તમિલનાડુમાં હિન્દી ભાષાને લઈને 1937થી ચાલી રહ્યો છે વિવાદ
નવી દિલ્હીઃ તમિલનાડુ અને કેન્દ્ર સરકાર વચ્ચેનો વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે. ત્રણ જુદાજુદા મુદ્દાને લીધે આ તણાવ છે. આ ત્રણ મુદ્દા એટલે નવી શિક્ષણ નીતિ, ભાષા અને રૂપિયાનું ચિન્હ છે. ભારતમાં 2020થી નવી એજ્યુકેશન પોલિસી અમલમાં આવી. તેમાં એવી જોગવાઈ કરવામાં આવી કે, દરેક રાજ્યએ ત્રણ ભાષામાં શિક્ષણ આપવાનું રહેશે. એક માતૃભાષા, બીજી અંગ્રેજી અને ત્રીજી ભારતની કોઈપણ ભાષા. તમિલનાડુએ ઘસીને ના પાડી દીધી કે અમે આ થ્રિ લેન્ગવેજ પોલિસી નહીં અપનાવીએ. કેન્દ્ર સરકારે તમિલનાડુનું નાક દાબ્યું કે, જો આ પોલિસી નહીં અપનાવો તો શિક્ષણ માટે જે ફંડ આપીએ છીએ તે બંધ કરી દેશું. આનાથી વાત વણસી ને તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને ભારતીય રૂપિયાનું રાષ્ટ્રીય ચિહ્ન જ બદલી નાખ્યું. ત્યારે હિન્દી ભાષાને લઈને તમિલનાડુમાં શું વિવાદ છે તે સમજવા ભૂતકાળમાં ડોકિયું કરવું પડશે.
આમ તો તમિલનાડુમાં હિન્દી ભાષાનો વિવાદ વર્ષ 1937 થી છે. તે સમયે તમિલનાડુમાં સી.રાજગોપાલાચારીની સરકાર હતી. ત્યારે એમણે નિયમ બનાવ્યો હતો કે તમિલનાડુની સ્કૂલોમાં હિન્દી ભણાવવામાં આવશે. જો કે આ વાતનો ખુબ વિરોધ થયો હતો. 1939માં હિન્દી થોપવાનો ભયંકર વિરોધ અને હોબાળો થયો. હિન્દી ભાષા વિરોધી અભિયાન મોટાપાયે તે સમયે ચાલ્યું હતું, એ હદે વિરોધ થયો કે રાજગોપાલાચારીએ રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ 1965 માં ફરી એકવાર આ ભૂત ધુણ્યું હતું. જવાહરલાલ નેહરુ તે સમયે વડાપ્રધાન હતા. તે સમયે કેન્દ્રે જાહેરનામું બહાર પાડ્યું કે દરેક રાજ્યોની સરકારી ઓફિસમાં ફરજિયાત હિન્દીનો ઉપયોગ થશે. જો કે નહેરૂએ સ્પષ્ટતા કરી હતી કે જ્યાં સુધી દેશના દરેક રાજ્યોના લોકો સંપૂર્ણ હિન્દી શીખી ન લે ત્યાં સુધી હિન્દીની સાથે એસોસિએટ ભાષા તરીકે અંગ્રેજીનો પણ ઉપયોગ કરતા રહીશું. 1967માં સંસદમાં ઓફિશિયલ લેન્ગ્વેજીસ એમેડમેન્ટ એક્ટ પસાર થયો હતો તેની સાથે ઓફિશિયલ લેન્ગવેજ રેસોલ્યુશન (ઠરાવ) પણ પાસ થયો હતો. એ ઠરાવમાં લખેલું હતું કે આખા દેશમાં ફરજિયાત હિન્દી જ ભણાવવામાં આવશે. એમાં પણ એવું કર્યું કે, જે રાજ્યોમાં હિન્દી ભાષા બોલાય છે તેવા રાજ્યોમાં હિન્દી અને એક જે-તે રાજ્યની ભાષામાં ભણાવાશે અને જે રાજ્યોમાં હિન્દી બોલાતી જ નથી, જેમ કે તમિલનાડુ, કેરળ, કર્ણાટકમાં એટલે દક્ષિણના રાજ્યોમાં થ્રિ લેન્ગવેજ ફોર્મ્યુલા લાગૂ પડશે. એટલે જે-તે રાજ્યની ભાષા, બીજી અંગ્રેજી અને ત્રીજી હિન્દી. એટલે જેને હિન્દી નથી આવડતી તેણે ફરજિયાત શીખવી પડશે. એટલે સરકારની થ્રિ લેન્ગ્વેજ ફોર્મ્યુલાનો તમિલનાડુમાં ભારે વિરોધ થયો. એ વખતે મુખ્યમંત્રી હતા અન્નાદુરાઈ. જે DMK પાર્ટીના સ્થાપક હતા અને આ પાર્ટી કોંગ્રેસ જેટલી જ મજબૂત હતી. અન્નાદુરાઈએ 1968માં વિધાનસભામાં એક સંકલ્પ કર્યો કે, અમે ત્રણ ભાષાની ફોર્મ્યુલાને રિજેક્ટ કરી રહ્યા છીએ અને ટુ લેન્ગવેજ પોલિસી લાવીશું. તમિલનાડુની સ્કૂલોમાં બે જ ભાષામાં એજ્યુકેશન અપાશે. અંગ્રેજી અને તમિલ. ત્યારથી તમિલનાડુમાં ટુ લેન્ગવેજ ફોર્મ્યુલા ચાલુ છે અને બહુ સારી રીતે ચાલે છે.
હવે આવે છે વાત 1976 ની. તે સમયે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા. તેમને ખબર હતી કે ભાષાની વાત આવશે એટલે સૌથી પહેલો વિરોધ તમિલનાડુમાંથી થશે. એટલે તેમણે પાણી પહેલાં જ પાળ બાંધી લીધી. 1976માં કેન્દ્ર સરકાર ઓફિશિયલ લેન્ગવેજ રૂલ લાવી. તેમાં પણ થ્રિ લેન્ગવેજ ફોર્મ્યુલા હતી. કેન્દ્ર સરકારે એ રૂલના નોટિફિકેશનમાં સ્પષ્ટ લખ્યું કે, આખા ભારતમાં આ થ્રિ લેન્ગવેજ ફોર્મ્યુલા લાગૂ થશે પણ એકમાત્ર તમિલનાડુમાં આ ફોર્મ્યુલા લાગૂ નહીં થાય. એ પછી વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધી આવ્યા. તેમણે આખા ભારતમાં નવોદય વિદ્યાલય કોન્સેપ્ટ શરૂ કરાવ્યો હતો. આ નવોદય વિદ્યાલય કોન્સેપ્ટનો સૌથી વધારે વિરોધ તમિલનાડુમાં થયો હતો કારણ કે નવોદય વિદ્યાલયમાં હિન્દી ફરજિયાત હતી. રાજીવ ગાંધી પોતાનો આ કોન્સેપ્ટ તમિલનાડુમાં લાગૂ કરી શક્યા નહીં.
આઝાદી પહેલાથી હિન્દી થોપવામાં ના આવે એવો આગ્રહ તમિલનાડુ તરફથી રહ્યો છે. ભાષાને લઈને સરકારો ઉથલી પડી હતી. જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ પણ આ મુદ્દે બાંધછોડ કરવી પડી હતી. ત્યારે આજના અંકમાં આપડે તે પછીની વાત આગળ ધપાવીશું.
30 જુલાઈ 2020ના દિવસે જે નવી નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) આવી તેમાં કમિટિએ ભલામણ કરી હતી કે, હિન્દી શીખવી ફરજિયાત રહેશે. મજાની વાત એ છે કે, ત્યારે એ વખતે તમિલનાડુમાં અન્નાદ્રમુક (AIADMK) સરકાર હતી અને તેનું NDA સાથે ગઠબંધન હતું. એ જ અન્નાદ્રમુક સરકારે આ વાતનો વિરોધ કર્યો. AIADMKના લીડર પલાનીસ્વામીએ મોદી સરકારને સ્પષ્ટ કહી દીધું કે, તમિલનાડુમાં તો બે જ ભાષા બોલાશે અને ભણાવાશે. એટલે મોદી સરકારે પણ તમિલનાડુમાં NEP લાગૂ કરવાની ફરજ પાડી નહોતી. જે અનુસાર તમિલનાડુમાં અંગ્રેજી અને તમિલ ભાષા ઉપરાંત ત્રીજી ભાષા તરીકે હિન્દીને બદલે ભારતની કોઈપણ અન્ય ભાષા ભણાવી શકાશે. તેમ છતાં તમિલનાડુમાં આ નિયમનો જોરશોરથી વિરોધ થઈ રહ્યો છે. માત્ર ભાષા માટે નહીં આખી નવી શિક્ષણ નીતિનો વિરોધ થઈ રહ્યો છે. તમિલનાડુની સ્ટાલિન સરકારનું કહેવું છે કે, અમે કેન્દ્રની શિક્ષણ નીતિને સ્વિકારીશું નહીં. અમારી પોતાની અલગ શિક્ષણ નીતિ ઘડીશું અને રાજ્ય શિક્ષણ નિગમ બનાવીશું અને એ મુજબ કામ કરીશું. હવે તમિલનાડુની કઠણાઈ એ ઊભી થઈ છે કે, રાજ્યની એજ્યુકેશન સિસ્ટમ માટે અત્યારે કેન્દ્ર સરકાર તમિલનાડુને 2152 કરોડ રૂપિયા આપી રહી છે. પણ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્પષ્ટ કહી દીધું કે, આ ફંડ અમે તમિલનાડુને તો જ આપીશું જો તમિલનાડુ NEP (નેશનલ એજ્યુકેશન પોલિસી)ને અપનાવશે. બીજું, તમિલનાડુએ કરાર કરવા પડશે કે અમે સ્કૂલોમાં ત્રણ ભાષા ભણાવીશું તો જ કેન્દ્ર મદદ કરશે. એટલે અત્યારે આ વાતનો તમિલનાડુમાં જોરશોરથી વિરોધ ચાલી રહ્યો છે. જો કે કેન્દ્ર સરકાર એવું કહે છે કે, તમે પૂજાપાઠ તમિલમાં કરો. એનો વાંધો નથી. પણ ભણાવવામાં હિન્દીનો ઉપયોગ થવો જોઈએ.
તમિલનાડુ સરકાર માને છે કે કેન્દ્ર સરકાર અત્યારે હિન્દીને સ્ટેપિંગ સ્ટોન તરીકે ઘૂસાડવા માગે છે અને પછી પાછલા દરવાજેથી સંસ્કૃતની ફરજ પાડશે. ત્યારે હવે આ મુદ્દે કેન્દ્ર સરકાર અનેતમિલનાડુ સરકાર કોઈ મધ્યમ માર્ગ કાઢશે કે પછી વિવાદ યથાવત રહેશે તે જોવું રહ્યું.