લ્યો બોલો, નકલી તબીબે વદ્ધના ઘેર જઈ ઢીંચણનું ઓપરેશન કરીને 6 લાખ ખંખેરી લીધા
- વદ્ધને પગમાં ઢીંચણની તકલીફ હતી ને મોલમાં ગઠિયો મળ્યો,
- ગઠિયાએ તબીબનો ફોન નંબર આપ્યો,
- તબીબે પોતે મુંબઈથી આવ્યો હોવાનું કરી વદ્ધના ઘેર જઈ ઓપરેશન કર્યુ
અમદાવાદઃ શહેરના ઘોડાસરમાંથી એક વૃદ્ધાના ઘેર જઈને નકલી તબીબ સર્જરી કરીને 6 લાખ પડાવી ગયો હોવાનો વિચિત્ર બનાવ બન્યો છે. આ બનાવમાં એક વૃદ્ધને અજાણ્યા વ્યક્તિની સલાહ માનવી ભારે પડી હતી . ઘોડાસર વિસ્તારમાં રહેતાં વૃદ્ધનું નકલી તબીબે ઘરે આવી ઓપરેશન કર્યું અને 6 લાખ રૂપિયા ખંખરી લીધા હતા. વૃદ્ધે સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ સમગ્ર મુદ્દે તપાસ કરી રહી છે.
આ બનાવની વિગતો એવી છે કે, શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતાં સંજય સક્સેના ગત 15 ડિસેમ્બરે દીકરી અને જમાઈ સાથે સીજી રોડની હોટલમાં જમવા ગયા હતાં. થોડા સમય બાદ વૃદ્ધ જમીને બહાર નીકળ્યા ત્યારે ઢીંચણના દુખાવાના કારણે લંગડાતા હતાં. આથી વૃદ્ધને નિહાળીને એક અજાણ્યા શખસે તેમની પાસે આવીને કહ્યું કે, 'મારા પિતાને પણ તમારી જેમ ઢીંચણનો દુખાવો થતો હતો, જેમની મુંબઈ ખાતે સારવાર કરાવતા તેઓને હવે સારૂ થઈ ગયું છે. તમારે પણ સારવાર કરાવવી હોય તો તે તબીબનો નંબર આપું તેને ફોન કરજો.' આટલું કહી અજાણ્યો શખસ તબીબનો નંબર આપી ત્યાંથી જતો રહ્યો હતો. મોબાઈલ નંબર મળ્યા બાદ વૃદ્ધે ઘરે જઈને અજાણ્યા શખસે આપેલાં નંબર પર ફોન કરીને તપાસ કરતાં તેમાં ડૉ. પાટીલ નામના વ્યક્તિ સાથે વાત થઈ હતી. આ બોગસ તબીબે ફોન પર કહ્યું કે, 'ટૂંક સમયમાં બે દિવસ માટે ગુજરાત આવીશ, ત્યારે તમને ફોન કરીને જણાવીશ.' બાદમાં બોગસ તબીબે વૃદ્ધની માહિતી માંગતા વૃદ્ધે પોતાનું નામ, નંબર અને સરનામું લખાવી અપોઇમેન્ટ નોંધાવી દીધી હતી. બાદમાં ગત 16 ડિસેમ્બરે તબીબનો ફોન આવ્યો. જેમાં તેણે કહ્યું કે, 'હું આવતીકાલે અમદાવાદ આવીશ અને સવારે નવ વાગ્યાની આસપાસે તમારા ઘરે વિઝિટ કરીશ તમે ઘરે રહેજો અને સવારે ગરમ પાણી પી લેજો, તેમજ બીજી કોઈ દવા ચાલું હોય તો આજે ન લેતા.' આટલું જણાવી બોગસ તબીબે ફોન મૂકી દીધો.
તબીબે વદ્ધને ફોન કર્યાના બીજા દિવસે તબીબ તેના આસીસ્ટન્ટ રાજુ પાટીલ સાથે વૃદ્ધના ઘરે વિઝિટ કરી હતી.અને તેના ઢીંચણની તપાસ કરી. જેમાં જમણાં પગમાં રસી થઈ ગઈ હોવાનું જણાવી એકવાર પસ કાઢવાના 6 હજાર થશે તેમ જણાવ્યું હતુ. વૃદ્ધે આ બાબતે સંમતિ આપી અને બાદમાં 158 વાર ઢીંચણમાંથી પસ કાઢવાની ટ્રીટમેન્ટ કરી. આ સારવારના 7 લાખ રૂપિયા આસિસ્ટન્ટને આપવા અને તે જે દવા આપે તે પીવાનું જણાવ્યું હતું. બાદમાં પોતાનું વિઝિટિંગ કાર્ડ આપી બોગસ તબીબ ત્યાંથી નીકળી ગયો હતો.
વૃદ્ધે તબીબના આસિસ્ટન્ટ રાજુને વિનંતી કરી એક લાખ રૂપિયા ઓછા કરાવી આપો. જે વાત પર સંમતિ બનતા બંને બેન્કમાં ગયાં હતાં. ત્યાંથી વૃદ્ધે પોતાના ખાતામાંથી રોકડ 6 લાખ ઉપાડી રાજુને આપી પોતાના ઘરે આવતા રહ્યાં હતાં. દીકરીને ફોન કરી ઢીંચણની સારવાર ઘરે કરાવી હોવાનું જણાવતાં તેણે તેના પિતા પાસેથી તબીબનું વિઝિટીંગ કાર્ડ મેળવીને ઓનલાઈન તપાસ કરી. જેમાં ખુલાસો થયો કે, આવો તો કોઈ તબીબ છે જ નહીં. જેથી ઢીંચણની સારવાર માટે નકલી તબીબ બનીને આવેલાં શખસે 6 લાખ રૂપિયા પડાવી ફરાર થઈ ગયાં હોવાનો ખુલાસો થયો. સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે ઠગીનો ગુનો નોંધી બોગસ તબીબની તપાસ હાથ ધરી છે. (File photo)