સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જ્યંતિએ અમદાવાદમાં વિશાળ શોભાયાત્રા નિકળશે
- અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં 40 કિમી શોભાયાત્રા ફરશે
- શહેરના પૂર્વ અને પશ્ચિમમાં 70થી વધુ જગ્યાએ શાભાયાત્રાનું સ્વાગત કરાશે
- શોભા યાત્રામાં 27 દેવી-દેવતાઓના રથ જોડાશે
અમદાવાદઃ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આગામી પરશુરામ જ્યંતીના દિને અમદાવાદ શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નિકળશે. જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો જોડાશે. શોભાયાત્રામાં વિવિધ રસ્તાઓ પર 40 કિમી ફરશે, શોભાયાત્રામાં 27 દેવી-દેવતાઓના રથ જોડાશે.
વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર પરશુરામ જયંતીની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિવિધ જગ્યાએ કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પહેલીવાર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા અમદાવાદમાં સૌથી મોટી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 40 કિલિમીટરની આ શોભાયાત્રા શહેરના પૂર્વ વિસ્તાર તથા પશ્ચિમ વિસ્તારમાં ફરશે. સમાજના અગ્રણી અનિલ દવેના કહેવા મુજબ છેલ્લા બે મહિનાથી પરશુરામ જયંતીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ વર્ષે સમગ્ર શોભાયાત્રાને 70 જેટલી જગ્યાએ વિવિધ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં 10 હજારથી વધુ બ્રહ્મ સમાજના વ્યક્તિઓ જોડાશે. વિવિધ સ્થળો પર પ્રભુ પરશુરામજીની મહાઆરતી પણ કરવામાં આવશે.
સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શહેરમાં વિવિધ જગ્યાએ પ્રસાદનું આયોજન પણ કરવામાં આવશે. શહેરના પૂર્વ વિસ્તારમાં યાત્રાની શરૂઆત નરોડાથી કરવામાં આવશે ત્યારે બીજી એટલે પશ્ચિમ વિસ્તારની યાત્રાની શરૂઆત બોપલ ખાતે કરવામાં આવશે. શહેરના વ્યાસવાડી વિસ્તારમાં આવેલા પરશુરામ ચોકમાં 29મીએ બપોરે મહાઆરતી કરવામાં આવશે. આ શોભાયાત્રામાં 7 ચિરંજીવીઓ તથા 20 અન્ય દેવી-દેવતાના રથ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં મહાદેવજી, મહાકાળી, તથા વિષ્ણુજીનો રથ પણ હશે.