કેન્દ્ર સરકાર કેન્દ્રીય રીતે સંકલિત અને ટેકનોલોજી આધારિત જમીન સર્વેક્ષણ અને પુનઃસર્વેક્ષણ હાથ ધરશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને સંદેશાવ્યવહાર રાજ્યમંત્રી ચંદ્રશેખર પેમ્માસાનીએ રાજ્યોને આધાર નંબરોને રેકર્ડ્સ ઓફ રાઇટ્સ (RoRs) સાથે એકીકૃત કરવા વિનંતી કરી છે - એક સુધારો જે જમીન માલિકીને અનન્ય ડિજિટલ ઓળખ સાથે જોડવામાં મદદ કરશે, નકલ દૂર કરશે અને એગ્રીસ્ટેક, PM-KISAN અને પાક વીમા જેવા લાભોની લક્ષિત ડિલિવરી સુનિશ્ચિત કરશે. આજે આંધ્રપ્રદેશના ગુંટુર ખાતે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ (DILRMP) હેઠળ સર્વે/પુનઃસર્વે પર બે દિવસીય રાષ્ટ્રીય વર્કશોપનું ઉદ્ઘાટન કરતી વખતે, મંત્રીએ કહ્યું છે કે પુન:સર્વે, ડિજિટાઇઝેશન, પેપરલેસ ઓફિસો, કોર્ટ કેસ મેનેજમેન્ટ અને આધાર એકીકરણ જેવા સુધારાઓ એક વ્યાપક અને પારદર્શક જમીન શાસન ઇકોસિસ્ટમ બનાવશે. યોગ્ય સર્વેક્ષણો જમીનની આર્થિક સંભાવનાને ખોલે છે. જ્યારે રેકોર્ડ વાસ્તવિકતા સાથે મેળ ખાય છે, ત્યારે બેંકો વિશ્વાસપૂર્વક ધિરાણ આપી શકે છે, ઉદ્યોગપતિઓ નિશ્ચિતતા સાથે રોકાણ કરી શકે છે અને ખેડૂતો કૃષિ સહાય મેળવી શકે છે.
કેન્દ્ર સરકાર સ્પષ્ટ, નિર્ણાયક અને વર્તમાન જમીન રેકોર્ડ પૂરા પાડવાના લાંબા સમયથી પડતર કાર્યને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે તેમ જણાવતા મંત્રીએ કહ્યું છે કે, ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ (DILRMP)ની કલ્પના ડિજિટાઇઝેશન, એકીકરણ અને ટેકનોલોજી સાથે આધુનિકીકરણ દ્વારા જમીન શાસનમાં પરિવર્તન લાવવા માટે કરવામાં આવી હતી. મંત્રીએ કહ્યું છે કે, "જો આપણે ઝડપી હાઇવે, સ્માર્ટ શહેરો, સલામત આવાસ અને ટકાઉ કૃષિ ઇચ્છતા હોઈએ, તો આપણે જમીનથી શરૂઆત કરવી જોઈએ". તેમણે જણાવ્યું હતું કે DILRMP હેઠળ નોંધપાત્ર પ્રગતિ થઈ છે, પરંતુ એક મુખ્ય પડતર ઘટક - સર્વેક્ષણ અને પુનઃસર્વેક્ષણ - અત્યાર સુધી માત્ર ચાર ટકા ગામડાઓમાં પૂર્ણ થયું છે. કારણ કે આ કાર્ય એક સામૂહિક વહીવટી, તકનીકી અને જાહેર જોડાણ કવાયત છે.
ચંદ્રશેખરે કહ્યું છે કે ભારતમાં જમીન ફક્ત ભૌતિક સંપત્તિ નથી. તે ઓળખ, સુરક્ષા અને ગૌરવનું પ્રતીક છે. આપણા લગભગ 90 ટકા નાગરિકો માટે, જમીન અને મિલકત તેમની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે. છતાં, ખોટા અથવા જૂના જમીન રેકોર્ડ લાંબા સમયથી વ્યાપક વિવાદો, વિકાસમાં વિલંબ અને ન્યાય ન મળવાનું મૂળ કારણ રહ્યા છે. આપણા ન્યાયિક આંકડા ઘણું બધું કહે છે - નીચલી અદાલતોમાં 66% થી વધુ સિવિલ કેસો જમીન અને મિલકતના વિવાદો સાથે સંબંધિત છે. સુપ્રીમ કોર્ટમાં પણ, બધા પડતર વિવાદોમાંથી એક ચતુર્થાંશ જમીન સંબંધિત છે. તેથી, આ સમાવેશી વિકાસના વિચાર માટે એક પડકાર છે, એમ તેમણે કહ્યું હતું.
મંત્રીએ જણાવ્યું હતું કે, અમારા અગાઉના સર્વેક્ષણો 100 વર્ષ પહેલાં - 1880થી 1915ની વચ્ચે - ચેઇન અને ક્રોસ-સ્ટાફ જેવા સાધનોનો ઉપયોગ કરીને કરવામાં આવ્યા હતા. દેશના ઘણા ભાગોમાં, ખાસ કરીને ઉત્તર-પૂર્વીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં, મૂળ કેડસ્ટ્રલ સર્વેક્ષણો ક્યારેય પૂર્ણ પણ થયા ન હતા. તેમણે કહ્યું કે જે રાજ્યોએ સર્વેક્ષણનો પ્રયાસ કર્યો હતો. તેમને જાણવા મળ્યું કે આ પ્રક્રિયામાં જમીની સત્યતા, ડ્રાફ્ટ નકશા પ્રકાશન, વાંધાના નિરાકરણ અને અંતિમ સૂચના માટે વિશાળ માનવશક્તિનો સમાવેશ થતો હતો.
"ઘણા રાજ્યોએ નકશા-આધારિત પેટાવિભાગો હાથ ધર્યા નથી, અથવા ટેક્સ્ટ્યુઅલ અપડેટ્સ સાથે અવકાશી રેકોર્ડ રાખ્યા નથી, જેના કારણે વર્તમાન કેડસ્ટ્રલ નકશા અપ્રચલિત થઈ ગયા છે. અમારો અનુભવ દર્શાવે છે કે રાજકીય ઇચ્છાશક્તિ અને મજબૂત સંકલન વિના સર્વેક્ષણો ગતિ ગુમાવે છે અને અધૂરા રહે છે. તેથી જ ભારત સરકારે કેન્દ્રીય રીતે સંકલિત કવાયત હાથ ધરવાનો સંકલ્પ કર્યો છે. જે 21મી સદીમાં જમીન રેકોર્ડ લાવશે" શ્રી ચંદ્રશેખરે જણાવ્યું હતું.
કેન્દ્ર દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ વિશે વધુ સમજાવતા, મંત્રીએ કહ્યું કે તે ટેકનોલોજી આધારિત હશે - પરંપરાગત પદ્ધતિઓના ખર્ચના માત્ર 10 ટકા ખર્ચે ડ્રોન અને એરક્રાફ્ટ દ્વારા હવાઈ સર્વેક્ષણનો લાભ લેશે. તે AI, GIS અને ઉચ્ચ ચોકસાઈવાળા સાધનોનો પણ ઉપયોગ કરશે. તે રાજ્યો સાથે સહકારી રહેશે. જે જમીન-સત્ય અને માન્યતાનું સંચાલન કરશે. જ્યારે કેન્દ્ર નીતિ, ભંડોળ અને તકનીકી આધારસ્તંભ પ્રદાન કરશે. આ કાર્યક્રમ પાંચ તબક્કામાં અમલમાં મૂકવામાં આવશે, જેની શરૂઆત 3 લાખ ચોરસ કિમી ગ્રામીણ ખેતીલાયક જમીનથી થશે. જે 2 વર્ષના સમયગાળામાં પ્રથમ તબક્કા માટે રૂ. 3000 કરોડના ખર્ચે પૂર્ણ થશે.
કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી છે કે, કેન્દ્ર સરકાર શહેરી અને અર્ધ-શહેરી જમીન રેકોર્ડસ માટે એક અગ્રણી પહેલ - NAKSHA પણ હાથ ધરી છે. 150થી વધુ શહેરી સ્થાનિક સંસ્થાઓને પહેલાથી જ આવરી લેવામાં આવી રહી છે. શહેરી જમીનના મૂલ્યો ઊંચા છે, વ્યવહારો વારંવાર થાય છે અને ઉંચા મકાનો બની રહ્યા છે. આનાથી વધુ વિવાદો અને અનૌપચારિક વસાહતો થઈ રહી છે. તેથી, શહેરી આયોજન, સસ્તા આવાસ અને મ્યુનિસિપલ આવક માટે સચોટ રેકોર્ડ મહત્વપૂર્ણ છે”, શ્રી પેમ્માસાનીએ જણાવ્યું હતું.
જમીન સંસાધન વિભાગ (DoLR) એ જણાવ્યું હતું કે, રાજ્યોને તેમની નોંધણી પ્રણાલીઓ અને રેવન્યુ કોર્ટ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ (RCCMS)ને ઓનલાઈન અને પેપરલેસ બનાવવા, ઓટોમેટેડ વર્કફ્લો અપનાવવા અને ગમે ત્યાં ઍક્સેસ સક્ષમ કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. નાગરિકો અને અધિકારીઓ માટે, મંત્રીએ કહ્યું કે તે જમીન સંબંધિત કોર્ટ કેસોને ટ્રેક અને મેનેજ કરવામાં, જવાબદારી લાવવામાં અને વિલંબ ઘટાડવામાં મદદ કરશે.
મંત્રીએ કહ્યું કે સચોટ સર્વેક્ષણો આપણામાંના સૌથી વધુ સંવેદનશીલ લોકોને મદદ કરે છે. નાના અને સીમાંત ખેડૂતો, આદિવાસી સમુદાયો અને ગ્રામીણ મહિલાઓ માટે, સ્પષ્ટ જમીનના માલિકી હક વૈભવી વસ્તુઓ નથી પરંતુ શોષણ સામે આવશ્યક રક્ષણ છે. ચાલો આપણે ટીમ લેન્ડ રેકોર્ડ્સ - કેન્દ્ર અને રાજ્યો સાથે મળીને - ભારતના લોકો માટે આ લાંબા સમયથી પડતર કાર્ય પૂર્ણ કરવા માટે આગળ વધીએ. ચાલો આપણે એક એવું રાષ્ટ્ર બનાવીએ જ્યાં જમીન હવે મૂંઝવણ અને સંઘર્ષનું કારણ ન બને, પરંતુ વિશ્વાસ, સુરક્ષા અને સમૃદ્ધિનું કારણ બને. ભૂ-વિવાદથી ભૂ-વિશ્વાસ સુધીની યાત્રા આપણી સાથે શરૂ થાય છે - અને તે માર્ગ પર ચાલવાનો સમય હવે છે, એમ તેમણે ઉમેર્યું હતું.