પોરબંદરના બાવળના જંગલમાં લાગેલી વિકરાળ આગ 6 કલાકે કાબુમાં આવી
- બાવળના જંગલમાં દોઢ કિમીમાં લાગેલી આગ ભારે પવનને લીધે કાબુમાં વધુ પ્રસરી
- ભીષણ આગને કાબુમાં લેવાકોસ્ટગાર્ડની મદદ લેવામાં આવી
- આગની જ્વાળાઓ બિરલા કોલોની સુધી પહોંચી જતાં લોકોને સ્થળાંતર કરાયા
પોરબંદરઃ શહેરમાં બિરલા સ્કૂલની પાછળ આવેલા બાવળના જંગલમાં ગઈકાલે બપોરે આગ ફાટી નિકળતા દોડધામ મચી ગઈ હતી. આગના બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે ભારે પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી ફાયર બ્રિગેડને પણ કોસ્ટગાર્ડ અને નેવી જેવી એજન્સીઓની મદદ લેવી પડી હતી. અંતે ભારે જહેમત આગ પર સંપુર્ણ રીતે કાબૂ મેળવાયો હતો. જોકે સુરક્ષાને ધ્યાને લઈ હજુ પણ ફાયર બ્રિગેડની એક ગાડી ઘટનાસ્થળે હાજર રખાઈ છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, પોરબંદર શહેરમાં બિરલા સ્કૂલની પાછળ બાવળના જંગલમાં બુધવારે બપોરે 12 વાગ્યાની આસપાસ આગ લાગ લાગી હતી. ભારે પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી અંદાજીત 1.5 કિમી જેટલો પહોળા વિસ્તારમાં આગ ફેલાઈ હતી. જેની જાણ તંત્રને થતા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરાઈ હતી અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, તેજ પવનને કારણે આગને કાબૂમાં લેવાનું મુશ્કેલ બન્યું હતું. આગની જ્વાળાઓ બિરલા કોલોનીના રહેણાક વિસ્તાર સુધી પહોંચી જતાં તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લઈ સુરક્ષાના ભાગરૂપે સ્થાનિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ તેમના ઘરોમાંથી ગેસ સિલિન્ડરો જેવા જ્વલંતશિલ પદાર્થો પણ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતું આ આગ અંદાજીત 1.5 કિમી જેટલો પહોળા વિસ્તારમાં લાગી હતી. જેથી બાવળ અને બળતણનો નાશ થયો હતો.
બિરલા પ્રાથમિક સ્કૂલના શિક્ષકના કહેવા મુજબ આગની ઘટના જાણ TPOને કરી હતી, જેથી તેઓએ સ્થળ પર આવી અભ્યાસ કરી રહેલા બાળકોને રજા આપી ઘરે મોકલી દીધા હતા. આગ બહુ વિકરાળ હતી. જેથી જીવજંતુઓ, પક્ષીઓને ઘણુ નુકસાન થયું છે. જોકે સ્કૂલને કોઈ જાતનું નુકસાન થયું નથી..
ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું કે, બુધવારે બપોરે 12.40 મિનિટે આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. ઈન્દિરાનગર વિસ્તારની આજુબાજુ આગ લાગી છે. પ્રાથમિક રીતે પ્રથમ વાહન મોકલી કામગીરી શરૂ કરી હતી. પરંતુ આગ વધુ હોવાને કારણે અન્ય ત્રણ વાહનો પણ મોકલાયા હતા. છતાં પણ આગ કાબૂમાં ન આવતા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ તરફથી કોસ્ટગાર્ડ, નેવી, હાથી સિમેન્ટ, બીરલા ગ્રૂપ જેવી અન્ન એજન્સીઓની મદદ લેવામાં આવી હતી. સાંજના 6 વાગ્યા સુધીમાં માટો ભાગની આગ કાબુમાં આવી ગઈ હતી, છતાં પણ કોઈ દુર્ઘટના ન ધટે તેને ધ્યાને લઈ એક વાહન અહીં જ રાખવાનું નક્કી કરાયું છે. ઘટનાને પગલે આસપાસની રેસિડેન્સિયલ કોલોનીમાં જેટલા પણ જ્વલંતશિલ પદાર્થો કે જે આગને વધુ વિકરાળ બનાવી શકે તે તમામ સાધનોને બહાર કાઢી સલામત સ્થળે ખસેડાયા હતા અને અહીંના માણસોને પણ ઈવેક્યુએટ કરાયા હતા. આગ લાગી એ અંદાજીત 1.5 કિમી જેટલો પહોળો અને ઊંડો વિસ્તાર છે. બાવળ અને બળતણ છે તેનો નાશ થયો છે.