માંડવીના બીચ પર રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખૂરશીઓ ખાલી રહી
- પ્રચાર-પ્રસારના અભાવે સરકારી કાર્યક્રમ ફ્લોપ ગયો,
- યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગનું અણઘડ આયોજન,
- ઓડિયન્સ વિના કલાકારો પણ નારાજ થયા
ભૂજઃ પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પ્રવાસ વિભાગ અને રાજ્યના યુવક અને સાંકૃતિક વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. તાજેતરમાં કચ્છના માંડવીના રમણિય બીચ ખાતે યુવક અને સાંકૃતિક વિભાગ દ્વારા રાતના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. આ માટે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે નામાંકિત કલાકારોનો ડાયરો યોજવામાં આવ્યો હતો , પરંતુ કાર્યક્રમના પ્રચાર પ્રસારના અભાવે સંપૂર્ણ આયોજન નિષ્ફળ રહ્યું હતું. દર્શકોની પાંખી હાજરી જોવા મળી હતી અને દર્શકો વિના ખૂરશીઓ પણ ખાલી પડેલી જોવા મળી હતી. પ્રજાના પૈસે આયોજિત સરકારી કાર્યક્રમ ફળીભૂત ના નીવડતા લોકોમાં ભારે નારાજગી ફેલાઈ હતી. ડાયરાના કલાકારો પણ દર્શકો વિના નિરાશ થયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ માંડવી શહેરના રેતાળ બીચ ઉપર નૃત્ય મહોત્સવ અને લોકગીતનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. કતાર બંધ ગોઠવવામાં આવેલી 300-400 ખુરસીઓમાં માંડ 30-40 લોકો જ જોવા મળ્યા હતા. નામાંકિત કલાકારોએ પણ પોતાની કળાને માન આપી વિના પ્રેશકોએ પ્રસ્તુતિ આપી હતી. તંત્રના અપ્રચારના કારણે સુંદર કાર્યક્રમ બેડોળ સમાન સાબિત થતા કલાકારો અને કલા રસિકોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ હતી.
સૂત્રોના ઉમેર્યુ હતું કે માંડવીના બીચ પર યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમની સ્થાનિક લોકોને જાણ ન હતી. આ કાર્યક્રમનો પ્રચાર કે પ્રસાર કરવામાં આવ્યો નહતો. પ્રવાસીઓ પણ આ કાર્યક્રમથી અજાણ હતા. એટલે આ કાર્યક્રમનો ફિયોસ્કો થયો હતો.