ઈંગ્લેન્ડના આ ક્રિકેટરનો ભાઈ ઝિમ્બાબ્વે માટે હવે રમશે
જાણીતા ક્રિકેટર સેમ કરન અને ટોમ કરન ઈંગ્લેન્ડની ટીમ માટે રમે છે. બંને ભાઈઓએ પોતાના દેશ માટે શાનદાર ક્રિકેટ રમી છે. તેમજ સેમ કરને આખી દુનિયામાં નામ કમાવ્યું છે. દરમિયાન, તેમના ભાઈ બેન કરનને અન્ય દેશની ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. તેને ઝિમ્બાબ્વેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અફઘાનિસ્તાન સામે રમાનારી શ્રેણી માટે તેને પ્રથમ વખત ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
સેમ કરન, ટોમ કરન અને તેમનો ભાઈ બેન કરનનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો હતો. જોકે તેમના પિતા ઝિમ્બાબ્વે માટે ક્રિકેટ રમી ચૂક્યા છે. બેન કરન વર્ષ 2022 સુધી નોર્થમ્પટનશાયર તરફથી રમ્યો હતો, પરંતુ તે પછી તે ઝિમ્બાબ્વે ગયો હતો. તેણે ઘરેલુ ક્રિકેટમાં ઝિમ્બાબ્વે માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. પ્રો50 ચૅમ્પિયનશિપ 2024/25 અને ફર્સ્ટ-ક્લાસ ટૂર્નામેન્ટ લોગન કપ 2024/25માં તે તેની ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. જેના કારણે તેને ઝિમ્બાબ્વેની રાષ્ટ્રીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે.
ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન વચ્ચે મલ્ટિ-ફોર્મેટની શ્રેણી રમાવાની છે. જેની યજમાની ઝિમ્બાબ્વેની ટીમ કરશે. જોકે, બેનને માત્ર ODI માટે જ પસંદ કરવામાં આવ્યો છે. તે T20 ટીમનો ભાગ નથી. ઝિમ્બાબ્વે ક્રિકેટે એક નિવેદનમાં લખ્યું છે કે 28 વર્ષીય કરને ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાનું સ્થાન બનાવ્યું છે. તે ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી અને કોચ સ્વર્ગસ્થ કેવિન કરનનો પુત્ર અને ઈંગ્લેન્ડના આંતરરાષ્ટ્રીય ખેલાડી ટોમ અને સેમ કરનનો ભાઈ છે.