કચ્છના ભૂજમાં પ્રથમ નિઃશુલ્ક સંસ્કૃત અધ્યયન કેન્દ્ર બનશે
- સંસ્કૃત ભારતી દ્વારા લોકોને સંસ્કૃતમાં બોલતા કરવાનો ઉદેશ્ય
- સંઘ શતાબ્દી વર્ષના પાંચેય પરિવર્તનો સાથે લઇ આગળ વધતું અધ્યયન કેન્દ્ર
- સંસ્કૃત અધ્યયન કેન્દ્રનું ભૂમિપૂજન તા.21 ફેબ્રુઆરી કરાશે
ભૂજઃ સંસ્કૃત ભાષાના વિકાસ અને અધ્યયન માટે સંસ્કૃત ભારતી દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભુજમાં સંસ્કૃતભારતી સંચાલિત ગુજરાતની પ્રથમ નિઃશુલ્ક સંસ્કૃત અધ્યયન કેન્દ્ર કાર્યરત કરાશે, આ અધ્યયન કેન્દ્રનું નામ મહારાવ પ્રાગમલજી તૃતીય તથા મહારાજ્ઞી પ્રીતિદેવી સંસ્કૃત અધ્યયન કેન્દ્રમ્ રખાશે. સંસ્કૃતભારતીનું મુખ્ય કાર્ય લોકોને સંસ્કૃત બોલતા કરી, સંભાષણથી શાસ્ત્ર સુધી લઇ જઇ, સંસ્કૃતભાષાના માધ્યમથી ભારતમાતાને પુનઃ પરમ વૈભવના શિખર પર વિરાજમાન કરાવવાનું છે. આના માટે સંસ્કૃતભારતીના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ નિઃશુલ્ક ઉપક્રમો ચલાવાતા હોય છે.
ભૂજમાં સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત અધ્યયન કેન્દ્ર કાર્યરત થશે. સંસ્થાનો ઉદેશ્ય લોકોને નિશુલ્ક સંસ્કૃત ભાષાનું જ્ઞાન આપવાનો છે. રોજબરોજ લૂપ્ત થઈ રહેલી સંસ્કૃત ભાષાને બચાવવાનો આ પ્રયોગ છે. આ કાર્યને વેગ આપવા એક નિશ્ચિત સ્થાનની આવશ્યકતા વર્તાતા આગામી ભવિષ્યનું આયોજન કરી સંસ્કૃત-સંસ્કૃતિનું શિક્ષણ આપવા આધુનિક સગવડોથી પરિપૂર્ણ એવા સંસ્કૃત અધ્યયન કેન્દ્રનું નિર્માણ કચ્છમાં થવા જઇ રહ્યું છે. સંઘ શતાબ્દી વર્ષના પાંચેય પરિવર્તનો પર્યાવરણ, કુંટુંબ પ્રબોધન, સમરસતા, સ્વદેશી તથા નાગરિક કર્તવ્યને સાથે લઇ આ અધ્યયન કેન્દ્ર માટેનું કાર્ય આગડ વધી રહ્યું છે. સંસ્કૃતના ભવિષ્યને દીશા આપનારા કાર્ય માટે કચ્છના મહારાણી પ્રીતિદેવી દ્વારા રૂ.51 લાખનાં વિશેષ દાનની જાહેરાત પણ કરવામાં આવી છે. સંસ્કૃત અધ્યયન કેન્દ્રનું ભૂમિપૂજન તા.21 ફેબ્રુઆરી માતૃભાષા દિવસે, સીતા જયંતીએ મહારાણી પ્રીતિદેવીના હસ્તે કરવામાં આવશે.