હીરા ઉદ્યોગ 5 દાયકામાં સૌથી વધુ વ્યાપક મંદીનો ભોગ બન્યો
- 50 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ અને લાંબી મંદી ચાલી
- 5200 કારખાનાઓમાં લેબગ્રોન ડાયમંડનું કટ એન્ડ પોલિશનું કામ શરૂ કરાયું
- ચાઈનાએ લેબગ્રોનની રફના ભાવમાં પણ કર્યો વધારો
સુરતઃ ગુજરાતમાં સૌથી વધુ રોજગારી આપતો હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે. છેલ્લા 5 દાયકામાં ન જોઈ હોય એવી વ્યાપક મંદીનો દૌર ચાલી રહ્યો છે. હવે હીરાના કારખાનેદારો લેબગ્રોન ડાયમંડનું કટ એન્ડ પોલિશનું કામ કરી રહ્યા છે. બીજીબાજુ ચાઈનાએ લેબગ્રોનની રફના ભાવમાં વધારો કર્યો છે. છતાંપણ સુરતના હીરાના કારખાનેદારો સાચા હીરાને છોડીને લેબગ્રોન પોલીસનું કામ કરી રહ્યા છે.
સુરતમાં શહેરમાં નાનાં-મોટાં મળીને અંદાજે 8 હજાર જેટલાં હીરાના કટ એન્ડ પોલિશ કરતા કારખાનાં છે છેલ્લાં 2 વર્ષથી વિશ્વભરમાં હીરાની ડિમાન્ડમાં ઘટાડો થતાં હાલ 5200 કારખાનાઓમાં લેબગ્રોન ડાયમંડનું કટ એન્ડ પોલિશનું કામ શરૂ કરાયું છે. એટલે કે, શહેરનાં 8 હજાર કારખાનામાંથી 65 ટકા કારખાનામાં લેબગ્રોન ડાયમંડ ઘસવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ડાયમંડ ઉદ્યોગના 50 વર્ષના ઈતિહાસમાં આ વખતે સૌથી લાંબો સમય મંદી ચાલી છે અને હજી મંદી ચાલી જ રહી છે. બીજી તરફ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય માર્કેટમાં પણ લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડમાં વધારો થતો જોવા મળ્યો છે. માંગ વધતાં ચાઈનામાં ઉત્પાદિત થતી લેબગ્રોનની એચપીએચટી (હાઈપ્રેશર હાઈટેમ્પરેચર) રફના ભાવમાં પણ 13થી 15 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો.
સૂત્રોના કહેવા મુજબ સુરત શહેરમાં 450થી વધારે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ કાર્યરત છે. લેબગ્રોન ડાયમંડની જ્વેલરીમાં વધારો થતાં 450માંથી 40 જેટલી કંપનીઓ દ્વારા પણ લેબગ્રોન ડાયમંડની જ્વેલરીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સુરત જિલ્લામાં 2500થી વધારે જ્વેલરી શોપ છે, જેમાંથી 50 ટકાથી વધારે જ્વેલરી શોપમાં લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનું વેચાણ શરૂ થઈ ગયું છે.
ડાયમંડ ઈન્સ્ટીટ્યુટના સૂત્રોના કહેવા મુજબ કોરોના પછી નેચરલ હીરાનું માર્કેટ બેસી ગયું છે. કારખાનેદારો કર્મચારીને રોજી આપવા લેબગ્રોન તરફ વળ્યા છે. શહેરમાં 8 હજાર પૈકી 65 ટકા કારખાનામાં લેબગ્રોનનું કામ થઈ રહ્યું છે. લેબગ્રોનને લોકો સ્વીકારતા થયા છે જેથી ડિમાન્ડ પણ વધી રહી છે. જ્યાં નેચરલનું કટ એન્ડ પોલિશ્ડ થતું હતું તે યુનિટોમાં હવે લેબગ્રોનનું કામ થાય છે. લેબગ્રોનને લોકો સ્વીકારતા થયા છે જેથી ડિમાન્ડ પણ વધી છે. (File photo)