છિંદવાડામાં બાળકોના કિડની ફેલ્યોરથી મોતનો સિલસિલો યથાવત, વધુ બે બાળકના મોત
છિંદવાડા : જિલ્લામાં બાળકોમાં કિડની ફેલ્યોરના કેસ ચિંતાજનક સ્તરે પહોંચી ગયા છે. છેલ્લા એક મહિનામાં આ બીમારીથી 9 બાળકોના મોત થયા છે. તાજેતરમાં જ સારવાર દરમિયાન નાગપુરમાં એક બાળકનું મોત થયું હતું. માહિતી મુજબ, આ સિલસિલો 4 સપ્ટેમ્બરે પહેલી મૃત્યુની ઘટના સાથે શરૂ થયો હતો અને હવે એક મહિનાની અંદર આ આંકડો 9 પર પહોંચી ગયો છે.
પરાસિયા એસડીએમ સૌરભકુમાર યાદવએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં 1,400થી વધુ બાળકોની સ્ક્રીનિંગ થઈ ચૂકી છે. હાલ દરરોજ 120 બાળકોની સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે, જેથી સંભવિત કેસોની વહેલી તકે ઓળખ કરી સારવાર આપી શકાય. છિંદવાડાના કલેક્ટરએ જણાવ્યું કે, તપાસ ચાલી રહી છે કે બાળકોને તેમના માતા-પિતાએ કઈ દવા અપાવી હતી. જો કોઈ ઝોલાછાપ ડૉક્ટર પાસેથી દવા અપાઈ હશે તો તેના પર કડક કાર્યવાહી થશે. તેમણે ઉમેર્યું કે કિડની ઈન્ફેક્શનનું મૂળ કારણ શોધવા માટે પાણીના નમૂનાઓની તપાસ પણ કરાવવામાં આવી રહી છે.
હાલમાં સ્વાસ્થ્ય વિભાગ અને જિલ્લા પ્રશાસન બંને આ ગંભીર પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે યુદ્ધસ્તરે કાર્યરત છે. નિષ્ણાતોની ટીમ બાળકોને યોગ્ય સારવાર મળે તે માટે સતત દેખરેખ રાખી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આટલા ઓછા સમયમાં 9 બાળકોના મોત થવાથી જિલ્લામાં ચિંતાનો માહોલ છે.