વડોદરાની એમએસ યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ હવે દીવાળી બાદ યોજાશે
- MS યુનિનો દીક્ષાંત સમારોહ અગાઉ તા, 5 સપ્ટેમ્બરે નક્કી કરાયો હતો,
- નવા કૂલપતિની નિમણૂંકને લીધે દીક્ષાંત સમારોહમાં વિલંબ થયો,
- 14,531 વિદ્યાર્થીઓએ ડિગ્રી માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે,
વડોદરાઃ એમએસ યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ અગાઉ 5મી સપ્ટેમ્બરે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.અને 14થી વધુ વિદ્યાર્થીઓએ ડીગ્રી સર્ટીફિકેટ લેવા માટે રજિસ્ટ્રેશન પર કરાવી દીધુ હતું. પણ ત્યારબાદ કૂલપતિની નિમણૂકને લીધે દીક્ષાંત સમારોહ યોજી શકાયો નહતો, હવે દિવાળી વેકેશન બાદ યુનિવર્સિટીનો દિક્ષાંત સમારોહ યોજાશે. નવેમ્બર મહિનામાં પદવીદાન સમારોહની તારીખ આપવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ એમએસ યુનિવર્સિટીનો 74મો પદવીદાન સમારોહ હવે દિવાળી બાદ યોજવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. 16 ઓક્ટોબરના રોજથી દિવાળી વેકેશનનો પ્રારંભ થશે. જે 5 નવેમ્બરના રોજ પૂરું થશે.એટલે 21 દિવસના દિવાળી વેકેશન બાદ બીજા સત્રની શરૂઆત થશે. એમ.એસ.યુનિવર્સિટીનો 74મો પદવીદાન સમારોહ નવેમ્બર મહિનામાં જ યોજાશે. કારણ કે યુનિવર્સિટીના પદવીદાન સમારોહ માટે તમામ તૈયારીઓ ઓગષ્ટ મહિનામાં જ પૂરી કરી દેવામાં આવી હતી.
એમએસ યુનિવર્સિટીનો 74મો પદવીદાન સમારોહ અગાઉ તા. 5 સપ્ટેમ્બરના રોજ યોજવાનું નક્કી પણ કરી દેવાયું હતું અને કોન્વોકેશન માટે ગ્રાઉન્ડ પર તૈયારીઓ શરૂ કરી દેવાઇ હતી. કોન્વોકેશનમાં 14,531 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી માટેનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ઓગષ્ટ મહિના પહેલા જ યુનિવર્સિટી પ્રેસ દ્વારા ડિગ્રી છાપવા માટેના કાગળો મગાવી લેવામાં આવ્યા હતા. જોકે નવા વીસીની નિમણૂક બાદ પદવીદાન સમારોહ ઠેલાઇ ગયો હતો.
યુનિવર્સિટીના સૂત્રોના કહેવા મુજબ હજુ સુધી દિક્ષાંત સમારોહ માટે ચીફ ગેસ્ટનું નામ નક્કી થયું નથી. ચીફ ગેસ્ટનું નામ નક્કી થાય ત્યારબાદ તેના આધારે તારીખ નક્કી કરવામાં આવશે.નવેમ્બર મહિનાના અંત સુધીમાં પદવીદાન સમારોહ યોજાય તો વધુ અભ્યાસ અર્થે વિદેશ જવા ઇચ્છુક વિદ્યાર્થીઓ ફેબ્રુઆરી ઇન્ટેકમાં જઇ શકે. નહિ તો ફરીએક વાર આ વિદ્યાર્થીઓને 2026ના જૂન-જુલાઇના ઇન્ટેકમાં પ્રવેશ લેવાનો વારો આવશે. 74માં પદવીદાન સમારોહમાં કુલ 14531 વિદ્યાર્થીઓએ ડિગ્રી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી પીજીમાં કુલ 11492 વિદ્યાર્થીઓ તથા પીજી ડિપ્લોમામાં 517 જેટલા વિદ્યાર્થીઓ ડિગ્રી માટે લાયક છે. આ ઉપરાંત પીએચડીના વિદ્યાર્થીઓને પણ ડિગ્રી એનાયત કરવામાં આવશે.