ઝિંઝુવાડામાં ઐતિહાસિક ગણાતા દરવાજા અને કિલ્લાની દૂર્દશા
- ઐતિહાસિક દરવાજા પાસે જ ગંદકીનું સામ્રાજ્ય
- દોઢ વર્ષથી વહિવટદારનું શાસન છતાંયે કોઈ કાર્યવાહી ન કરી
- કિલ્લાની હાલત પણ બદતર બની છે
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં રણકાંઠે આવેલા અને ઐતિહાસિક ગણાતા ઝિંઝુવાડાનો ઈતિહાસ ભૂસાતો જાય છે. સ્થાનિક તંત્રની લાપરવાહીને લીધે ઐતિહાસિક દરવાજા અને કિલ્લો જર્જરિત બન્યો છે. કિલ્લામાંથી પથ્થરો જમીન દોસ્ત તઈ રહ્યા છે. બેનમુન ગણાતા દરવાજાની હાલત પણ ખંડેર બની ગઈ છે. દરવાજા પાસે ગંદકી અને કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
રણકાંઠાના ઝીંઝુવાડાના ઐતિહાસિક જાજરમાન દરવાજાઓ આજેય હવા સાથે વાતો કરતા ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવી રહ્યા છે. યોગ્ય જાળવણીના અભાવે ઝીંઝુવાડાના ઐતિહાસિક દરવાજાઓની દુર્દશાની સાથે ચારેબાજુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પાટડીથી માત્ર 30 કિમી દૂર આવેલા ઐતિહાસિક ઝીંઝુવાડા ગામમાં પ્રવેશતા જમણી બાજુ સિંહસર તળાવ અને ડાબી બાજુ સમર વાવ આવેલી છે. આ ઐતિહાસિક ઝીંઝુવાડા ગામની ફરતે સળંગ આખી શીલાવાળો કિલ્લો પ્રાચિન નમૂનારૂપ છે. આ કિલ્લા પર એક આખો ટ્રક એક છેડેથી બીજા છેડે જઇને પાછો આવી શકે એટલી પહોળાઇવાળો આ કિલ્લો છે. આ ઐતિહાસિક કિલ્લાની ફરતા આવેલા હવા સાથે વાતો કરતા 4 જાજરમાન દરવાજાને રક્ષિત સ્મારકોમાં સમાવાયેલા હોવા છતાં ભવ્ય ભૂતકાળને વાગોળતા અત્યંત જર્જર્ત હાલતમાં ઊભા છે. યોગ્ય જાળવણીના અભાવે ઝીંઝુવાડાના ઐતિહાસિક દરવાજાઓની દુર્દશાની સાથે ચારેબાજુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
ઝીંઝુવાડામાં છેલ્લા એક દોઢ વર્ષથી વહીવટદારનું શાસન હોવાથી નાગરિકોના પ્રશ્નો ઠેરના ઠેર છે. આ અંગે ઝીંઝુવાડાના નાગરિકોના કહેવા મુજબ તંત્રની ઘોર બેદરકારીના કારણે એક સમયનું ઐતિહાસિક ઝીંઝુવાડા ગામ હાલ ગંદુ ગોબરું બની ગયુ છે. ઝીંઝુવાડાના ચારેય દરવાજાઓને રિપેરીંગ કરી ભૂતકાળને ફરી જીવંત કરવામાં આવે એવી વ્યાપક માગ ગ્રામજનોએ ઊઠાવી છે. જ્યારે આ જાજરમાન દરવાજાઓ આગળ-પાછળ પારાવાર ગંદકીના સામ્રાજ્યને ઝીંઝુવાડા ગ્રામ પંચાયતના વહીવટદાર દ્વારા સઘન સફાઇ ઝુંબેશ કરી યોગ્ય જાળવણી કરવામાં આવે એવી વ્યાપક માગ ઊઠી છે.