધિકારી રાજમાતા શુભાંગિનીરાજે ગાયકવાડ તથા ગુજરાત યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર ડૉ. નીરજા ગુપ્તા સહિત શહેર અને રાજ્યના સંઘના ટોચના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ વ્યાખ્યાનમાળા 14 નવેમ્બર સુધી ચાલશે, જે દરમિયાન આરએસએસના અત્યાર સુધીના તમામ છ સરસંઘચાલક વિશે વિવિધ સહસરકાર્યવાહ દ્વારા વક્તવ્ય આપવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, પૂજ્ય ગુરુજીથી લઈને આદરણીય મોહન ભાગવતજી સુધી સંઘે ઉચ્ચ જીવનમૂલ્યોથી યુક્ત પ્રજ્ઞાવાન નેતૃત્વ દેશને આપ્યું છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવનમાં પણ સંઘના તેજસ્વી વિચારોની પ્રેરણા જોવા મળે છે.

સંઘના સમર્પણ અને રાષ્ટ્રભાવનાની પ્રશંસા કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ભારતમાતાને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરાવવા સ્વયંસેવકોએ નિ:સ્વાર્થ ભાવે અવિરત પરિશ્રમ કર્યો છે. સંઘના આગેવાનોએ દેશને “સ્વ”થી ઉપર મૂકીને સમગ્ર જીવન દેશને સમર્પિત કર્યું છે.
વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ માટેના તેમના ઊર્જાવાન વિચારોને RSSએ સમાજજીવનમાં પ્રવાહિત કર્યા છે, અને અસંખ્ય યુવાનોને દેશ માટે જીવન ખપાવા તૈયાર કર્યા છે. આવનાર સમયમાં આ જ શક્તિથી આપણે ભારતને વિશ્વના વિકસિત દેશોની હરોળમાં ટોચના સ્થાને પહોંચાડીશું, તેવો મને વિશ્વાસ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

પ્રથમ દિવસે ગઈકાલે મંગળવારે સંઘના સ્થાપક ડૉ. હેડગેવારજી વિશે બોલતા ડૉ. કૃષ્ણગોપાલજીએ કહ્યું હતું કે, સંઘ વિશે લોકોને હંમેશાં કુતૂહલ રહે છે કે આ સંગઠન શું છે અને કેવી રીતે કાર્ય કરે છે? તેમણે પાયાની વાત કરતાં કહ્યું કે, વાસ્તવમાં ભારતની અને હિન્દુઓની સ્થિતિ વિશે અંગ્રેજ સામ્રાજ્યવાદીઓ અથવા ઈસ્લામિક આક્રમણકારીઓને દોષ દેવાનો કોઈ અર્થ નથી. પરંતુ જ્યારે હજાર વર્ષ પહેલાં ભારતમાં આ બધું થઈ રહ્યું હતું ત્યારે હિન્દુઓએ સંગઠિત રહેવું જોઈતું હતું તે ન રહ્યા અને તેના પરિણામે આપણે ગુલામ રહ્યા. ડૉ. હેડગેવારજી આ સ્થિતિથી વ્યથિત હતા અને તેથી જ તેમણે હિન્દુઓને સંગઠિત કરવા માટેનું કાયમી નિદાન શોધી કાઢ્યું. 100 વર્ષ પહેલાં તેમણે શરૂ કરેલી આ પહેલ આજે 87,000 શાખા સુધી પહોંચી છે અને લાખો સ્વયંસેવકો ભારતમાતાને પુનઃ ગૌરવ અપાવવા કાર્ય કરી રહ્યા છે.
ડૉ. કૃષ્ણગોપાલજીએ જણાવ્યું હતું કે, સંઘ એક એવી માર્ગદર્શક સંસ્થા છે જેની સાથે જોડાનાર લોકો સમાજમાં પરિવર્તન લાવવા માટે, હિન્દુઓને સંગઠિત કરવાનું કામ કરે છે.