ગાંધીનગરમાં કરોડોના ખર્ચે બનેલા ઓવરબ્રિજના ઉદઘાટન માટે તંત્રને મૂહુર્ત મળતુ નથી
- ગાંધીનગરમાં સેક્ટર-26માં ક-6થી ખ-6ને જોડતો બ્રિજ 58 કરોડના ખર્ચે તૈયાર કરાયો,
- કોંગ્રસ દ્વારા સરદાર બ્રિજનું નામ આપીને બ્રિજને સત્વરે ખૂલ્લો મુકવા માગ કરી,
- તંત્રએ બ્રિજ નીચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું કહી ઉદ્ઘાટન મોકૂફ રાખ્યુ
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના શહેરના સેક્ટર-26માં ક-6થી ખ-6ને જોડતો ઓવરબ્રિજ 58 કરોડથી વધુના ખર્ચે તૈયાર થઈ ગયો હોવા છતાં તેનુ લોકાર્પણ કરવામાં આવતું નથી. જેથી શહેરીજનો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ નવ નિર્મિત બ્રિજને 'સરદાર બ્રિજ' નામ આપી તાત્કાલિક ખુલ્લો મૂકવા માગ કરાઈ છે.
ગાંધીનગર શહેરના સેક્ટર-26માં ક-6થી ખ-6ને જોડતો ઓવરબ્રિજ 58 કરોડથી વધુના ખર્ચે તૈયાર થઈ ગયો હોવા છતાં શાસકો દ્વારા હજી ખુલ્લો મૂકવાનું મૂહુર્ત મળતુ નથી. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જેનો શિલાન્યાસ આશરે અઢી વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો. આ બ્રિજનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે તેમ છતાં ઉદ્ઘાટન પ્રેમી નેતાઓના કારણે તેને અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નહીં હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. આ બ્રિજ ખુલ્લો નહીં મૂકવામાં આવતા કોલવડા, આદરજ મોટી કલોલ અને માણસા તરફ અવરજવર કરનારા લોકોને ભારે હાલાકી પડી રહી છે. ખાસ કરીને ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ માટે સમયસર પહોંચવામાં મોટી પરેશાની ઊભી કરે છે.
આ મામલે ગાંધીનગર કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે કે, બ્રિજ નીચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને કારણે ઓવરબ્રિજ તૈયાર થઈ ગયો હોવા છતાંયે તેનું લોકાર્પણ કરાતુ નથી. આ અંગે કોંગ્રેસના વોર્ડ 3 પ્રમુખ મેહુલ પટેલે કહ્યું કે, શહેર કોંગ્રેસ વતીથી સરદાર પટેલનું નામ જે ભારત દેશના 500થી વધારે રજવાડાઓને એક કરીને અખંડ ભારત બનાવ્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલનું આ બ્રિજને નામ આપવામાં આવે એના માટે શહેર કોંગ્રેસ સમિતિ વતીથી રજૂઆત કરીએ છીએ. આ બ્રિજને પ્રજા માટે ઝડપથી ખુલ્લો મૂકવામાં આવે. દસ દિવસની અંદર ખુલ્લો મૂકવામાં નહીં આવે તો શહેર કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરીને બ્રિજને ખુલ્લો મૂકશે તેવી પણ અમે કોર્પોરેશનને રજૂઆત કરીએ છીએ.