અમદાવાદમાં આજે પણ મેઘાવી માહોલ રહ્યો, સાબરમતી નદીએ રૌદ્રસ્વરૂપ ધારણ કર્યું
- સાબરમતીમાં પાણી છોડાતા રિવરફ્રન્ટ ન જવા અપીલ,
- બોપલમાં દિવાલ ધરાશાયી થતા વાહનોને નુકસાન,
- સાબરમતી નદીનું રૌદ્રસ્વરૂપ, વાસણા બેરેજના 27 દરવાજા ખોલાયા
અમદાવાદ શહેરમાં મોડી રાતથી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. મોડી રાત્રે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મોડી રાતથી વહેલી સવાર સુધીમાં શહેરમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રવિવારે દિવસ દરમિયાન સમયાંતરે વરસાદના ભારે ઝાપટાં પડી રહ્યા હતા. રવિવારે બપોર સુધીમાં શહેરમાં સરેરાશ બે ઈંચ જેટલો જ વરસાદ વરસ્યો હોવા છતા અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહનચાલકો પરેશાન જોવા મળ્યા હતા તો બીજી તરફ આજે રવિવાર હોવાથી AMCના અધિકારી-કર્મચારીઓ રજા પર હોવાના કારણે સમયસર પાણી નિકાલ ન થતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
અમદાવાદમાં વહેલી સવારથી સતત વરસાદ પડી રહ્યો છે સવારે 6:00 વાગ્યાથી 9:00 વાગ્યા સુધી એમ ત્રણ કલાકમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. શહેરના રાણીપ વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રવિવારે બપોર સુધી સંમાંયતરે વરસાદના ભારે ઝાપટા પડ્યા હતા. સંત સરોવરમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે અમદાવાદ રિવરફ્રન્ટના વોકવે પર પાણી ફરી વળ્યા હતા. વોકવે પર બંદોબસ્ત ગોઠવી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે વાસણા બેરેજના 30 પૈકી 27 ગેટ સંપૂર્ણ ખોલવામાં આવ્યા છે.
શહેરના ગઈ મોડી રાતથી સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. વરસાદને લીધે શહેરનું વાતાવરણ હીલ સ્ટેશન જેવું બન્યું છે. શહેરના સાબરમતી, મોટેરા, નરોડા, કોતરપુર, સરદારનગર, એરપોર્ટ રોડ, કુબેરનગર સહિતના વિસ્તારોમાં બપોર સુધીમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સવારથી સતત વરસાદને લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અમદાવાદ શહેરમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. શહેરમાં ચોમાસાની સિઝનનો સામાન્ય રીતે 35 ઇંચ વરસાદ પડતો હોય છે, જ્યારે આ સિઝનમાં 7 સપ્ટેમ્બરે બપોરના 12 વાગ્યા સુધીમાં 39.35 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે.
અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં પણ એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં સરસ્વતી હોસ્પિટલની નજીકમાં કન્સ્ટ્રક્શન સાઈટને અડીને બનેલી દીવાલ ધરાશાયી થઇ જતાં ભૂસ્ખલન જેવી સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે નજીકમાં ઊભેલી ત્રણ કાર કન્સ્ટ્રક્શન સાઈટના ખાડામાં ખાબકી ગઇ હતી. જોકે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.