મન અને હૃદયમાં પડેલી લાગણીઓને વહેવડાવવી પડે નહીંતર એનો ભડકો થઈ જશે
(પુલક ત્રિવેદી)
શું તમારી આસપાસના લોકો તમારી સાથે વાત કરવાનુ ટાળે છે ? ચર્ચામાં તમારી વાત સાથે લોકો કાયમ સંમત થઈ જાય છે ? તમારા જીવનના નિર્ણયોમાં ક્યારેય અન્ય કોઈનું યોગદાન નથી હોતું ? આ બધા પ્રશ્નોના જવાબો જો ‘હા’માં આવતા હોય તો સમજી લેવું કે, તમે ક્રોનિક એંગરનો શિકાર બની ગયા છો અને તમને બીજાની વાત ઉપર ઝડપથી ગુસ્સો આવી જાય છે. જો કે ગુસ્સો આવવો એ દરેક વખતે ખરાબ બાબત પણ નથી. તજજ્ઞોના અભિપ્રાય અનુસાર પોતાની ભાવનાઓ વ્યક્ત કરવા માટે આ એક ઉત્તમ માર્ગ પણ છે. પણ હા, જો વ્યક્તિની હાજરી લોકોને ડરાવે કે વાત વાતમાં વ્યક્તિ બૂમ બરાડા પાડી પોતાનો મુદ્દો જ સાચો ઠેરવવા મથે તો સમજી લેવુ પડે કે, એ વ્યક્તિ ક્રોનિક એંગરની બિમારીમાં સપડાઇ ગયો છે.
ક્રોનિક એંગરની સ્થિતિ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે જોખમી છે. એટલા માટે જ જગતભરમાં આ બિમારીને નાથવા ક્રોધને કાબુમાં રાખવાના ઉપાયો માટે રીતસર ચર્ચાઓ અને એંગર મેનેજમેંટના મોટીવેશનલ કલાસિસ ચાલે છે. ક્રોનિંક એંગરની સ્થિતિમાંથી બહાર નીકળવા વ્યક્તિએ જાતે જ સમજીને નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરવા પડે. જાણિતા ક્લિનિકલ સાઈકોલોજીસ્ટ દીપાલી બેદીના મંતવ્ય અનુસાર આવી પરિસ્થિતિથી છૂટકારો મેળવવાના કેટલાક સચોટ ઉપાયો પણ છે. પહેલાં તો વ્યક્તિની ક્રોનિકલ એંગરની પરિસ્થિતિ છે એ કેવી રીતે જાણી શકાય એ સમજવાની આવશ્યતા છે. જો વ્યક્તિને વારંવાર ગુસ્સો આવતો હોય અને બીજાની વાત ઉપર ચિડાઈ જતો હોય કે પછી કોઈ પણ કારણ વગર અન્ય લોકો સાથે ગરમા ગરમ ચર્ચામાં ઉતરી પડતો હોય, એના દરેક સંબંધોમાં ગુસ્સાના કારણે તિરાડ પડી જતી હોય કે ગુસ્સામાં ગમે તે કહી દઈને પછી પસ્તાવો થાય, શારીરિક ચેસ્ટાથી કે શબ્દોથી બીજાને અપમાનિત કરવાના, મારી જ વાત સાચી બીજા બધા ખોટા, સ્વાર્થી મનોવૃત્તિ, કોઇની કશી પડી જ ના હોય એમ વર્તવુ વગેરે ક્રોનિક એંગરના લક્ષણો છે. આ સારી બાબત નથી.
જ્યારે વ્યક્તિ ક્રોધથી સતત પીડાતો હોય ત્યારે એનાથી છૂટકારો મેળવવાના કેટલાક ઉપાયો અજમાવવાથી ફાયદો થઈ શકે છે. સૌથી પહેલા તો એ વાત સમજી લેવી પડે કે, કઈ વાતથી ક્રોધ ઉત્પન્ન થાય છે. શક્ય છે કોઈ વાત, ઘટના, વ્યક્તિ કે પોતાની વાત કે વિચાર સાથે અન્યની અસંમતિ જેવી કોઈ પણ બાબતથી ગુસ્સો આવી શકે છે. આ માટે પ્રથમ ‘ટ્રિગર પોઈન્ટ’ને સમજવાની જરૂર છે. જો આ ‘ટ્રિગર પોઈન્ટ’નો બરાબર ખ્યાલ આવી જાય તો પછી લાઈફ સ્ટાઈલમાં બદલાવ લાવી આનંદમાં રહી શકાય છે. બીજુ એક મહત્વનું પરિબળ બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી છે. કોઈ વ્યક્તિ માટે અગાઉથી બાંધી દીધેલી અવધારણાઓ ઝેરીલું વાતાવરણ ઊભું કરી દે છે. માનસિકતામાં બદલાવ લાવી જે વ્યક્તિ માટે હંમેશા નકારાત્મકતા રાખી હોય એના પ્રતિ ૩૬૦ ડિગ્રીએ સકારાત્મક અભિગમ રાખવાથી પરિસ્થિતિમાં સુધારો લાવી શકાય છે.

ત્રીજુ સૌથી અગત્યનું પરિમાણ છે પોતાની લાગણીઓ અભિવ્યક્ત કરવાનું. જો વ્યક્તિ ખુલ્લા દિલે એના હૃદયમાં પડેલી લાગણીઓ વહેંચશે નહીં તો મનમાં ને મનમાં નકારાત્મક બાબતોનો ફૂગ્ગો વધુ ને વધુ મોટો બનતો જતો હોય છે. મનમાં પડેલી વાત આસપાસના લોકો સાથે ખુલ્લા મને નહીં ચર્ચાય તો જેમ જેમ સમય પસાર થતો જશે એમ એમ એ નકારાત્મકતાનું મસમોટુ વૃક્ષ સંબંધો ઉપર કાયમી પૂર્ણવિરામ મૂકાવી દેશે. જો કે આ પરિસ્થિતિના મૂળમાં એક બીજા ઉપરની અવિશ્વસનિયતાની ભાવના છે. વ્યક્તિને એમ થાય કે હું ગમે તે કરીશ કે કહીશ સામેવાળી વ્યક્તિ એને સારી રીતે નહીં જ મૂલવે.
ચોથી બાબત આસપાસના લોકોમાંથી હકારાત્મકતા અને એમના સહવાસનો હૃદયપૂર્વકનો આનંદ વિકસાવવાની જરૂર છે. આનાથી અન્ય લોકોના હૃદયમાં પણ પ્રેમ, ઉષ્મા અને લાગણી પેદા થશે. જે છે એ પર્યાપ્ત છે અને મારી હેસિયતથી વધુ ઇશ્વરે આપ્યું છે એવી ભાવના બળવત્તર બનાવવા પ્રયાસ કરતા રહેવું પડે. દુનિયામાં બધાને બધુ ક્યાં મળે છે ? મને જે પણ મળ્યું છે એમાં મને સંતોષ છે અને આનંદ છે. એવી લાગણી વારંવાર મનમાં ઊભી કરવાનો પ્રયાસ કરતા રહેવાથી ચોક્કસ ફરક પડી શકે છે. ઘણી વાર એવુ બનતુ હોય છે કે, કેટલાક લોકોને ભરપુર સુખમાં પણ એના સ્વભાવને કારણે અસુખ જ લાગે. ઘણાના મનસિક ક્રોધના કારણે એની આસપાસના લોકો જે પણ વાત કરે એમાં અવળુ જ દેખાય. આવી પરિસ્થિતિમાંથી બચવા દ્રષ્ટીકોણ બદલવો પડે અથવા સંબંધો બદલવા પડે.
ક્રોધ પણ એક પ્રકારની ભાવનાત્મક સ્થિતિ છે. ક્રોધ કરવાના કારણોમાં એક ભયની લાગણી છે. જ્યારે વ્યક્તિ મનમાં ભયના કારણને રોકવાની કોશિષ કરતો હોય છે ત્યારે તેના અનેક ઉપાયો પૈકી એક છે ગુસ્સો. આમ જોવા જઈએ તો ક્રોધ કાયરતાની નિશાની છે. પરિસ્થિતિઓનો વિચારપૂર્વક આનંદમયી માર્ગ ન શોધી શકનારો અને પોતાનો જ કક્કો ખરો કરનારો સમજવાની શક્તિ ખોઈ ચૂકે છે, પરિણામે એ સહજતાથી ક્રોધના શરણે થઈ જાય છે. એક માન્યતા એવી પણ છે કે, ક્રોધની પાછળ વ્યક્તિની અંતરની લાગણી એવી પણ હોય છે કે મારો સ્વીકાર થાય. મને અને મારા વિચારોને આસપાસના લોકો સમજે. જ્યારે આમ ન થાય ત્યારે મનની લાગણીઓ ક્રોધનું સ્વરૂપ લઈ લે છે. વાસ્તવિકતા તો એ પણ છે કે, જ્યારે વ્યક્તિ ઉપર ક્રોધ સવાર થઈ જાય ત્યારે એ લાંબા ગાળાના ભવિષ્યનો વિચાર નથી કરી શકતો. ગુસ્સાના પરિણામો અંગે પણ નથી વિચારી શકતો. સાઈકોલોજીસ્ટના સંશોધનો કહે છે કે, વ્યક્તિ જ્યારે ખૂબ ખુશ હોય ત્યારે અને જ્યારે ખૂબ ગુસ્સામાં હોય ત્યારે સાચી દિશામાં વિચારી શકતો નથી.
જ્યારે વ્યક્તિ એમ વિચારે કે હું બધાથી હોંશિયાર અને બુદ્ધિશાળી છું. મારા વિચારોને કોઈ સમજી જ નથી શકતું ત્યારે ચેતી જવાની જરૂર છે. આવી મનઃસ્થિતિ ક્રોધિત વ્યક્તિ બનાવી દે છે. ભાગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, ક્રોધથી પૂર્ણ મોહ પેદા થાય છે અને મોહથી સ્મરણશક્તિ ભ્રમિત થઈ જાય છે. આની સાથો સાથ બુદ્ધિ નષ્ટ થઈ જાય છે અને વ્યક્તિનું પતન થાય છે. બાળપણમાં મા-બાપનો અતિશય લાડ અને કોઈ વાતની ના નહી પાડી બાળકની દરેક જીદ માનવાની વાત, ભૂતકાળના અનુભવો, વર્તમાન પરિસ્થિતિ, શારીરિક નાદુરસ્તી જેવા કારણો ક્રોધમાં પરિણમતા હોય છે.
ખરેખર તો ક્રોધ એક ઊર્જા છે. આ ઊર્જાનો રચનાત્મક ઉપયોગ કરવાનુ સમર્થ્ય વ્યક્તિના હાથમાં છે. ક્રોધિત અવસ્થાનો સ્વીકાર કરવાની શક્તિ ખિલવવી પડે. સંતુલિત માત્રામાં ક્રોધ જરૂરી અને નિર્ણાયક પણ છે. ક્રોધ એક લાવા છે અંતર્મુખી બની વિષાદનું રૂપ ધારણ કરી લેતા એને વાર નથી લાગતી. એનાથી જીવનનો આનંદ સુકાઈ જાય છે. મન અને હૃદયમાં પડેલી લાગણીઓને વહેવડાવવી પડે નહીંતર એનો જબરજસ્ત ભડકો થઈ જશે. ગુસ્સો અને વાવાઝોડાનુ તોફાન એક સમાન હોય છે. બન્ને પસાર થઇ ગયા પછી થયેલા ભયાનક નુકશાનનો ખ્યાલ આવે છે. સંબંધોના તાળા ક્રોધના હથોડાથી નહીં, પ્રેમની ચાવીથી ખોલવામાં મજા છે, કારણ ચાવીથી ખોલેલુ તાળુ વરંવાર ઉપયોગમાં લઇ શકાય છે હથોડાથી ખોલેલુ તાળુ એક વાર જ ઉપયોગમાં લઇ શકાય છે. મુર્ખ વ્યક્તિનો ક્રોધ ઢોલની માફક ઘોંઘાટ મચાવતો હોય છે જ્યારે ચતુર માણસનો ક્રોધ તળાવના ઊંડા પાણી જેવો શાંત હોય છે.