લખતર-વઢવાણ રોડ પર ડમ્પરમાંથી ઉતરી રહેલા ડ્રાઈવરને ટ્રકે અડફેટે લેતા મોત
- ઝમર અને દેદાદરા વચ્ચે હાઈવે પર બન્યો બનાવ,
- ડમ્પરચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ,
- ટ્રકચાલક ટ્રક સાથે નાસી જતા પોલીસે તપાસ હાથ ધરી
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ લાખતર-વઢવાણ હાઈવે પર ઝમર અને દેદાદરા વચ્ચે સર્જાયો હતો, એક ડમ્પરના ચાલકને તરસ લાગી હોવાથી જાંગડાસર મેલડીમાના મંદિર પાસે ડમ્પર ઊભુ રાખીને ડમ્પરની કેબીનમાંથી ઉતરી રહ્યો હતો ત્યારે પુરફાટ ઝડપે આવેલી ટ્રકે ડમ્પરચાલકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ટ્રકચાલક ટ્રક સાથે જ નાસી ગયો હતો. આ બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવીને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
લખતર વઢવાણ હાઇવે ઉપર આવેલા ઝમર અને દેદાદરા પાટીયા વચ્ચે આવેલા જાંગડાસર મેલડીમાના મંદિર પાસે અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલકને ટ્રકે અડફેટે લેતા તેનું મોત થયું હતુ. ડમ્પરચાલક જગદીશ અમરતભાઈ બારડ ( ઉંમર વર્ષ-55 ), મૂળ ગામ સદાદ ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. ત્યારે બપોરે બે વાગ્યાના સમયે લખતર વઢવાણ હાઇવે પર આવેલા જાંગડાસર મંદિર પાસે સાઈડમાં પોતાનું ડમ્પર ઉભું રાખીને પાણી પીવા માટે ઉતરી રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પૂરઝડપે સુરેન્દ્રનગર તરફથી આવતી ટ્રકે ડમ્પર ચાલક જગદીશને ટક્કર મારી હતી. ટક્કર લાગતાની સાથે આશરે 10 મીટર જેટલા જગદીશભાઈને ધસેડયા હતા. જેથી જગદીશભાઈનું ઘટનાસ્થળે મોત જ નિપજ્યું હતું. આ ઘટનાની જાણ વઢવાણ પોલીસને થતા વઢવાણ પોલીસના હેડ કોન્સ્ટેબલ અશ્વિન દવે, કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ મસાણી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને અકસ્માત કરી નાસી છૂટેલા વાહનચાલકની શોધખોળ શરૂ કરી હતી. અકસ્માતમાં મૃત પામેલાને વઢવાણ પોલીસ દ્વારા વઢવાણ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારના મોભીનું અકસ્માતમાં મોત થતા પરીવારજનો પર આભ તૂટી પડ્યુ હતું. તથા નાના એવા સદાદ ગામમાં શોકનો માહોલ છવાયો હતો.