ગુજરાતને સતત વાંચતું રાખવા કોઈ પુસ્તકની "પરબ" માંડે છે તો કોઈ "અભિયાન" ચલાવે છે
(અલકેશ પટેલ) અમદાવાદ, 2 ડિસેમ્બર, 2025: The book lovers of Gujarat ગુજરાતીઓ મૂળભૂત રીતે વેપારી માનસ ધરાવે છે તેથી અહીં સાહિત્ય-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અન્ય કેટલાંક રાજ્યો જેટલી થતી નથી એવી સર્વસામાન્ય છાપ હંમેશાં રહી છે. તેમાં તથ્ય પણ છે. ગુજરાતી સાહિત્યકારો સર્જન તો કરે છે પરંતુ પછી તેમનાં સર્જનને પ્રજા સુધી લઈ જઈને, પ્રજાને તેમાં ઈન્વોલ્વ રાખવાની બાબતમાં ઉપેક્ષા કરે છે અથવા ખાસ રસ લેતા નથી, સિવાય કે તેમનું માન-સન્માન કરીને બોલાવવામાં આવે.
આ સંદર્ભમાં એવું કહેવામાં કશું ખોટું નથી કે, રાજ્યમાં પુસ્તકની પ્રવૃત્તિને બે પ્રકારના લોકો સતત ગતિશીલ રાખે છેઃ એક, પુસ્તક પ્રકાશકો અને બે, પુસ્તકના એવા રસિયા જેઓ પોતે જે કંઈ વાંચે છે તેને સમાજમાં અન્ય લોકો સુધી પહોંચાડવાની લગન લાગી જાય છે.
આજે આપણે આ બીજા પ્રકારના લોકોની વાત કરવાની છે. પણ એ પહેલા એ વ્યક્તિનો ઉલ્લેખ જેમણે ગુજરાતને વાંચતું કરવાની પહેલ કરી હતી. જેમણે ગુજરાતીઓમાં વાચન પ્રત્યે ભાવ જગાવ્યો હતો. એ વ્યક્તિ એટલે નરેન્દ્ર મોદી. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્રભાઈએ સૌ પ્રથમ વખત 2010માં વાંચે ગુજરાતનો વિચાર વહેતો મૂક્યો હતો. અને એ સાથે વાચન રસિયાઓને, પુસ્તક રસિયાઓને તો જાણે ગોળનું ગાડું મળી ગયું હતું. તેમના માટે પોતે જે કંઈ વાંચે તે બીજાને વહેંચીને ગમતાંનો ગુલાલ કરવાની ઉમદા તક ઊભી થઈ હતી.
અનેક લોકોએ એ તક ઝડપી લીધી. મોટાભાગનાએ પોતપોતાની રીતે વાચનને પ્રોત્સાહન આપવા માટેના પ્રયાસ કર્યા. ઘણાએ પોતાની પાસે રહેલાં પુસ્તકોની લાઇબ્રેરી શરૂ કરી દીધી, તો કેટલાકે અન્ય લોકોને સામેલ કરીને વાચન પ્રવૃત્તિ વિસ્તારવાની યોજના બનાવી.

શક્ય છે અમદાવાદ શહેરમાં અને રાજ્યમાં અન્યત્ર પણ સ્વેચ્છાએ વાચનને પ્રોત્સાહન આપવા માટેની પ્રવૃત્તિઓ ચાલતી હશે. એ દરેક વિશે માહિતી ઉપલબ્ધ નથી પરંતુ જે ઉપલબ્ધ છે એ વાતો પણ ગુજરાતી તરીકે આપણને ગૌરવ કરાવે તેવી છે.
સૌથી પહેલા "વાંચે વિશ્વ પુસ્તક પરબ"ની. શહેરના નરોડા વિસ્તારમાં દર રવિવારે આ પરબ લાગે છે. ટૂંક સમયમાં જ સળંગ 200 રવિવારે આ પુસ્તક પરબ ચલાવવાની અનોખી સિદ્ધિ હાંસલ કરનાર પરબના પ્રણેતા અને સંચાલક જયેશભાઈ પ્રજાપતિ આ વિશે રિવોઈ સાથે વાત કરતાં કહે છે કે, "બે વર્ષ પહેલાં માત્ર એક જ રવિવારે 17 સપ્ટેમ્બરે શહેરમાં સવારથી મોડી રાત સુધી સતત વરસાદ ચાલુ હતો ત્યારે અમે પુસ્તક પરબ લગાવી શક્યા નહોતા." તેને બાદ કરતાં આ પ્રવૃત્તિને ગત રવિવારે 30 નવેમ્બરે 196 રવિવાર પૂર્ણ થયા છે. ખરેખર આ ઘણી મોટી વાત કહેવાય. લોકોને વાંચતા રાખવા માટે નિઃસ્વાર્થપણે છેક 2022થી આ પ્રવૃત્તિ ચાલુ રાખવી એ એક પ્રકારની સાધનાથી ઓછું નથી.
જયેશભાઈ કહે છે કે, તેમના પિતા વાચનના ખૂબ શોખીન હતા. તેમણે 200 પુસ્તક લાવી આપ્યા અને એ સાથે 2022ની 27 ફેબ્રુઆરીએ "વાંચે વિશ્વ પુસ્તક પરબ"ની શરૂઆત કરી હતી. તેઓ રિવોઈને કહે છે કે, આ પરબ ઉપરાંત અમે આદિવાસી વિસ્તારો, મંદિરો, શાળાઓમાં પુસ્તકો મોકલતા રહીએ છીએ. ક્યારેક આસપાસમાં આવેલી વાળ કાપવાની દુકાનોમાં પણ પુસ્તકો મૂકીએ છીએ જેથી ત્યાં પોતાનો વારો આવવાની રાહ જોઈને બેઠેલા ગ્રાહકો પણ પુસ્તક ઉપર નજર કરી શકે અને તેમને વાંચવાની ઈચ્છા જાગી શકે. 27 ફેબ્રુઆરીનું મહત્ત્વ સમજાવતા તેઓ કહે છે કે, હકીકતે આ દિવસ મારા પિતાજી મોહનભાઈ પ્રજાપતિ તેમજ મારા પત્ની - એમ બંનેનો જન્મદિવસ છે. આવા મહત્ત્વના દિવસે અમે આ પરબની શરૂઆત કરી હતી.

આવી જ રીતે, આમ વ્યક્તિગત ધોરણે પરંતુ સાથે માતૃભાષા અભિયાનના સહયોગથી લોકોને વાંચતા કરવા, વાંચતા રાખવાનો અખંડ યજ્ઞ ચલાવી રહ્યા છે ગીતાબેન પંચાલ. શહેરના થલતેજ વિસ્તારમાં પોતાના ઘરમાં જ ઉપલબ્ધ પુસ્તકોનો ભંડાર વાચન રસિયાઓ માટે ખુલ્લો મૂકી દેનાર ગીતાબેન રિવોઈ સાથે વાત કરતાં કહે છે કે, અમારા પરિવારમાં વાચનનો ખૂબ શોખ અને તેથી ત્રણેક હજાર જેટલાં પુસ્તકો અમારી પાસે છે. મને વિચાર આવ્યો કે તેનો લાભ અન્ય લોકોને પણ મળવો જોઈએ તેથી હાલ તેઓ માતૃભાષા અભિયાનના સહયોગથી રોજેરોજ આ પ્રવૃત્તિનું સંચાલન કરે છે. 2014માં શ્રી વિદ્યા ગ્રંથ મંદિરની શરૂઆત કરનાર ગીતાબેન પોતે લેખિકા છે. યોગ, કાઉન્સેલિંગ ઉપરાંત તેઓ પોતાની સૌથી ગૌરવપ્રદ કામગીરી વૃક્ષારોપણને ગણાવે છે. પુસ્તક વાચનમાં સમાન રસ લેનાર અન્ય લોકોની સાથે નિયમિત રીતે વીડિયો કૉલ દ્વારા પુસ્તક પરિચયનો કાર્યક્રમ પણ એક નોંધપાત્ર પ્રવૃત્તિ છે. ગીતાબેન કહે છે કે, અમે દરેક વ્યક્તિ જે પુસ્તક વાંચ્યું હોય તેનો પાંચથી સાત મિનિટમાં પરિચય આપીએ છીએ જેથી દરેક પુસ્તકના વિષય વિશે એક-બીજાને જાણકારી મળી રહે.
કવિ, વિવેચક શ્રી રાજેન્દ્રભાઈ પટેલ પ્રેરિત માતૃભાષા અભિયાન વાચન માટેની સેવાકીય પ્રવૃત્તિનો સૌથી મોટો યજ્ઞ છે. આ અભિયાન હેઠળ 15થી વધુ જગ્યાએ પ્રત્યેક મહિનાના પહેલા રવિવારે પુસ્તકોની પરબ લાગે છે અને અનેક લોકો તેનો લાભ લે છે. આ અભિયાન વિશે ભાવિનભાઈ શેઠ જણાવે છે કે, 2013ના ઑક્ટોબર મહિનામાં માત્ર પાંચ પુસ્તક સાથે અભિયાનની શરૂઆત કરી હતી અને હવે તો પુસ્તકોની સંખ્યા, અભિયાનમાં જોડાયેલા લોકોની સંખ્યા તેમજ વાચકોની સંખ્યામાં - એમ દરેક બાબતમાં ગુણોત્તર વધારો થયો છે. નોંધપાત્ર છે કે, માતૃભાષા અભિયાન હેઠળ હવે તો બાળ સાહિત્ય શનિસભા, દાદા-દાદીનો ઓટલો, સાહિત્યિક અને ભાષાલક્ષી વાર્તાલાપ વગેરે પ્રવૃત્તિ પણ નિયમિત રીતે થતી રહે છે.
જોકે, આ દરેક મહાનુભાવ સાથે વાત કરતાં એક સૂર એવો નિકળ્યો કે, વાચન પ્રવૃત્તિમાં મહદઅંશે 50 વર્ષની ઉપર ઉંમર ધરાવતા લોકો રસ લેતા હોય છે. યુવાનોનું પ્રમાણ હજુ ઓછું જોવા મળે છે.